ભરૂચ: (Bharuch) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં માગશર સુદ પૂનમના દિવસે ભાજપે (BJP) ઐતિહાસિક પ્રચંડ વિજય મેળવીને ગુજરાતનાં સૂત્રો સર કર્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી દ્વારા મેળવેલી બેઠક કરતાં ગુજરાતના PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) આગેવાનીમાં વધારે બેઠક મેળવીને ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે, જેમાં આ વખતે ભરૂચ જિલ્લાના (Bharuch District) ઇતિહાસમાં પહેલી વખત પાંચેય બેઠક પર ભાજપનું કમળ ખીલવીને ભાજપ સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહમાં વધારો થયો છે.
- ભરૂચની પાંચેય બેઠક પર ભાજપનો ભગવો
- ભરૂચ જિલ્લામાં ભગવાધારી સંતની BJPમાં ઉમેદવારી, ભાઈ V/S ભાઈ ચૂંટણી જંગમાં હતા
- સહકારી ક્ષેત્રના દિગ્ગજ અરુણસિંહ રાણાએ સતત ત્રીજી વખત ધારાસભ્ય બનીને હેટ્રિક મારી
દેશમાં નરેન્દ્ર મોદીનો અન્ડર કરન્ટ સહિત શીર્ષસ્ત નેતૃત્વથી ભરૂચ જિલ્લામાં સંગઠન માળખું અને ચુનિંદા અને ખેરખા ઉમેદવારોના પગલે પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થતાં અનેરો ઉમંગ છવાયો હતો. ભરૂચ જિલ્લામાં પહેલી વખત ઝઘડિયા બેઠક પર ભાજપનો ઉમેદવાર રીતેશભાઈ (ઉર્ફે કાલાભાઈ) વસાવાએ ૨૩૫૦૦ની જંગી સરસાઈથી પ્રતિસ્પર્ધી છોટુભાઈ વસાવા સામે જીત મેળવી લીધી હતી. છોટુભાઈ વસાવા છેલ્લાં ૩૨ વર્ષથી સતત ૭ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. આ વખતે જંબુસર બેઠક પર સાધુસંત ગણાતા ડી.કે.સ્વામીએ કોંગ્રેસના ઉમેદવારને ૨૭૩૮૦ મતે પરાસ્ત કર્યા હતા. ભરૂચ જિલ્લામાં સૌથી ચર્ચિત એવી અંકલેશ્વર બેઠકમાં બે સગાભાઈઓ આમનેસામને ચૂંટણી જંગમાં ઊતરેલા હતા.
ભાજપમાંથી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર તેમના મોટાભાઈ વિજયસિંહ (ઉર્ફે વલ્લભદાસ) ઠાકોરભાઈ વસાવાએ ઉમેદવારી કરી હતી, જેમાં ભાજપમાંથી ઈશ્વરસિંહ પટેલે ૪૦૪૪૧ મતની જંગી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવારને કારમી હાર આપી હતી. વાગરા બેઠક પર ભરૂચ જિલ્લાના સહકારી મજબૂત અગ્રણી એવા અરુણસિંહ રણાએ કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સુલેમાન પટેલને ૧૩૪૫૨ મતની સરસાઈથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. અરુણસિંહ રણા સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. ભાજપની સલામત ગણાતી ભરૂચ બેઠક પર રમેશ મિસ્ત્રીએ ૬૪૪૭૩ મતની સરસાઈથી જયકાંત પટેલને હરાવ્યો હતો.