ભરૂચ: ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની મહિલા પોલીસ પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસમથકનાં મહિલા પોલીસકર્મી તરીકે ફરજ બજાવતી પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કરી દીધો હતો. એટલું જ નહીં તેના પર જિલ્લા પોલીસવડા મયૂર ચાવડાની પણ ખોટી સહી પણ કરી હતી. આ બાબતની જાણ થતા જ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસના અંતે સમગ્ર મામલો બહાર આવતાં મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જ્યારે ડી.વાય.એસ.પી. સી.કે.પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, હેડ ક્વાર્ટરમાં લોકરક્ષક દળનો કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો મહિલા પોલીસ એવી પત્ની સાથે ઝઘડો થતાં પત્નીને ડરાવવા માટે ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હોવાનું ધ્યાન પર આવતાં તેની અટકાયત કરી હતી. બી ડિવિઝન પોલીસમથકના ઇનચાર્જ PI વી.યુ.ગડરિયાએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલ સામે બોગસ દસ્તાવેજ બનાવવા, ખોટા દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવો અને પોલીસ વડાની ખોટી સહી કર્યા બાદ આ લેટરનો નાશ કરવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. તેણે તૈયાર કરેલો આ બોગસ લેટર શોધવા સહિતના મુદ્દે બે દિવસનાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી.
જો કે, કોન્સ્ટેબલ મહિલા પોલીસ તરીકે ફરજ બજાવતી પત્નીને કયા મુદ્દે ઝઘડામાં આ બોગસ ફરજ મોકૂફીનો લેટર તૈયાર કરી તેના પર DSPની જાતે જ ખોટી સહી કરી ગુનો આચર્યો તેનું કારણ દંપતીનો આંતરિક વિવાદ હોય બહાર આવ્યું નથી. પોલીસ પત્નીને બોગસ સસ્પેન્શન લેટર વોટ્સએપ પર મોકલનાર કોન્સ્ટેબલને હવે પોતે જ ગુનેગાર બનવા સાથે તેના આ કૃત્ય બદલ હકીકતમાં સસ્પેન્ડ થવાનો વારો આવતાં ભારે સળવળાટ મચી ગયો છે.