ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામે એક સાથે ૨૫થી વધુ ઉંટ (Camel) મોતને ભેટતા ચકચાર મચી જવા પામી છે. મોટી સંખ્યામાં ઉંટના મોત થતા પશુપાલક પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે પશુપલકોને (Cattle Herders) લાખોનું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી તરફ નિર્દોષ પશુઓએ જીવ ગુમાવ્યો છે. વાગરા તાલુકામાં હજી બે દિવસ પહેલાં જ મુલેરના એક પરિવારના ૬ના મોત થયા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ઉંટોના મોત થવાની ઘટના બની છે.
- વાગરા તાલુકાને લાગેલું ગ્રહણ, મુલેરના ૬ને દરિયો ભરખી ગયા બાદ ૨૫થી વધુ ઉંટના મોત
- GPCB ની ટીમ ભરૂચથી તપાસ માટે રવાના થઈ
- મોટી સંખ્યામાં ઉંટના મોત થતા પશુપાલક પર આભ તૂટી પડ્યું
પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવા ના કારણે આ ઉંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક સાથે ૨૫ જેટલાં ઉંટના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારમાં ચર્ચા છે કે દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાને કારણે આ ઘટના બની છે. હાલ એક સાથે ૨૫થી વધુ ઉંટના મોતનો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્રમાં જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ જીપીસીબી સહિત ના વિભાગોની ટીમ પણ વાગરા જવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.