ભરૂચ: મુંબઈવાસીઓ (Mumbai) હવે ભરૂચની (Bharuch) દૂધધારા ડેરીનું દૂધ (Milk) પીશે. ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ પ્રદેશ (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે રૂ.૭૦ કરોડનો મુંબઈ દૂધ પ્લાન્ટ, રૂ.૫ કરોડનો શીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેતક્રાંતિ (White Revolution) તરફ જઈ રહી છે. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડેરીની ૬૩મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સભામાં દૂધધારા ડેરીના ૭૦ કરોડ રૂપિયાના મુંબઈ દૂધ પ્લાન્ટ, રૂ.5 કરોડના શીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન અને ૨ કરોડ રૂપિયાના ૫૦૦ કે.વી. સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.
- રૂ.૫ કરોડના શીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને રૂ.૨ કરોડના ૫૦૦ KVના સોલાર પ્લાન્ટનું લોકાર્પણ
- ભરૂચ-નર્મદાના 62000 સભાસદને દૂધના ખરીદ ભાવમાં રૂ.૧૦ના વધારાની ભેટ
- ગત વર્ષના હિસાબમાં ભાવ ફેર પેટે રૂ.૩૫ કરોડ પૈકી ૧૭ કરોડ રોકડમાં અને બાકીના દાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેટે સહાય કરવામાં આવી
- ડેરીનો સોલાર પ્લાન્ટ કાર્યરત થતાં રોજની ૨૦ % વીજ બિલમાં બચત
- સુકન્યા નિધિમાં ડેરી અને સુગર થકી રૂ.3–3 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી
આ પ્રસંગે દૂધધારા ડેરી, ધારીખેડા સુગર ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા, નિશાંત મોદી સહિત ડિરેક્ટરો, સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દૂધધારા ડેરીની સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલે બંને જિલ્લાના ૬૨ હજાર સભાસદને તા.૨૧ જૂનથી દૂધના ખરીદ ભાવ રૂ.૭૨૫થી વધારીને રૂ.૭૩૫ કરવાની જાહેરાત કરી દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. સાથે જ ગત વર્ષના હિસાબમાં ભાવ ફેર પેટે રૂ.૩૫ કરોડ પૈકી ૧૭ કરોડ રોકડમાં અને બાકીના દાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેટે સહાય કરવામાં આવી હતી. સુકન્યા નિધિમાં ડેરી અને સુગર થકી રૂ.3–3 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ડેરીનો સોલાર પ્લાન્ટ કાર્યરત થતાં રોજની ૨૦ % વીજ બિલમાં બચત થશે. ડેરી આગામી સમયમાં પણ સુવિધા સવલતો વધારવા સાથે દૂધ ઉત્પાદનમાં ઉન્નતિ કરતી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.