ભરૂચ: (Bharuch) લોકસભા સત્ર પૂર્ણ કરી દિલ્હીથી પોતાના મતક્ષેત્ર વડોદરાના શિનોર નજીકના સૂરાશામળ ગામે પહોંચી ગાડીમાંથી (Car) નીચે પગ મૂકતાં જ ભરૂચના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) પૂરગ્રસ્તોના રોષનો (Rage) ભોગ બન્યા હતા.
- ‘ચૂંટણી વેળા મહેરબાની કરીને ગામમાં ન આવતાં, ગાડીમાં બેસો’: મનસુખ વસાવા સામે પૂરગ્રસ્તોનો રોષ
- પૂરગ્રસ્ત શિનોરના સુરાશામળ ગામમાં BJP સાંસદ પ્રવેશતાં જ લોકોનો ઘેરાવો
ભરૂચ અને અંકલેશ્વરની પૂરગ્રસ્ત પ્રજા મંત્રી, ધારાસભ્ય, સરપંચ અને ચુંટાયેલા પ્રીતિનિધિઓને આડે હાથે લઈ રહી છે. પૂરગ્રસ્તોના રોષનો ભોગ હવે ભાજપના 6 ટર્મથી ચુંટાતા સૌથી સિનિયર સાંસદ ભરૂચ MP મનસુખ વસાવા પણ બન્યા છે. દિલ્હીથી લોકસભા સત્ર પૂર્ણ કરી પરત ફરેલા સાંસદ મનસુખ વસાવાએ શિનોરના સુરા શામળ ગામે કારમાં એન્ટ્રી મારી હતી. ગાડી ઊભી રહેતાં સાંસદે ગામમાં જેવો પગ મૂકતાં લોકો તેમને ઘેરી વળ્યા હતા.
સાંસદ કંઈ બોલે તે પહેલાં જ લોકોએ શબ્દોરૂપી રોષ વરસાવવાનું શરૂ કરી દેતાં તેમણે માત્ર મૂકપ્રેક્ષક જ બની પ્રજાની વેદના વિરોધરૂપે સાંભળવાનો વારો આવ્યો હતો. આગામી 2024ની ચૂંટણીના દિવસે પણ મહેરબાની કરી ગામમાં આવતા નહીં કહી સાહેબ ગાડીમાં બેસી જાવ કહી દીધું હતું. ભરૂચ અને અંકલેશ્વરમાં અગાઉ કુંવરજી હળપતિ, ઈશ્વર પટેલ બાદ હવે પૂર પીડિતોના રોષનો ભોગ ભરૂચના સાંસદને બનવાનો વારો આવ્યો છે.
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાની 23 સરકારી શાળાને પૂરથી વ્યાપક નુકસાન
ભરૂચ: ભરૂચ નર્મદા નદીના પૂરે સરકારી 23 શાળા અને ત્યાં શિક્ષણ લેતાં હજારો બાળકોના ભાવિ ઉપર પણ પાણી ફેરવી દીધું હતું. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાનાં કાંઠાનાં ગામોની સરકારી શાળાઓમાં પણ પૂરના પાણીએ ભારે ખાનાખરાબી સર્જતાં શિક્ષણ કાર્ય ઠપ કરી દીધું હતું. ત્રણ તાલુકાની 23 શાળાની ઇમારત, વર્ગખંડો, ફર્નિચર, ફાઈલો, રેકોર્ડ, શિક્ષણ, રમતગમત સહિતનાં સાધનો અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી પૂરમાં તબાહ થઈ ગઈ છે.
જિલ્લા વહીવટી અને શિક્ષણાધિકારી કચેરી દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાઓમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યા બાદ વર્ગખંડો પૂર્વવત કરાયા હતા. સાથે જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને ચોપડાની વહેંચણી કરવામાં આવી રહી છે. હવે DEO કિશન વસાવાના જણાવ્યા મુજબ બે શાળામાં જ સફાઈ સહિતની કામગીરી બાકી હોય જે જૂના સક્કરપોર અને બોરભાઠા શાળાઓમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ શકશે.