ભરૂચ: (Bharuch) હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે પાછળથી એક કાર કન્ટેનરમાં (Container) ભટકાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. રાયમાથી અલવા ગામે મધરાતે પરત ફરતા કન્ટેનર ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર વળાંક લેતા પાછળ કાર ઘુસી જતા કૂચડો બોલી ગયો હતો. કન્ટેનર ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો.
- રાયમાથી અલવા ગામે મધરાતે પરત ફરતા કન્ટેનર ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર વળાંક લેતા પાછળ કાર ઘુસી જતા કૂચડો બોલી ગયો
- કન્ટેનર ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન મૂકી ફરાર
- અકસ્માતને પગલે નજીકમાં આવેલ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
હાંસોટ-ઓલપાડ માર્ગ ઉપર અકસ્માતની (Accident) ઘટનામાં વધારો થયો છે ત્યારે ગુરૂવારે મોડી રાતે 2 કલાકે કાર નંબર-જીજે-16-ડીકે-0707નો ચાલક અન્ય મિત્રો સાથે રાયમાથી ઘરે પરત આવી રહ્યાં હતાં. ભાવિક ચતુર પટેલ (રહે.માં રેસિડેન્સી, હાંસોટ રોડ) કાર ચલાવી રહ્યો હતો. જ્યારે મિત્રો વિરલ બળવંત પટેલ અને ભદ્રેશ નટવર પટેલ સાથે હતા. તેઓ સાથે બીજી કારમાં હિતેશ પટેલ અને અન્ય પણ હતા.
હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક આવેલ વાલનેર પાટીયા પાસે આગળ ચાલતા કન્ટેનર નં. એચઆર-63 ડી-5360 ના ચાલકે ઇન્ડિકેટર બતાવ્યા વગર અચાનક ક્રિફોર કંપની તરફ ટર્ન લીધો હતો. પાછળ રહેલા ભાવિક પટેલે બ્રેક મારી કારને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ધડસકાભેર કન્ટેનરમાં ઘુસી જવા સાથે ઉપરની આખી બોડી અંદર ઘુસી ગઈ હતી.
આગળની બન્ને એર બેગના પણ ચીંથરે ચીંથરા ઉડી જવા સાથે ભાવિક અને વિરલના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં પાછળ બેસેલા ભદ્રેશને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતને પગલે નજીકમાં આવેલ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી કારમાં રહેલા મિત્રોએ ઘટનાની જાણ પરિવારજનો અને 108 ને કરી હતી.
હાંસોટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.