ભરૂચ: DGVCL વિભાગમાં આવેલી ભરૂચ (Bharuch) સિટી ડિવિઝનમાં 2019-20ની સાલમાં લાઈટ બીલ (Light Bill) ભરણું બાબતે કઠિતપણે ચાર કર્મચારીએ (Employee) ગોબાચારી કર્યો હોવાનો તપાસ બહાર આવ્યું હતું. જે બાબતે DGVCLના સુપ્રિન્ટેન્ડેન્ટે ચાર કમર્ચારીઓને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો હતો. DGVCL વિભાગે વધુ તપાસ હાથ ધરતા ઘણા રહસ્યો બહાર આવે એમ લાગી રહ્યું છે.
- ભરૂચ પાલિકાના ચેક અને ગ્રાહકોના રૂ.60 હજાર DGVCLમાં નહિ ભરીને ચારેય કર્મીઓ પોતાના ખાતામાં જમા કર્યા હતા.
ભરૂચ સિટી DGVCL ડિવિઝનમાં કઠિત ચાર કર્મીએ લાઈટ બીલ ભરણુંમાં ગોબાચારી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર ઘટના અંગે DGVCL સિટી ડિવિઝનમાં ચારેક વર્ષ પહેલા ક્લાર્ક તરીકે સ્નેહલ નવીનચંદ્ર રાણા, અનીલભાઈ ચંપકલાલ વસાવા, અનિલાબેન લીંબચીયા અને પ્રફુલ્લભાઈ પંચોટીયા લાઈટ બીલ ભરતા હતા. તેમના વખતે ભરૂચ નગરપાલિકામાં ગ્રાહકોએ ભરેલા પૈસાનો ચેક અને તમામ ગ્રાહકોનો નંબર આપતા હતા. એ વખતે ગ્રાહકોના અંદાજે ૬૦ હજારથી વધુ પૈસા DGVCLમાં તેઓ નહી ભરીને પોતાના ખાતામાં નાંખી દીધા હતા.જો કે પાલિકાને મોડે મોડે ખબર પડતા લેખિતમાં આ બાબતે સિટી ડિવિઝનને રજૂઆત કરી હતી. સિટી ડિવિઝનના કાર્યપાલકે રજેરજની તપાસ આદરતા ચારેય કર્મચારીના ગોબચારીનો મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ ભરૂચ સર્કલ કચેરીમાં સક્ષમ અધિકારીને આખો રિપોર્ટ મોકલી આપ્યો હતો. જે બાબતે તાજેતરમાં ભરૂચ સુપ્રિન્ટેન્ડેન્ટે ચારેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
ચારેય કર્મચારીઓને ફરજ મોકુફ કર્યા છે: DGVCL સુપ્રિ. પટેલ
જે બાબતે DGVCLના ભરૂચ સર્કલ કચેરીના સુપ્રિન્ટેન્ડેન્ટ જે.એન.પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ચારેય કર્મચારીઓ પૈસા ભરણું બાબતે ગોબાચારી થતા તાત્કાલિક અસરથી તમામને ફરજ મોકુફ કર્યા છે. જો કે હજુ આ બાબતે વધુ તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.