સુરત: જો તમારામાં આત્મવિશ્વાસ, ધગશ અને પરિશ્રમ કરવાનો ડર ન હોય તો સફળતા અવશ્ય તમારા કદમ ચૂમે છે. તેથી જ શિક્ષા મેળવવા માટેની પણ કોઈ જ ઉંમર નથી તે કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે, એનું તાજું ઉદાહરણ ગોડાદરાની ભારતી સાયકાળે છે. પિતાના અવસાન બાદ આખા પરિવારની આર્થિક જવાબદારી સંભાળતી ભારતીએ ધોરણ 8નો અભ્યાસ છોડીને નાની વયે જ કાપડ બજારમાં કાળી મજૂરી કરી અને તેની ધગશ એટલી હતી કે મજૂરી કરતાં કરતાં જ તે હીરા ધસવાના કામમાં જોડાઈ અને પરિવારની સાથે સાથે તેણીએ પોતાના જીવનનો રુખ પણ બદલી નાંખ્યો. આજે તે પોતાના પિતાના વકીલ બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ધોરણ-10ની પરીક્ષા આપી રહી છે, ત્યારે તેના જજબાને સલામ કરવી પડે.
મૂળ મહારાષ્ટ્રના અમલનેરની ભારતી બાપુ સાયકાળે સુરત શહેરના ગોડદરા વિસ્તારમાં માતા કલ્પના અને ભાઇ અજય સાથે રહે છે. 11 વર્ષ પહેલા એટલે કે વર્ષ-2011માં ભારતીના પિતા બાપુ સાયકાળેનું લીવરનું ઓપરેશન કરાવ્યું હતું. તેઓએ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. આમ, ઓચિંત ઘરના મોભીનું અવસાન થતા ભારતીનું આખું પરિવાર આર્થિક તકલીફમાં મૂકાઈ ગયું હતું. ભારતી અને તેની માતાએ આર્થિત તકલીફો સામે લડાઈ લડવાની શરૂ કરી હતી.
ભારતી કાપડ બજારમાં મજૂરી કામમાં જોડાઈ ગઈ હતી, જ્યારે એની માતા વાસણ અને કચરા-પોતા કરવા લાગ્યા હતી. આમ, આ રીતે ભારતી અને તેની માતાએ બહેન આરતી અને ભાઇ અજયને ભણાવી ગણાવી તેમના મેરેજ કરાવ્યા હતા. એટલું જ ભારતીએ પોતાના કેરિયરના પગઠીયા ચડતા ચડતા મજૂરી કામથી હીરા ઘસવાના કામમાં જોડાઈ હતી. અને તેણીને ફરીથી અભ્યાસ કરવાની તક મળી હતી. હાલ પિતાના વકીલ બનવાના સપનાને પૂર્ણ કરવા ધોરણ-10નો અભ્યાસ કરીને હાલમાં એક્સર્ટનલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહી છે.
લંચમાં જમતા જમતા ઓનલાઇન વીડિયો જોઇ અભ્યાસ કરતી, રાત્રે નોટ્સ બનાવતી
ભારતીએ જણાવ્યું હતું કે મેં પરીક્ષાની તૈયારી સાતેક મહિલા પહેલાથી જ શરૂ કરી હતી. હું લંચમાં જમતા જમતા ઓનલાઇન વીડિયો જોઈને ધોરણ-10નો અભ્યાસ કર્યો છે. ઉપરાંત રાતે જમ્યા પછી ઘરના કામ પૂર્ણ કર્યા બાદ ફરીથી તે ઓનલાઇન વીડિયો જોતી અને રિવિઝન કરતા નોટ્સ બનાવતી હતી. પરીક્ષાના ત્રણ મહિના પહેલા જ મે જોબ પર હાફ ડે કર્યો હતો અને મારી મહેનત વધારી છે.
પરિવારમાં એક વકીલ તો જોઇએ.., તેવું પપ્પા કહેતા હતા!
ભારતીએ અંતે જણાવ્યું હતું કે મારા પપ્પા વારંવાર બોલતા હતા કે પરિવારમાં એક વકિલ તો હોવું જ જોઇએ…, જેથી મારા પપ્પાને સ્વપ્નને પૂર્ણ કરવા માટે ફરી ભણવાનો નિર્ણય કર્યો છે. કઈ પણ થાય મારે મારા પપ્પાને સ્વપ્નને પૂર્ણ કરવું જ છે. તેના માટે હું ખૂબ જ મહેનત કરીશ.