ભરૂચ: (Bharuch) કેટલાક ઠેકાણે હજુ માસુમ બાળાને (Child) પીંખી નાખવાનું કેટલાક નરાધમો ચુકતા નથી. રવિવારે એક સામાન્ય ગરીબની નાની બાળાને વડદલા રોડ પર કાંટાળી જગ્યાએ એકાંતનો લાભ લઇ ટામેટાની લારી લઈને આવેલો પરપ્રાંતીય યુવક, પૈસા આપીને ઉઠાવી જઈ, બાળાને પીંખી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ભરૂચના એક શખ્સે તેને જોઈ લેતાં તુરંત જ પરપ્રાંતીય યુવાનને કંટાળી જગ્યાની બહાર બોલાવીને કડકાઈથી શું કરતો હતો એમ પૂછતાં, ગભરાઈને પરપ્રાંતીય યુવકે હિન્દીમાં કહ્યું કે મારી ભૂલ થઇ ગઈ, એવા શબ્દો ઉચ્ચારીને ભાગી છૂટ્યો હતો. અલબત્ત આજુબાજુના લોકોએ તેને પકડી લાવીને મેથીપાક આપી પોલીસને (Police) હવાલે કરી દીધો છે.
- ભરૂચમાં માસૂમ બાળાને હવસખોરની ચુંગાલમાંથી સ્થાનિકોએ બચાવી
- ટામેટાની લારી ચલાવતો પરપ્રાંતિય નરાધમ પાંચ રૂપિયાની લાલચ આપી બાળાને ઝાડી-ઝાંખરામાં લઈ ગયો હતો
- સ્થાનિક યુવકો જોઈ જતાં હવસખોરને પડકાર્યો અને ઠમઠોરી પોલીસને સોંપી દીધો
ભરૂચ જીલ્લાના એક ગામમાં એક શ્રમજીવી પરિવાર સામાન્ય મજુરી કરીને ઝૂપડપટ્ટીમાં રહે છે. રવિવારે સાંજે લગભગ પાંચેક વાગ્યાની આસપાસ એ ગામની ઝૂંપડપટ્ટી પાસે ટામેટાની લારી લઈને કોઈક પરપ્રાંતીય યુવક આવ્યો હતો. એ વેળા શ્રમજીવી પરિવારની નાનકડી બાળાને ટામેટા વેચતા યુવકે એકાંતનો લાભ લઈને રૂ. ૫/- આપીને સુમસામ કાંટાળી ઝાડીમાં રોડ નજીકના ખાડામાં લઈ ગયો હતો. યુવકની મુરાદ માસુમ બાળકીને પીંખી નાંખવાની હતી. જો કે બાળાને યુવક કાંટાળી જગ્યાએ લઇ જતાં ભરૂચના કનકસિંહ રણા સહીત ત્રણ-ચાર જણાં જોઈ જતાં તેઓએ ઉભા રહીને પરપ્રાંતીય યુવાનને પડકાર્યો હતો.
ગભરાયેલો પરપ્રાંતીય યુવક તેના પેન્ટમાં બેલ્ટ બાંધચો બહાર આવ્યો હતો. લોકોએ તેને કડકાઈથી પુછતાં તેણે ડરીને હિન્દીમાં કહ્યું કે “સાહેબ, ગલતી હો ગઈ હૈ”. ઘટના જોઇને અકળાયેલા શખ્સો પરપ્રાંતીય યુવક પર તૂટી પડ્યા હતાં, જો કે નરાધમ યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. અલબત્ત હવસખોર યુવકને ટોળાએ શોધી લાવીને તાબડતોબ નબીપુર પોલીસને જાણ કરી તેની કરતૂતો વિષે પોલીસને માહિતગાર કરતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાડેશ્વર-ભરૂચ સ્ટેશનનો રોડ અજાણ્યા પરપ્રાંતિય ગુનેગારો માટે સેઈફ હેવન જેવો
ઝાડેશ્વરથી ભરૂચ સ્ટેશન સુધીનો રોડ-વિસ્તાર અજાણ્યા પરપ્રાંતિયોના જોખમથી ભરેલો સાબિત થવા લાગ્યો છે. આ વિસ્તારોમાં એવા ફેરિયા, લારીઓવાળા રખડતાં જોવા મળી રહ્યાં છે, જેમની પાસે ઓળખ, આધારના કોઈ જ પૂરાવા હોતાં નથી. એટલું જ નહીં, આવા પરપ્રાંતિય યુવાનો કે શખ્સો કોઈપણ ગુના આચરતાં અચકાતાં નથી હોતાં. હાલમાં જે ઘટના બની હતી, તેમાં જો સ્થાનિકોએ હસ્તક્ષેપ કર્યો ન હોત, તો એક માસૂમ બાળાની જિંદગીને હવસખોર પરપ્રાંતિય યુવાને પિંખી નાંખી હોત. ત્યારે પોલીસ આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ, કોમ્બિંગ કરે અને રખડતાં ફરતાં આવા નરાધમોને નશ્યત કરે તે જરૂરી બન્યું છે.