ભરૂચ: (Bharuch) ભરૂચમાં શનિવારે સાંજના સમયે જૂના નેશનલ હાઇવે (National Highway) પર બેકાબુ બનેલી કારે (Car) 7 જેટલા વાહનોને ટકકર મારતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ ટ્રાફિકજામ થઇ ગયો હતો. એબીસી ચોકડીથી નર્મદા મૈયા બ્રિજ (Bridge) સુધીના માર્ગને ભલે ફોર લેન બનાવવામાં આવ્યો હોય પણ રોડની બંને તરફ અસંખ્ય વાહનો પાર્ક કરી દેવામાં આવતાં રસ્તો સાંકડો બની ગયો છે. શનિવારે સાંજના સમયે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડ પર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઇ હતી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
- ભરૂચમાં બેકાબૂ બનેલી કારે એકાએક 7 વાહનોને ટક્કર મારી
- આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી
બેકાબુ બનેલી કારે ૭ જેટલી બાઇકને ટકકર મારી હતી. બનાવના પગલે જૂના નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો અને લોકટોળા ભેગા થઇ ગયાં હતાં. ઘટના બાદ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને કારના ડ્રાયવરની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી. જે સ્થળે અકસ્માતનો બનાવ બન્યો ત્યાં ખાણીપીણીની દુકાનો આવેલી છે અને સેંકડો લોકોની હાજરી હોય છે પણ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
વાવ ગામે હાઈવે ક્રોસ કરીને ઘરવખરીનો સામાન લેવા જતી વૃધ્ધાને ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોત
કામરેજ: વાવ ગામે રહેતી વૃધ્ધા ઘરવખરીનો સામાન લેવા જતાં હાઈવે ક્રોસ કરતા ટ્રકના ચાલકે વૃધ્ધાને અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત નીપજયુ હતું. મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તાપી બેળકી ગામના વતની અને હાલ કામરેજ ના વાવ ગામે જુના ભાલીયાવાડમાં રહી અને ખેતરમાં મજુરી કામ કરતા અર્જુન દિલીપભાઈ નાઈક સાથે તેમની માતા વસુબેન(ઉ.વ.65) પણ ખેતીમાં મજુરી કામ કરતા હતા. ત્રણ દિવસ અગાઉ ખેતરમાં કામ કરીને સાંજના 5.30 કલાકે અર્જુન નીકળ્યો હતો તેની આગળ માતા વસુબેન નીકળીને બજારમાં ઘર વખરી લેવા માટે ગયા હતાં.
વાવ ગામની હદમાં એસ.આર.પી. ગ્રૃપ 11 ના બીજા નંબરના ગેટની સામે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરવા જતાં ટાટાની ટ્રક નંબર જીજે 25 યુ 7259 ના ચાલકે વસુબેનને અડફેટમાં લેતા માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે 108 માં સુરત સ્મીમેર હોસ્પીટલમાં લઈ જતાં સારાવર દરમિયાન રોજ મોત નીપજયુ હતું. જે અંગે કામરેજ પોલીસે ટ્રકના ચાલક સામે અર્જુનની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.