ભરૂચ: (Bharuch) ભરૂચમાં ગોલ્ડન બ્રિજ (Bridge) નીચે નર્મદા નદીમાં (River) કાર (Car) ફસાઈ ગઈ હતી. ભરતી આવતાં તણાતી કારને સ્થાનિકોએ બહાર કાઢી હતી. પરિવારે ફિલ્મી દૃશ્યોના અનુકરણમાં કાર નદી ઉતારી હતી, પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં પૈડાં ખૂંપી ગયાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી. પરિવારે ફિલ્મી દૃશ્યોના અનુકરણમાં કાર નદી ઉતારી હતી, પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં પૈડાં ખૂંપી ગયાં હતાં. જેના કારણે કાર કીચડમાંથી બહાર કાઢવામાં આવે એ પહેલાં ભરતીની શરૂઆત થઇ હતી. નર્મદામાં ભરતીના પાણી ચઢવાનું શરૂ થઇ જતાં કાર પાણીમાં તણાય તેવો ભય ઊભો થયો હતો. આ ઘટના જોઈ સ્થાનિકો નદી કિનારે દોડી ગયા હતા. કાર સુધી લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં ઘૂંટણસમાં પાણી ભરાઇ જતાં કાર ફસાઇ હતી. આખરે મહામહેનતે સ્થાનિક યુવાનોએ કારને બહાર કાઢી હતી.
ચલથાણથી ડિંડોલી જતા રોડ ઉપર પ્રોટેક્શન વોલના અભાવે કાર નહેરના પાણીમાં ખાબકી
પલસાણા: પલસાણાના ચલથાણ ગામથી ડિંડોલી તરફ જતાં નહેરની સાઇડે સેફ્ટી વોલ ના હોવાથી એક કાર નહેરના પાણીમાં ખાબકી હતી. આ બનાવમાં ગાડીમાં સવાર પુરુષ તેમજ મહિલા સહીસલામત ગાડીમાંથી બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થઈ ન હતી.
પલસાણાના ચલથાણ ગામેથી ડિંડોલી તરફ જતી ડાબા કાંઠાની નહેરની બંને સાઇડ પર માર્ગ-મકાન વિભાગ દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યા છે. જેને લઇ ડિંડોલી તરફ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવવા માટે શહેરના મોટા ભાગના લોકો આ જ રોડનો ઉપયોગ કરે છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા નહેરની સાઇડે સેફ્ટી વોલ ના બનાવાઈ હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. મંગળવારે ડિંડોલી તરફથી આવતી એક ઇનોવા કાર મોહણી ગામની સીમમાં પેટ્રોલ પંપની સામેની બાજુથી પસાર થતી નહેર પરના રોડ પરથી ચલથાણ તરફ આવી રહી હતી. એ સમયે અચાનક બાઇક સામે આવી જતાં બાઇકચાલકને બચાવવા જતાં કાર સીધી નહેરના પાણીમાં ખાબકી હતી. ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ નહેરમાં ઊતરી કારમાંથી એક પુરુષ તેમજ એક મહિલાને સહી સલામત બહાર કાઢ્યાં હતાં. જેને લઇ મોટી જાનહાનિ ટળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેફ્ટી વોલના અભાવે રાત્રિના સમયે પણ વાહનચાલકોને ભયના ઓથા હેઠળ ત્યાંથી પસાર થવું પડે છે. ત્યારે માર્ગ-મકાન વિભાગ દ્વારા નહેરની સાઇડે સેફ્ટી દીવાલ બનાવી દેવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓમાં પણ માંગ ઊઠી છે.