Dakshin Gujarat

બુલેટ ટ્રેન કોરિડોર માટે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે તૈયાર થઈ રહેલા નર્મદા નદી પરના બ્રિજની આ છે ખાસીયત

ભરૂચ: (Bharuch) હવે તેજ ગતિથી બુલેટ ટ્રેનને (Bullet Train) અદ્યતન રૂપ અપાવા જઈ રહ્યું છે. ભરૂચ થઈને જતી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ (High Speed Rail) કોરિડોર બાંધવામાં પ્રથમ રેલ લાઈન બની રહી છે. સત્તાવાર રીતે બુલેટ ટ્રેન કોરિડોર માટે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સૌથી લાંબા ગણાતા નર્મદા નદી પર બ્રિજની (Bridge) કામગીરી ચાલી રહી છે. જે આગામી એક વર્ષમાં કામગીરી પૂર્ણ થતાં જૂન-૨૦૨૪ની સાલમાં નવો નજારો જોવા મળશે. નર્મદા નદી પરનો ૧.૨ કિ.મી. લાંબા બ્રિજ માટે હાલમાં રેલવે મંત્રાલયે એક ફોટો શેર કર્યો છે.

  • બુલેટ ટ્રેન કોરિડોર: નર્મદા નદી પર બનતા સૌથી લાંબા બ્રિજની તસવીર રેલ કોર્પોરેશને શેર કરી
  • નર્મદા નદી પરનો પુલ જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે

મુંબઈથી અમદાવાદના ૫૦૮ કિ.મી. બુલેટ ટ્રેન લાઈન પરનો સૌથી લાંબો બ્રિજ ભરૂચ નજીક નર્મદા નદી પર ૧.૨ કિ.મી. લાંબો હશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર એવી માહિતી આપી હતી કે, નર્મદા નદી પરનો પુલ જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઇ જશે. રેલવે મંત્રાલયે ફોટો શેર કર્યો છે, જેમાં પુલનું નજીકનું બાંધકામ બતાવવામાં આવ્યું છે. આ ફોટોની વિશેષતા એ છે કે, બંને બાજુએ લીલીછમ જમીન સાથે નયનરમ્ય નર્મદા નદી જોઈ શકો છો. ચિત્ર ડ્રોન પરથી લેવામાં આવ્યું છે. જે ૨૦ બ્રિજમાંથી એક છે. જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવવામાં આવશે. એ સૌથી લાંબો હશે. ત્યારબાદ ૭૨૦ મીટર લાંબો તાપી અને માહી પુલ હશે. રેલ કોર્પોરેશનને એવી આશા છે કે, નર્મદા બ્રિજનું નિર્માણ કાર્ય જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ માટે મુખ્ય કાર્યકારી નિયામક પ્રમોદ શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, નર્મદા નદીના પ્રવાહની અંદર કૂવાઓ બાંધવા માટે પેસેજ સક્ષમ કરવા માટે તેમની વચ્ચે ૬૦ મીટરના અંતર સાથે બે ભાગમાં આઠ મીટરની પહોળાઈ ધરાવતા બે કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નર્મદા નદીમાં દરિયાઈ ભરતીની ભારે અસર પડતી હોય છે. ચોમાસા દરમિયાન વધતા પાણીના સ્તરની અસરનો સામનો કરવા માટે તેમણે ચોક્કસ ઊંચાઈ પર કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે તેઓ આખું વર્ષ કામ કરવા સક્ષમ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં જમીન મેળવવાની મુશ્કેલીઓને કારણે સમગ્ર કોરિડોરની પૂર્ણતાની તારીખ અનિશ્ચિત હોવા છતાં ગુજરાતમાંથી ૩૫૨ કિમીનો સેગમેન્ટ-૨૦૨૭માં સંપૂર્ણ તૈયાર થશે.

Most Popular

To Top