વલસાડ શહેરને અડીને આવેલું ભાગડાવડા ગામ શહેરનું પૂરક કે સમોવડું કહી શકાય. ભાગડાવડા ગામ એટલે વલસાડમાં ભળેલું ગામ. મુખ્યત્વે કોળી પટેલ અને દેસાઇઓનું આ ગામ કહી શકાય. જો કે, ભાગડાવડા ગામ શહેરમાં એટલું જોડાયેલું છે કે વલસાડ શહેરની મહત્ત્વના એવા પોશ વિસ્તાર ભાગડાવડા ગામમાં આવી ગયા છે. 12,291ની વસતીવાળા ગામમાં હવે મૂળ ગામના કોળી પટેલ અને દેસાઇઓ સિવાય તમામ પ્રકારની વસતી છે. અહીં મુસ્લિમોની કોલોની વિકસિત હોય તેમની પણ ખાસ્સી વસતી છે. આ સિવાય આહીર સમાજ પણ અહીંના મૂળ રહેવાસી છે.
જો કે, ગામનું શહેરીકરણ થતાં અહીં શહેરના અનેક લોકો સ્થળાંતર થઇને રહેવા આવી ગયા છે. શહેરના લોકો ભલે છેલ્લાં 25 વર્ષમાં ગામમાંથી સ્થળાંતર થયા છે, પરંતુ વલસાડની જાણીતી કોમર્સ, સાયન્સ, આર્ટસ અને લો કોલેજ તેમજ આખું કોલેજ સંકુલ શરૂઆતથી જ ભાગડાવડા ગામમાં છે. અહીં નવી આવેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અને વર્ષો જૂની પોલિટેક્નિક કોલેજ પણ ધમધમી રહી છે. ત્યારે આ ગામને વલસાડનું શિક્ષણનું કેન્દ્ર પણ કહી શકાય છે. વલસાડ સાથે આ ગામ એટલું જોડાયેલું છે કે, શહેરની મધ્યના કેટલાક આઇલેન્ડ વિસ્તારો પણ ભાગડાવડા ગામમાં છે, જેમાં ગોયા તળાવ વિસ્તાર કહી શકાય. આ વલસાડ શહેરના જાણીતા મોલ, જાણીતા ફૂડ જોઇન્ટ કે મોટી એવી સરદાર હાઇટ્સ કોલોની પણ ભાગડાવડા ગામમાં આવેલી છે.
તિથલ રોડની અનેક કોલોની કે જાણીતાં એપાર્ટમેન્ટ ભાગડાવડા ગામની હદમાં છે. જેના કારણે વલસાડ શહેરના રાજકારણીઓ જેમાં પાલિકાના સભ્યો પણ ભાગડાવડા ગામમાં જ રહે છે. વલસાડના ધારાસભ્ય પણ હાલ આ જ ગામમાં રહે છે. શહેરના અનેક જાણીતા ડોક્ટરો, વકીલો તેમજ પત્રકારો પણ ભાગડાવડા ગામમાં જ રહે છે. જેને લઇ ગામનું મહત્ત્વ જ અનેરું બની જાય છે. આ ગામ છેલ્લાં 30 વર્ષમાં ખૂબ વિકાસ પામ્પ્યું છે. ત્યારે આ ગામ છે કે શહેર એ કહેવું મુશ્કેલ બની જાય છે. વલસાડનું ભાગડાવડા ગામ સૌથી સમૃદ્ધ ગામ કહી શકાય છે, પરંતુ અહીં વેરાની વસૂલાત ખૂબ ઓછી છે.
ભલે અહીં મોટા મોટા બંગલા બની ગયા હોય, પરંતુ લોકોમાં વેરાની ચૂકવણી માટે એટલી જાગૃતતા જોવા મળતી નથી. ભાગડાવડા ગામનો મહત્તમ વિસ્તાર નલ સે જલની યોજનામાં આવરી લેવાયો છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણીની ગટર પણ છે. જો કે, હજુ સુધી ગામમાં ડ્રેનેજની સુવિધા શરૂ થઇ શકી નથી. પણ ગામ ધીમે ધીમે સીસી ટીવી કેમેરા જેવી સુવિધાઓથી સજ્જ થઇ રહ્યું છે. જેનાથી ગામમાં જ નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં થતા ગુનાઓ પર રોક લાગી શકે. વલસાડ શહેરને અડીને આવેલું આ ગામ એક નવું વલસાડ તરીકે ઉભરી રહ્યું છે.
