ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ગુરુવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૭ કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. ભરૂચમાં જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વરમાં ૩ કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયાં હતાં. જ્યાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરી નિહાળી હતી.
- ૯ ફૂટ કે તેથી મોટી પ્રતિમાઓનું ભાડભૂતમાં વિસર્જન કરવા ક્રેઇન મુકાઈ
- નદી કાંઠે પ્રતિમાનું વિસર્જન ન થાય એ માટે બંદોબસ્ત ગોઠવી ચુસ્ત પાલન કરાવાયું
અંકલેશ્વરમાં પાલિકા દ્વારા ૨ કૃત્રિમ કુંડ બનાવાયાં હતાં. જ્યારે નોટિફાઇડ એરિયા DPMC દ્વારા અંકલેશ્વરમાં ૨ અને પાનોલીમાં ૧ કૃત્રિમ જળાશય વિસર્જન માટે તૈયાર કરાયું હતું. બપોર સુધીમાં ભરૂચ અને અંકલેશ્વરનાં ૭ કૃત્રિમ કુંડોમાં શ્રીજીની ૩૨૧૮થી વધુ પ્રતિમાનું નિર્વિઘ્ને વિસર્જન પાર પડાયું હતું.
બીજી તરફ શિવપુત્રી રેવા (નર્મદા નદી)માં વિસર્જનની પરવાનગી નહીં હોવાથી કેટલાય ભક્તોની લાગણી પણ દુભાઈ હતી. શહેરના નીલકંઠેશ્વર, કુકરવાડા, ઝાડેશ્વર, દશાન, ભાડભૂત, કબીરવડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી નદીમાં વિસર્જન નહીંનું ચુસ્ત પાલન કરાવાયું હતું. આમ છતાં કેટલાય ભક્તો અને મંડળોએ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન તવરા, શુકલતીર્થ, અંગારેશ્વર, મંગલેશ્વર, ભાડભૂત સહિત અંકલેશ્વર, ઝઘડિયાના નદી કાંઠા ખાતે કર્યું હતું. ૯ ફૂટ કે તેથી મોટી પ્રતિમાઓનું ભાડભૂતમાં વિસર્જન કરવા ક્રેઇન મુકાઈ હતી.
ભરૂચ જિલ્લામાં નિર્વિઘ્ને વિસર્જન પાર પાડવા ૩૪૬૨ પોલીસ કાફલો, ૨ SRP સહિતનો બંદોબસ્ત દિવસભર તહેનાત રહ્યો હતો. ૩૦ કેમેરાથી વિડીયોગ્રાફી, ૪૦૦ જેટલા બોડી વૉર્મ કેમેરા અને ૫ જેટલા ડ્રોનથી રહેશે શ્રીજીની યાત્રા પર પોલીસની સલામત નજર રહી હતી.
પલસાણામાં નદીમાં વિસર્જનની મનાઈ, છતાં વિસર્જન
પલસાણા: પલસાણાના અંત્રોલી ગામે મામાદેવ તળાવ, જોળવા તળાવ તેમજ ઇટાળવા, ભૂતપોર, ઘલુડા, ગંગાપોર સાથે કણાવ અને અમલસાડીના ઓવારા અને તળાવોમાં ગુરુવારે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને ભાવભીંની વિદાય આપવામાં આવી હતી. ગણેશ ચતુર્થીમાં આ વર્ષે પણ સરકાર દ્વારા મોટી મૂર્તિની સ્થાપના કરવાની મંજૂરી હોવાથી ગણપતિ વિસર્જન દરમિયાન મોટી મૂર્તિનું વિસર્જન દરમિયાન ઓવારા ઉપર ક્રેઇનની વ્યવસ્થા પણ કરાઈ હતી. મીંઢોળા નદી અને ખાડીમાં વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કેટલાક શ્રદ્ધાળુઓએ મીંઢોળા નદીમાં પણ વિસર્જન કર્યુ હતું. સમગ્ર તાલુકાની ૩૦૦થી વધુ પ્રતીમાનું વિસર્જન કરાયું હતું.