ભરૂચ: (Bharuch) ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે (Highway) ઉપર એસટી બસ (Bus) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં ગુરુવારના રોજ એક પછી એક 2 એસટી બસો તેમજ 7 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બસ ચાલક સહીત બેને ઈજાઓ પહોંચી હતી. આ રોડ પર એક પખવાડિયામાં 12 જેટલી બસોને અકસ્માત નડ્યો છે.
- ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે પર ગડખોલ પાટીયાથી નર્મદા મૈયા બ્રીજ સુધીનો વિસ્તાર અકસ્માત ઝોન
- ભરૂચ નર્મદા બ્રિજ પર અકસ્માતની વણઝારથી ગુરુવારે 3 બનાવમાં 7 વાહનો ટકરાયા
- એક પખવાડીયામાં 12 બસોને અકસ્માત
હાલમાં જ ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો થતા તેને અટકાવવાના પગલા રૂપે ૪૦ કિલોમીટરની સ્પીડ લીમીટ બાંધી છે. જે માટે એસટી વિભાગે મોનીટરીંગ ટીમો બનાવી હતી.પરંતુ જુનો નેશનલ હાઈવે માર્ગ એસટી બસ ચાલકો માટે અકસ્માત ઝોન બન્યો હોય એવી ઘટના બની છે. ફરી ગુરૂવારે સવારના અરસામાં એસટી બસ નંબર-જી.જે.૧૮ ઝેડ.૫૨૮૪ ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે છાપરા પાટિયાની વણાંક પાસેથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.
વરસાદી માહોલ વચ્ચે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ એસટીની વોલ્વો બસના ચાલકે આગળ ચાલતી બસને ટક્કર મારી હતી. માર્ગની વચ્ચેના ડિવાઈડર પરના વીજ પોલ સાથે ભટકાતા બસ માર્ગ ઉપર ક્રોસ થઇ જતા અન્ય એક ઇકો કાર અને બાઈક પણ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસ ચાલક સહીત મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ વાન વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તો આવી જ રીતે ભૂત મામાની ડેરી પાસે સ્વીફ્ટ કાર ચાલકે ઇકો કારને ટક્કર પાછળથી ટક્કર મારી હતી. પાછળ આવતી અન્ય ૩ ગાડીઓ પણ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી ન હતી પરંતુ વાહનોને નુકશાન થવા પામ્યું હતું. જયારે બીજા બનાવમાં વાહન ચાલક વરસાદી માહોલમાં બ્રેક મારવા જતા ગાડી માર્ગની બાજુમાં ખેંચાઈ જઈ ઉતરી પડી હતી.
જો કે તમામ અકસ્માતની ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના એક પખવાડિયાની અંદર જ આ વિસ્તારમાં ૧૨થી વધુ બસોને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતો વરસાદ પડવાના કારણે રોડ ચીકણો બને ત્યારે જ બનતા હોવાનું અનુમાન વર્તાઈ રહ્યું છે.