આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે સંસારની મોહમાયા ત્યજીને 24 યુવાનોએ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં વડતાલના 5, ગઢડાના 7, ધોલેરાના 2 તથા જુનાગઢના 10 મળી કુલ 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મંગળવારે ચૈત્ર સુદ એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. આ પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો સહિત પાર્ષદોના પૂર્વાશ્રમના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભ દાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિતોને કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા મુજબ કાર્તિકી અને ચૈત્રી એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય મહારાજ દ્વારા પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે. જે અંતર્ગત મંગવારે ચૈત્રી એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા વડતાલના 5, ગઢડાના 7, ધોલેરાના 2 તથા જુનાગઢના 10 મળી કુલ 24 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે દીક્ષાર્થીઓને યજ્ઞોપવિત, કંઠી, માળા પહેરાવી કાનમાં મંત્ર આપ્યો હતો.
એકાદશીના શુભદિને શણગાર અને આરતી બાદ સૌ દિક્ષાર્થી પાર્ષદોને ગોપાળાનંદ સ્વામીના આસને પોતાના ગુરૂ સાથે પૂજાવિધિમાં બેસાડી પુરોહિત ધીરેન મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. આચાર્ય મહારાજે દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ સૌ સંતો સાથે મંદિરમાં લક્ષ્મીનારાયણદેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોના દર્શન કરી દિક્ષાર્થી સંતો આચાર્ય મહારાજ સાથે સભામંડપમાં પધારતા હજારો હરિભક્તોએ દિક્ષાર્થી સંતોનું તાળીઓના અભિવાદન સાથે સ્વાગત કર્યું હતું. આ સમગ્ર વ્યવસ્થાનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યું હતું.
દિક્ષાર્થી સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા શીખ
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સૌ દિક્ષાર્થી સંતોને ગુરૂની આજ્ઞામાં રહેવા, તેમજ શિક્ષાપત્રીની આજ્ઞા અનુસાર નિયમમાં રહેવાની શીખ આપી હતી. સૌ સંતોએ ધાર્મિક શાસ્ત્રનો અભ્યાસ કરી વડતાલ સંપ્રદાયનો વિકાસ કરવા જણાવ્યું હતું. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજ સુધીમાં કુલ 792 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. જેમાં વડતાલના 401, ગઢડાના 51, ધોલેરાના 8 તથા જુનાગઢના 442 પાર્ષદોનો સમાવેશ થાય છે.