રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી બહેનોએ રક્ષાબંધન તહેવારે મફત મુસાફરીનો લાભ લીધો હતો. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ રવિવારે રક્ષાબંધન તહેવારે સિટીની બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી હતી.
ભરૂચ નગરમાં રવિવારે રક્ષાબંધનના દિવસે બહેનો માટે સવારથી સિટી બસ સેવા દ્વારા મફત મુસાફરીનું પગલું લીધું હતું. આમ તો ભાઈ દ્વારા બહેનને રક્ષાબંધનના દિવસે ગિફ્ટ આપતા હોય છે.
આ વખતે ભરૂચ નગર પાલિકા જાણે ભરૂચની બહેનોને મફત મુસાફરીની ભેટ આપવાનું કાર્ય કર્યું હતું. આ વખતે પહેલી વખત ભરૂચમાં સિટી બસ સેવાથી 7થી 8 હજાર જેટલી બહેનોએ મફત મુસાફરી કરી હતી. મહિલા મુસાફર ઝંખનાબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં ચાલતી સિટી બસના સંચાલકોએ રક્ષાબંધન પર્વે બહેનોને સવારથી કે રાત્રિના 8 વાગ્યા સુધી બસમાં મફત મુસાફરીની ભેટ આપી છે. એ ભરૂચ નગરની બહેનો માટે ખૂબ જ આનંદની વાત છે.
રક્ષાબંધનના દિવસે બહેનોએ બસ સેવાનો લાભ લીધો એ અમારા માટે સંતોષ છે
ભરૂચમાં રક્ષાબંધન નિમિત્તે દરેક બહેનોને રક્ષાબંધનને એક ભેટ આપીને બસમાં મફત મુસાફરી કરાવી હતી, એ અમારા અને મારા દરેક સ્ટાફ માટે આનંદની વાત છે. બહેનો પણ બસમાં બેસીને તેમાં રહેલી સલામતીની સુવિધાઓ જોઈને ખુશ જોવા મળી હતી.
- બ્રિજેશ બારોટ, સિટી બસ, સંચાલક