નવી દિલ્હી: (Delhi) સરકારનો દાવો છે કે દેશમાં ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિન (Vaccine) ડોઝ ઉપલબ્ધ થશે. ડિસેમ્બર સુધીમાં લગભગ દેશના તમામ લોકોને વેક્સિન આપી દેવામાં આવશે. આ દરમિયાન દેશના લોકોની પાસે 8 રસીનો વિકલ્પ હશે. જોકે અત્યારે માત્ર કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક-Vની રસી જ દેશમાં ઉપલબ્ધ છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતમાં કોવેક્સિનની સપ્લાય કરવી લાંબા સમય સુધી સંભવ નથી. કેન્દ્ર સરકારે કોવિશીલ્ડની નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) અને કોવેક્સિન (Covaxin) બનાવનારી ભારત બાયોટેક પાસે વેક્સિનના પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે ખરીદી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા પ્રમાણે 21 જૂનથી દરેક રાજ્યોને ફ્રી માં રસી આપવામાં આવશે. દેશમાં ટૂંક સમયમાં ફ્રી રસીકરણની નીતિ લાગૂ થવા જઈ રહી છે તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 21 જૂન પહેલા કેન્દ્ર સરકાર કંપનીઓ પાસે રસીની કિંમતને લઈને બીજીવાર ભાવતાલ કરાવી શકે છે. દરમ્યાન સરકાર રાજ્યોની જરુરિયાત પ્રમાણે તેઓને રસીનો ડોઝ આપશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે જેથી રસીનો બગાડ ન થાય.
જણાવી દઈએ કે અત્યાર સુધી રાજ્યોને કોવેક્સિન માટે 400 રૂપિયા પ્રતિ ડોઝની ચુકવણી કરવી પડી હતી. જ્યારે કોવિશીલ્ડ માટે એક ડોઝની કિંમત 300 રૂપિયા હતી. પરંતુ હવે કેન્દ્રએ દેશભરના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી છે. ત્યારે હવે વેક્સિન ખરીદવા બાબતે સરકાર શું નિતી નક્કી કરે છે તે જોવું રહ્યું. જોકે લાંબા સમય સુધી 150 રુપિયામાં વેક્સિન આપવા બાબતે ભારત બાયોટેકે હાથ ઉંચા કરી દીધા છે.
જણાવી દઈએ કે અત્યારે દેશમાં મોટા પાયે બે વેક્સિન જ ઉપયોગમાં લેવાઈ રહી છે. એમાં કોવેક્સિન દેશમાં બની છે, એને ભારત બાયોટેકે બનાવી છે, જ્યારે બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન કોવિશીલ્ડને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે. રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ભારતમાં ડો. રેડ્ડીઝ લેબ બનાવી રહી છે. જોકે આ વેક્સિન અત્યારે માત્ર કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ મળી રહી છે. એ ટૂંક સમયમાં જ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોવાની વાત થઈ રહી છે. DCGIના નિર્ણયથી ફાઈઝર અને મોડર્ના જેવી વેક્સિન દેશમાં આવવાનો માર્ગ સરળ બન્યો છે.