ગામના સરપંચ અને સભ્યોની યાદી
સરપંચ – ધર્મેશકુમાર બાબુભાઇ પટેલ
ઉપસરપંચ – બકુલભાઇ પ્રભુલાલ રાજગોર
તલાટી કમ મંત્રી- મનીષભાઇ બાબુભાઇ પટેલ
સભ્યો
નિમિષાબેન મહેશભાઇ પટેલ
યોગેશ ડાહ્યાભાઇ પટેલ
બકુલાબેન બાભુભાઇ મેહતર
ફરહિનબાનુ મોઇન શેખ
નઇમાબીબી ઇસ્માઇલ શેખ
મોહસીનઅલી રોશઅલી સૈયદ
કવિતાબેન હેમંતકુમાર પટેલ
રમીલાબેન રમણભાઇ રાઠોડ
નિધીબેન નિનાદભાઇ ભટ્ટ
ચૈતાલીબેન નિલેશકુમાર રાજપૂત
રાજેન્દ્રકુમાર રણજીતરાય દેસાઇ
પીયૂષભાઇ કાંતિલાલ પટેલ
રવિનાબેન વિકાસ રાઠોડ
જિજ્ઞેશકુમાર ઠાકોરભાઇ પટેલ
શશિકાંત ભરતભાઇ નાયકા
ગામની વસતીને પાણી પૂરું પાડવા પાણીની 7 ટાંકી
ભાગડાવડા ગામમાં 90 ટકા ઘરોમાં નળથી પાણી આવી રહ્યું છે. જેના માટે અહીં નાની-મોટી એવી પાણીની 7 ટાંકી આવેલી છે. આ ટાંકીઓ થકી ગામનાં અનેક ઘરોમાં, મોટી મોટી કોલોનીમાં પાણી પહોંચાડાય છે. અહીંનાં મોટાં એપાર્ટમેન્ટમાં ગામ ભોંયતળિયાના સમ્પમાં પાણી પહોંચાડી રહ્યું છે. જો કે, હજુ પણ અનેક એપાર્ટમેન્ટ્સ ભૂગર્ભ જળ પર આધાર રાખે છે. તેઓ બોરિંગથી પાણી ખેંચી પોતે પાણી માટે પંચાયત પર આધાર રાખતા નથી.
સમૃદ્ધ ગામમાં 140 પરિવાર બીપીએલ
ભાગડાવડા ગામમાં અનેક ધનાઢ્ય લોકોના બંગલાઓ છે, અનેક મોટા મોટા હાઇફાઇ એપાર્ટમેન્ટ્સ છે, મોલ છે, શોપિંગ કોમ્પ્લેક્સ છે, પરંતુ હજુ પણ ગામમાં 140 પરિવાર બીપીએલ (બિલો પોવર્ટી લાઇન) અંતર્ગત આવે છે. જેમની સુવિધા માટે ગામમાં સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે. તેમજ એક સરકારી પ્રાથમિક શાળા પણ છે. ગામની અંદાજિત 12 હજારની વસતી પૈકી 3 હજાર જેટલી વસતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિની છે. હજુ પણ ગામમાં 10 ટકા જેટલા લોકો નિરક્ષર છે. ગામનો સાક્ષરતા દર 90 ટકા જેટલો જ છે.
ગામમાં ડ્રેનેજ લાઇનનો અભાવ
ભાગડાવડા ગામ શહેરને અડીને આવ્યું છે, પરંતુ હજુ તે ગામ જ હોય, અહીં ડ્રેનેજ લાઇનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે, આગામી મોટા પ્રોજેક્ટમાં અહીં ડ્રેનેજ લાઇન નાંખવાનું કાર્ય હાથ ધરાશે એવું સરપંચ ધર્મેશ પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગામનાં આગામી પ્રાથમિક કાર્યોમાં ડ્રેનેજ લાઇન નાંખવાનું છે. જેનું કનેક્શન ભાગડાવડામાં બનનારા વલસાડ પાલિકાના એસટીપી પ્લાન્ટમાં અપાશે. જેના થકી ગામમાં વધુ એક શહેર જેવી સુવિધા મળી શકશે. ગામમાં તેના ભાગરૂપે અનેક સ્થળોએ ડ્રેનેજ લાઇન નંખાઇ પણ ગઇ છે, પરંતુ હજુ સુધી તેને કાર્યરત કરાઇ નથી. એસટીપી(સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનશે પછી તેની સાથે જોડાણ થયા બાદ એપાર્ટમેન્ટ તેમજ ઘરને તેનું કનેક્શન આપવામાં આવશે.
