ભરૂચ: (Bharuch) ભરૂચ આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારની પત્નીને 15 વર્ષ જૂના સસ્તા અનાજની દુકાનમાં (Cheap Grain Store) ઉચાપતના ગંભીર કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 5 વર્ષની સજા તેમજ દંડનો હુકમ કર્યો છે. ભરૂચ નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર મનહર પરમારનાં પત્ની ઇન્દુમતીબેન પરમાર સસ્તા અનાજની દુકાનનાં સંચાલિકા છે. શહેરના વસંત મિલની ચાલમાં ઇન્દુમતીબેનની સસ્તા અનાજની દુકાન આવેલી છે. વ્યાજબી ભાવની દુકાન ચલાવતાં મહિલા સંચાલિકા ગરીબો રેશનકાર્ડ ધારકોને આપવાનું થતાં સરકારી ઘઉં, ખાંડ, કેરોસીન, તેલનો જથ્થો અન્યને આપી દેતાં હતાં.
- ભરૂચના પૂર્વ કોર્પોરેટર મનહર પરમારનાં પત્નીને અનાજ કૌભાંડમાં 5 વર્ષની સજા
- સસ્તા અનાજની દુકાનની સંચાલિકાએ ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, તેલનો જથ્થો વગે કર્યો હતો
- ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 15 વર્ષ જૂના કેસમાં દંડ અને સજાનો હુકમ ફરમાવ્યો
વર્ષ-2008માં સરકારી અનાજનો જથ્થો કાર્ડધારકોને નહીં આપી બિન અધિકૃત વ્યક્તિઓને આપવા બદલ બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ દાખલ કરાઈ હતી. રેશનિંગની આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પોતાના અંગત લાભ માટે વગે કરી મોટી રકમની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. સંચાલિકાએ વાજબી ભાવની દુકાનના સ્ટોકના ખોટા દસ્તાવેજો, ખોટાં બિલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. બી ડિવિઝનમાં ગુનો નોંધાતાં જે-તે સમયે તપાસ અધિકારીએ ઇન્દુમતીબેન મનહરભાઈ પરમાર સામે પૂરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નં.8103/2008 નોંધાયો હતો. જે કેસ ચાલી જતાં પુરાવાના આધારે અને ગંભીર પ્રકારના ગુનામાં સરકારી વકીલે દલીલો કરી હતી. સરકારી વકીલ એ.પી.ધાસુરાએ આવા ગુનાથી સમાજ પર ખોટી અસર ઊભી થવાની તેમજ લોકોને સસ્તા અનાજની દુકાન પરથી વિશ્વાસ ઊઠી જાય તેવું કૃત્ય ગણાવ્યું હતું. જેથી આરોપીને વધુમાં વધુ સજા કરવા અને સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલે કોર્ટ સમક્ષ આગ્રહ કર્યો હતો. ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવાએ સંચાલિકા ઇન્દુમતીબેન પરમારને 5 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો. ક્રિમિનલ પ્રોસિઝર કોડની કલમ 248 (2) હેઠળ અલગ અલગ કલમોમાં સજા અને દંડ બુધવારે ફરમાવ્યો હતો. કોર્ટે 240થી વધુ પાનાંનો ચુકાદો આપ્યો હતો.