ભરૂચ: (Bharuch) અંકલેશ્વર નગરમાં યુવકે બાજુમાં રહેતી સગીરાને (Minor) લગ્નની (marriage) લાલચ આપી શોષણ કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરતાં ભાંડો ફૂટતાં ભોગ બનેલી સગીરાએ શહેર A-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
- પ્રેમમાં પાગલ સગીરાએ 25 લાખના દાગીના સહિત સર્વસ્વ લુંટાવ્યું, પછી ખબર પડી પ્રેમી પરણેલો છે
- અંકલેશ્વરની ઘટના, દુષ્કર્મ કરનાર ડ્રાઈવરની ધરપકડ
અંકલેશ્વર શહેરમાં રહેતા એક પરિવારને ડ્રાઈવરની જરૂરિયાત હોવાથી પાડોશી હિતેશ કાંતિલાલ વસાવા (ઉં.વ.૩૦) (રહે., મ.નં-૫૫૩, ગુ.હા.બોર્ડ, સુરતી ભાગોળ, અંકલેશ્વર)ને બોલાવ્યો હતો, પરંતુ પરિવારને સપનામાંય ખ્યાલ ન હતો કે, તેમનો આ નિર્ણય તેના માટે મોટી ભૂલભરેલો હશે. આ પાડોશી યુવાને પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. તે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એટલું જ નહીં લગ્નની લાલચ આપી સગીરા પાસે રોકડા રૂપિયા, દાગીના મળી કુલ રૂ.25 લાખ ઉપરાંતની માતબર રકમ પણ પડાવી લીધી હતી.
જો કે, યુવકનાં લગ્નના ફોટા સામે આવતાં સગીરા ડઘાઈ ગઇ હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાધમ હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધાં હતાં. આ ફોટો સગીરાના સામે આવતા જ પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અંતે સગીરાએ હિંમત કરી પોતાના પરિવારને જણાવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. જે અધમ કૃત્ય માટે અંકલેશ્વર A-ડિવિઝન પોલીસમાં નરાધમ આરોપી હિતેશ વસાવા વિરુદ્ધ પોકસો તેમજ બળાત્કાર એકટ હેઠળ રૂ.૨૫ લાખ પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં PI એચ.બી.ગોહિલ સહિત ટીમે તેને પકડવાનાં ચક્રો ગતિમાન કરતાં ગણતરીના કલાકોમાં આરોપી હિતેશ કાંતિલાલ વસાવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.