Columns

ભારતીય દૂતાવાસ કાબુલમાં ફરી શરૂ, શું ભારતે તાલિબાનશાસિત અફઘાનિસ્તાનને માન્યતા આપી છે?

હમણાં જ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો તેની સાથોસાથ એક બીજી પ્રમાણમાં ઓછી ચર્ચાયેલી ઘટના પણ બની. એ છે ભારતે પોતાના દૂતાવાસને કાબુલમાં ફરી શરૂ કર્યો છે. આમ તો એને માત્ર ટેકનિકલ માણસો માટેની શરૂઆત ગણવામાં આવે છે, પણ શરૂઆત એ શરૂઆત છે. પ્રશ્ન એ થાય છે કે શું ભારત દ્વારા તાલિબાનશાસિત અફઘાનિસ્તાન સાથે સંબંધો નવેસરથી સ્થાપિત કરવાની દિશામાં આ પગલું ગણી શકાય? શું ભારતે તાલિબાનશાસિત અફઘાનિસ્તાનને માન્યતા આપી છે? તાલિબાને ભારતને જે પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા તેને ફરીથી શરૂ કરવા, દૂતાવાસ કાર્યરત કરતાં અને અફઘાનિસ્તાનના જવાનોને ઈન્ડિયન મિલેટરી એકેડેમી દ્વારા અપાતી તાલીમ ફરી શરૂ કરવા કહ્યું છે.

અફઘાનિસ્તાન પર ચર્ચાઓ થઈ રહી છે. જેને બેક ડોર ડિપ્લોમેટિક ચેનલ કહેવાય એના માધ્યમથી પણ સંવાદ ચાલુ રાખવાનો પ્રયાસ બંને દેશોએ કર્યો છે. હમણાં જ ભારતનું એક પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાન ગયું હતું. જેમાં ઇન્ડિયન ફોરેન સર્વિસની એક મહિલા પણ હતી. આમ શક્ય તે બધી જ ચેનલના માધ્યમ થકી બંને દેશો પોતાના સંબંધો સ્થાપિત કરી, એને સામાન્ય બનાવવા તરફ કાર્યરત છે ત્યારે આવી રહેલો આ બદલાવ કેવો છે અને એના શું પરિણામ આવી શકે તેમજ એની કેટલીક જટિલતાઓ શું છે તે મુદ્દે ચર્ચાઓ ભારતમાં પણ શરૂ થઈ છે.

અફઘાનિસ્તાનમાં સ્થપાઈ રહેલ પ્રોજેક્ટમાં ભારતનું મોટું રોકાણ જોતાં આ ચર્ચાઓનો ઉકેલ લાવવો અને ખોરવાઈ પડેલા પ્રોજેક્ટ પુનઃ ચાલુ કરવા એ બંને દેશોના હિતમાં છે અને એટલે જ આ ચર્ચાઓ ફળદાયી બને તેવી શક્યતાઓ ઘણી વધારે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી મિત્ર નથી કે કાયમી દુશ્મન નથી. દરેક દેશની વિદેશનીતિ પોતાના હિતોને કેન્દ્રસ્થાને મૂકીને ચાલે છે. જીઓફિઝિકલ અને જીઓપોલિટિકલ બંને રીતે અફઘાનિસ્તાન અતિ બળુકું છે અને ભારતનો પાડોશી દેશ હોવાને કારણે એનાથી અલિપ્ત રહીને ભારતની વિદેશનીતિ ચાલી શકે નહીં.

અફઘાનિસ્તાન સાથે ભારતે 2 કારણસર બહુ જ સમજદારીપૂર્વકના સંબંધો રાખવા પડશે. એક તો અફઘાનિસ્તાનમાં જે તાલિબાનના તાલીમબદ્ધ લશ્કરી સભ્યો છે તેનો ISIS કે અન્ય આતંકી સંસ્થા ઉપયોગ કરીને એમને PoK તરફ ધકેલે તો ભારત માટે એક મોટો માથાનો દુખાવો થાય તેમ છે. ઉપરાંત ચીન પણ અફઘાનિસ્તાનમાં તાંબુ, લિથિયમથી માંડી રેર અર્થ સુધીની કિંમતી અને અણુઊર્જા ઉત્પન્ન કરવા અથવા સ્ટોરેજ બેટરી માટે જરૂરી એવી ધાતુ ઉપર પોતાનો સુવાંગ અધિકાર જમાવે તે ભારતના હિતમાં નથી.

બીજો મુદ્દો ભારતે અબજો રૂપિયાનું રોકાણ અફઘાનિસ્તાનમાં આંતરમાળખાકીય સવલતો જેવી કે બંધ, રોડ, હાઈડ્રો વીજ જનરેશન વિગેરે માટે કર્યું છે. તે કામો પૂરાં ન થાય તો ભારતીય કોન્ટ્રાક્ટરોને મોટી ખોટ પડશે અને સરવાળે કરેલું બધું પાણીમાં જશે એટલે પણ અફઘાનિસ્તાન સાથેના સંબંધો અત્યંત મુત્સદી વલણ રાખીને પથ્થર નીચે ફસાયેલી આંગળીની માફક કળથી પોતાના હિત જાળવી અફઘાનિસ્તાન સાથેના સંબંધો વધુ નિકટના બને તે માટે પ્રયત્નશીલ રહેવું એ ભારતીય વિદેશનીતિનો ભાગ હોઈ શકે. અત્યાર સુધી ભારતે કાબુલ સાથેના સંબંધો સાવ કાપી નહોતા નાખ્યા, પણ લો – પ્રોફાઈલ રીતે ડિપ્લોમસી કે અન્ય ચેનલો થકી આ વાટાઘાટો ચાલુ રાખી હતી. અફઘાનિસ્તાનમાં જે પ્રકારના બદલાવ આવ્યા હતા એનો તાગ મેળવવા માટે ભારતનું લો – પ્રોફાઇલ રહેવું યોગ્ય હતું. એવું લાગે છે કે ભારતે અફઘાનિસ્તાન સાથેના એના સંબંધોની નીતિ ધીમે પણ ચોક્કસ રીતે બદલી છે.

આમ ભારતનું વલણ ધીરે ધીરે સ્પષ્ટ થતું ગયું છે અને લાગે છે કે ભારતનું રાષ્ટ્રીય હિત જોઈને અફઘાનિસ્તાન સાથેના આગળના સંબંધો વિકસાવવામાં આવશે. આ નીતિ એ આમ જોઇએ તો ભારત જે વૈશ્વિક મહાસત્તા બનવા માગે છે એ તરફ જવાનો એક મહત્ત્વનો પ્રયાસ હશે એમાં કોઈ શંકા નથી. અફઘાનિસ્તાનમાં આજની તારીખે તાલિબાનની સરકાર છે અને એ હકીકતના સ્વીકાર વગર ભારતની વિદેશનીતિ ચાલી શકે નહીં. આજે 10 મહિના બાદ ભારતીય દૂતાવાસ એક નાનકડી શરૂઆત કરે છે. હજુ પૂર્ણ કક્ષાનું ભારતીય દૂતાવાસ કાબુલમાં કાર્યરત થતાં કેટલી વાર થશે તે જોવાનું રહ્યું.
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top