અંકલેશ્વર: ભરૂચ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાં સંગઠનને લઈ વિવાદ થયો છે. ભરૂચ કોંગ્રેસના 92 આગેવાનોનાં રાજીનામાં પડી શકે છે. પ્રદેશના ઉપપ્રમુખ અને મહામંત્રી રાજીનામાં આપી શકે છે. જિલ્લા અને તાલુકાના આગેવાનો સહિત 92 રાજીનામાં પડી શકે છે. 92 આગેવાનોનાં રાજીનામાંની તૈયારીના પગલે પ્રભારી અને પ્રમુખ હરકતમાં આવ્યા છે.
ભરૂચ કોંગ્રેસના આગેવાનોને આવતીકાલે કોંગ્રેસ ભવન બોલાવવામાં આવ્યા છે. પ્રમુખ અને પ્રભારી નારાજગી નહીં ખાળી શકે તો 92 રાજીનામાં આપવાનું નક્કી છે. ભરૂચમાં ક્ષત્રિય સમાજને મહત્ત્વ આપતાં અન્ય સમાજ નારાજ થયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બદલાવવા માંગ ઊઠી રહી છે. ભરૂચ કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાને ન બદલતાં રાજીનામાં આપવા સુધી વાત પહોંચી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિષ્ફળ છતાં તેમને ન બદલાતાં નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશ માળખામાં નવી નિમણૂકોમાં ભરૂચ જિલ્લામાંથી 4 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 4 પૈકી 3 લોકો ક્ષત્રિય સમાજના હોવાથી અન્ય સમાજ નારાજ છે. રાજેન્દ્રસિંહ રાણા, માનસિંહ ડોડિયા અને સંદીપ માંગરોલાની નિમણૂક કરવામાં આવી છે. ત્રણેય ક્ષત્રિય આગેવાનોને મહામંત્રી બનાવતાં નારાજગી જોવા મળી રહી છે.
ભરૂચમાં OBCની વસતી 17 ટકા છતાં સ્થાન ન અપાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ભરૂચમાં SC-STની વસતી 40 ટકા છતાં મહત્ત્વ ન અપાતાં નારાજગી હોવાનું સામે આવ્યું છે. લઘુમતી સમાજની વસતી 18 ટકા છતાં એક જ વ્યક્તિને સ્થાન મળતાં નારાજગી જોવા મળી છે. ક્ષત્રિય સમાજની વસતી 4 ટકા છતાં 4 વ્યક્તિને સંગઠનમાં સમાવતાં રોષ જોવા મળ્યો છે. પરિમલસિંહ રાણાને હટાવવા કોંગ્રેસનાં બે જૂથ આમનેસામને છે. પરિમલસિંહ રાણાને ભૂતકાળમાં શો કોઝ નોટિસ અપાઈ છતાં કાર્યવાહી ન થયાનો આરોપ છે.