ભરૂચ: દેશના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગઈકાલે શુક્રવારે હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીનો (Election) કાર્યક્રમ જાહેર કર્યો ત્યારથી જ ગુજરાતમાં (Gujarat) રાજકીય માહોલ ગરમાયો છે. તેમાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને (CR Patil) દિલ્હીથી તેડું આવતા શાસક ભાજપ પક્ષના દાવેદારો અને કાર્યકરોમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે. દિલ્હીમાં ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે મિટીંગ મળી રહી હોવાની વાત વહેતી થતા જ ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં કોને ટિકીટ આપવામાં આવશે અને કોની ટિકીટ કપાશે તેની ચર્ચા વ્યાપક બની છે ત્યારે દક્ષિણ ગુજરાતના (South Gujarat) ભરૂચમાં (Bharuch) તો ભાજપના ઉમેદવારોની (BJP Candidate For Assembly Election) એક આખી યાદી જ સોશિયલ મીડિયામાં (Social Media) ફરતી થતાં ભાજપમાં દોડધામ મચી ગઈ છે.
અહીંના વાગરા અને જંબુસર બેઠક પર ભાજપના દાવેદારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, તેના લીધે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આખરે આજે અહીંના સાંસદ મનસુખ વસાવાએ જાતે આવી આ યાદી બોગસ હોવાનો ખુલાસો કરવો પડ્યો છે. વસાવાએ કહ્યું કે કોઈ એ ભાજપના લેટરપેડનો ઉપયોગ કરી બોગસ યાદી સોશિયલ મીડિયામાં ફરતી કરી છે. આ તરફ ચૂંટણી પહેલાં ભાજપના ટિકીટના દાવેદારોનું પેપર ફૂટ્યું હોવાની વાત ગાંધીનગર સુધી પહોંચી જતા ભારે હડકંપ મચી ગયો હતો. ભાજપે જાતે જ વાગરા અને જંબુસરના દાવેદારોની ફરતી થયેલી યાદી બોગસ હોવાનો ખુલાસો કરવો પડ્યો છે.
શું છે ફરતી થયેલી દાવેદારોની યાદીમાં?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભરૂચ જિલ્લાની 2 બેઠકો માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતા ભરૂચના રાજકારણમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને બોગસ જણાવી છે. જોકે સોશિયલ મીડિયામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ. પાટીલને સંબોધીને ભરૂચ ભાજપના લેટરપેડ પર લખ્યા બાદ વાયરલ થયેલી સંભવિતોની યાદીમાં જંબુસર બેઠક માટે છત્રસિંહ મોરી, કિરણસિંહ મકવાણા, બળવંતસિંહ પઢિયાર, ડી.કે. સ્વામીના નામ હતા. જ્યારે વાગરા બેઠક માટે અરૂણસિંહ રાણા, ફતેસિંહ ગોહિલ, ધીરજ ગોહિલ, સંજય ચાવડા અને નકુલદેવ રણાના નામ ફરતા થયા છે.
કસૂરવારો સામે કાર્યવાહી કરાશે: સાંસદ મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવાએ આ યાદીને બોગસ ગણાવી છે. વસાવાએ કહ્યું કે, કોઈ ત્રાહિત વ્યક્તિએ ભરૂચ ભાજપના લેટરપેડનો દુરૂઉપયોગ કરી ટેક્નોલોજીની મદદથી આ કૃત્ય કર્યું છે. આવું કામ કરનાર ઉત્સાહી ઉમેદવાર, મહત્ત્વાકાંક્ષી કાર્યકર કે અન્ય કોઈ જે પણ હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.