ગામમાં 12 CCTV કેમેરાની બાજનજર
વલસાડ શહેરને અડીને આવેલા આ ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગામની સુરક્ષા માટે અહીં 12 જેટલા હાઇડેન્સીટી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે રાત-દિવસ ગામની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. જેના થકી ગામ સુરક્ષિત બન્યું છે. ગામના જૂના વિસ્તારમાં ચોરીનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ પાલિહીલ જેવા નવા વિકસેલા વિસ્તારમાં અનેક વખત ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે આ સીસીટીવી કેમેરા તેના પર નજર રાખવા માટે ખૂબ કારગત નિવડી રહ્યા છે.
ગામમાં મુસ્લિમોની મોટી વસતી, છતાં ભાજપ સમર્પિત સભ્ય-સરપંચની પેનલ
ભાગડાવડા ગામ શહેરને અડીને આવ્યું છે. અહીં મુસ્લિમોની મોટી વસતી છે. છતાં અહીં કોંગ્રેસ સમર્પિત સભ્યોનું નામોનિશાન નથી. અહીંના સરપંચ અને સભ્યોની ચૂંટણી પણ ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી જ હોય છે. હાલના સરપંચ ધર્મેશ પટેલ 4 ટર્મથી ઊભા રહે છે અને સતત વિજેતા રહે છે. વલસાડનું સૌથી મોટું ગામ હોય તેઓ સૌથી વધુ મતે જીતતા રહ્યા છે. આ વર્ષે પણ તેમની પેનલના 90 ટકા સભ્ય વિજેતા બન્યા છે. તેમની વિરુદ્ધ પેનલ પણ ભાજપ સમર્પિત જ હતી. અહીં કોંગ્રેસનું નામોનિશાન નથી. અહીંના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય પણ ભાજપના જ છે. ત્યારે આખું ગામ ભાજપમય હોવાનું કહી શકાય એમ છે.
ગામનાં 18 બાળક કુપોષિત છે
ભાગડાવડા ગામ ભલે શહેરને અડીને આવ્યું છે, પરંતુ હજુ પણ અહીંના કેટલાક વિસ્તારનાં બાળકો કુપોષણનો શિકાર બનતા જોવા મળી રહ્યાં છે. ગ્રામ પંચાયતના સરવે મુજબ આંગણવાડીમાં કુલ 217 બાળકની નોંધણી થઇ છે. આ પૈકીનાં 18 બાળક કુપોષિત છે. આ કુપોષિત બાળકોની સંભાળ માટે આંગણવાડી કાર્યરત છે. તેમના દ્વારા આ બાળકોને યોગ્ય પોષણ મળે એ માટેના પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. તેમ છતાં અહીં કુપોષિત બાળકો સતત જોવા મળતા રહે છે.
ગામમાં હજુ પણ 5 હજાર જેટલા ખેડૂત છે
ગામની વસતીના અડધા ભાગના લોકો ખેડૂત છે, જેમાં 500 સીમાંત ખેડૂતો કે જેમની ખેતી 1 હેક્ટરથી ઓછી છે. 4500 નાના ખેડૂતો જેમની ખેતી 1થી 2 હેક્ટર જેટલી છે. 25 મધ્યમ ખેડૂતો કે જેમની ખેતી 2થી 10 હેક્ટર જેટલી છે અને 20 મોટા ખેડૂતો છે કે જેમની ખેતી 10 હેક્ટર કરતાં પણ વધુ છે. ગામમાં હજુ પણ 10 હેક્ટર જેટલી જમીન ખેડાણ અને વાવેતરલાયક છે. જ્યારે સિંચાઇ હેઠળની 516 હેક્ટર જમીન છે. ગામનું ભલે શહેરીકરણ થયું, પરંતુ ગામના અનેક ખૂણાઓમાં હજુ પણ ખેતીની જમીન છે. ગામમાં આંબાવાડી પણ છે. તેમજ અનેક ઘરની બહાર પણ આંબો જોવા મળે છે. આ સિવાય અહીં ડાંગર તેમજ કેટલાક ખેડૂત કાંદાની પણ ખેતી કરે છે.
