ભરૂચ(Bharuch): ભરૂચના કેબલ બ્રિજ (Cable Bridge) પર હીટ એન્ડ રનની (Hit And Run) ઘટના બની છે. અહીં રવિવારની રાત્રે ફરવા નીકળેલા મુસ્લિમ પરિવારને અકસ્માત (Accident) નડ્યો છે. પત્નીની નજર સામે પતિની કમર પરથી ટ્રક ફરી વળી હતી જ્યારે પિતાના હાથમાં રહેલો 11 મહિનાનો પુત્ર હવામાં ફંગોળાઈ નીચે રસ્તા પર પટકાયો હતો.
ભરૂચની શાન અને રજાના દિવસે લટાર મારવાનું સ્થળ બનેલા કેબલ બ્રિજ ઉપર પાંચ વર્ષમાં પહેલો હિટ એન્ડ રનનો બનાવ રવિવારે રાત્રે બન્યો હતો. ભરૂચમાં શેરપુરા ચોકડી ખાતે આવેલા અમીના પાર્કમાં રહેતા અને નર્મદા ચોકડી ખાતે આવેલી મીઠાના અગરની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૨૬ વર્ષીય આરીફ મુસાભાઈ રવિવારે પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. તેઓ પોતાની એક્ટિવા લઈ પત્ની રૂબીના અને ૧૧ મહિનાના પુત્ર અયાન સાથે કેબલ બ્રિજની મુલાકાતે લટાર મારવા નીકળ્યા હતા. સાંજે પોણા સાત વાગ્યે તેમણે ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું અને ચાલતા ચાલતા કેબલ બ્રિજ ઉપર ગયા હતા. પરિવાર સાડા સાત વાગે કેબલબ્રિજના રસ્તા પરથી ઘરે પરત ફરવા એક્ટિવા તરફ આગળ વધી રહ્યું હતું. આરીફભાઈના હાથમાં 11 મહિનાનો પુત્ર અયાન હતો. ત્યારે પાછળથી આવતી કાળમુખી ટ્રકે તેમને ટક્કર મારી હતી. હાથમાં રહેલો ૧૧ માસનો પુત્ર ફંગોળાઈ રસ્તા ઉપર પટકાયો હતો અને પત્ની રૂબીનાબેનની નજર સામે જ પળ ભરમાં ટ્રક આરીફભાઈ ઉપર ચઢી પસાર થઈ ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં તેઓ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.
પત્નીએ પોતાના જેઠને ઘટનાથી વાકેફ કરતા તેઓ દોડી આવ્યા હતા. લોકોની ભીડ, વાહનોના ટ્રાફિકજામ વચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સવાન અને પોલીસ દોડી આવી હતી. મૃતદેહ અને ૧૧ માસના ઇજાગ્રસ્ત અયાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સી ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધી ટ્રક ચાલકની ભાળ મેળવવામાં આવી રહી છે.
કેબલ બ્રિજ ઉપર રવિવાર અને રજાઓમાં ઊમટતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો
ભરૂચમાં કેબલ બ્રિજ ઉપર શહેરીજનો રવિવાર અને રજાના દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સર્કિટ હાઉસથી કેબલ બ્રિજ ઉપર ચાલતા જવું અત્યંત જોખમી છે. કારણ કે ફોરલેન બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી ૮૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે વાહનો પસાર થતા હોય છે. કેબલ બ્રિજના ફૂટપાથ ઉપર પોહચતા સુધી વાહનોથી બચી ૧૦૦થી ૧૫૦ મીટરનું અંતર કાપવું એ ઘણું જોખમી છે. ત્યારે કેબલ બ્રિજ ઉપર લટાર મારવા જતા લોકો માટે આ ઘટના ચેતવણીરૂપ છે.