ભરૂચ: (Bharuch) કાર્ગો ટ્વીન્સ માટે એક્સપ્રેસવે (Express Way) તરીકે ઓળખાતા WDFC પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા નદી પરના 1.3 કિમી લાંબા બ્રીજ પર ફ્રેટ ટ્રેનનું સફળ ટ્રાયલ રન કરાયું હતું. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર (WDFC) નેટવર્ક પર ફ્રેટ ટ્રેનનાં પ્રથમ સફળ ટ્રાયલ રનની જાહેરાત કરી હતી. આ પુલ WDFC પ્રોજેક્ટમાં સૌથી લાંબો પુલ છે.
ભારતીય રેલવે માટે ઝડપી માલસામાન પરિવહનની શ્રેણીમાં વધુ એક સેવા ઉમેરાઈ છે. કાર્ગો ટ્વીન્સ માટે એક્સપ્રેસવે તરીકે ઓળખાતા WDFC પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થયેલી સેવા અંતર્ગત ફ્રેટ ટેનનું ટ્રાયલ રન કરાયું હતું. આ ટ્રાયલ રન માટે ગત તા ૨૩મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સુરત જીલ્લાના ગોથાણ ગામથી ભરૂચમાં ૧.૩ કિલોમીટર લાંબા નર્મદા નદીના બ્રીજને પાર કરીને વડોદરા જિલ્લામાં નવા મકરપુરા વચ્ચે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા સોશ્યલ મીડિયા (X-Twitter) પર વિડીયો ક્લીપ્સ પોસ્ટ કરવામાં આવી હતી.
રૂપિયા ૩૫૦૦ કરોડથી વધુના રોકાણ સાથે બનેલા WDFC પ્રોજેક્ટનો આ ફ્રેટ કોરિડોર ગોથાણ ગામથી ભરૂચ થઈને વડોદરામાં મકરપુરા સુધીના ૧૧૨ કિમી સુધી ફેલાયેલો છે. જેમાં સુરત, ભરૂચ અને વડોદરા જીલ્લાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરે અત્યાર સુધીમાં WDFC રૂટના 1506 કિમીમાંથી 1279 કિમીનું બાંધકામ પૂર્ણ કર્યું છે. આ ફ્રેટ કોરિડોરના કારણે સૌથી વ્યસ્ત રૂટ ગણાતા દિલ્હી-મુંબઈ પર હાલનું ભારણ નોંધપાત્ર ઘટશે.
ખાસ કરીને WDFC પ્રોજેક્ટમાં ૨૪૦ નાના અને મોટા રેલ પુલનો સમાવેશ થાય છે. જેમાં ભરૂચની બાજુમાંથી પસાર થતી નર્મદા નદી પરના એક મોટા પુલનો સમાવેશ થાય છે. આ પુલ ૧.૩ કિલોમીટર લાંબો અને વિશેષતામાં WDFC પ્રોજેક્ટમાં સૌથી લાંબો પુલ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશના આર્થિક વિકાસને વેગ મળશે. ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકીંગ સીસ્ટમને કારણે રેલ નેટર્વકની ઝડપનો પણ વધારો થશે. સાથે જ સમગ્ર રૂટ લેવલ ક્રોસિંગ ફ્રી બનશે.