ગામમાં 4 મંદિર અને 2 મસ્જિદ
ભાગડાવડા ગામમાં વલસાડનું વર્ષોપુરાણું રામજી મંદિર આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો હમણા જીર્ણોદ્ધાર થયો અને અયોધ્યાની પ્રતિકૃતિસમાન મંદિર અહીં બની રહ્યું છે. આ સિવાય ગામના દાદિયા ફળિયાનું અંબામાતા મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે. આ સિવાય ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર અને સ્વામિનારાયણ મંદિર પણ છે. ગામના ગ્રીન પાર્ક વિસ્તારમાં મુસ્લિમોની સારી એવી વસતી છે. ત્યારે તેમના દ્વારા અહીં બે મસ્જિદ પણ બનાવાઇ છે. ત્યારે ગામમાં મહત્ત્વના મંદિર સાથે બે મોટી મસ્જિદ તેમજ મદ્રેસા પણ ધમધમી રહ્યાં છે. જો કે, ગામમાં કોમી એખલાસનું વાતાવરણ હંમેશાં જળવાયેલું રહ્યું છે.
દાદિયા ફળિયાનું તળાવ ગામની શોભા વધારી રહ્યું છે
ભાગડાવડા ગામમાં 6 જેટલાં તળાવ છે. જેમાં દાદિયા ફળિયા તળાવ, ગોયા તળાવ, પાલિહીલનું તળાવ, નવું તળાવ, ખાંજણ ફળિયા તળાવ અને હીમભાઇ તળાવ. જો કે, આ તળાવો પૈકી દાદિયા ફલિયા તળાવની ફ્રન્ટ પંચાયત દ્વારા ડેવલપ કરવામાં આવી છે. અહીં પેડલ બોટ તેમજ હલેસાવાળી બોટ વિનામૂલ્લે વિહાર માટે મૂકવામાં આવી છે. ચોમાસા દરમિયાન તળાવ જ્યારે ફુલ થાય ફળિયાના લોકો તેની મજા માણતા દેખાય છે. આ તળાવ પર સાંજ થતાં અનેક યુવાનોથી લઇ વૃદ્ધો બેસવા આવતા હોય છે. કોલેજ નજીક હોય, તળાવની પાળે અનેક કોલેજિયનો પણ અહીં આવતા હોય છે. ત્યારે આ તળાવ ગામની શોભાવૃદ્ધિ કરી રહ્યું છે.
ગામમાં 10 કોલેજ ધમધમી રહી છે
વલસાડ શહેરની કોલેજો વર્ષોથી એક જ સંકુલમાં આવી છે. આ સિવાય નવી બનેલી કોલેજ પણ આ સંકુલની બાજુમાં જ શરૂ થઇ છે. ત્યારે નવી અને જૂની મળી કુલ 10 કોલેજ ભાગડાવડા ગામમાં વર્ષોથી કાર્યરત છે. જેમાં શાહ એન.એચ.કોમર્સ કોલેજ, બી.કે.એમ. સાયન્સ કોલેજ, જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ, લો કોલેજ, બીસીએ, બીબીએ, એમકોમ, ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેક્નિક કોલેજ વગેરે કોલેજો આ જ ગામમાં છે. ત્યારે આ ગામ ઉચ્ચ શિક્ષણ માટે જિલ્લાનું હબ વર્ષોથી છે. પહેલા આખા જિલ્લામાંથી આ ગામની કોલેજમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા હતા. જો કે, હવે જિલ્લામાં અન્ય તાલુકાઓમાં કોલેજ બની જતાં આ કોલેજમાં વલસાડ શહેરી વિસ્તારના જ મહત્તમ વિદ્યાર્થીઓ આવે છે. હજુ પણ લો કોલેજમાં જિલ્લાભરમાંથી તેમજ ડિગ્રી એન્જિનિયરિંગ અને પોલિટેક્નિક કોલેજમાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે.
પાલિહીલ અને આદર્શ સોસાયટી શહેરીજનો માટે રહેઠાણ બની
વલસાડનો પાલિહીલ વિસ્તાર તેમજ કોલેજ પાસેની આદર્શ સોસાયટી તેમજ સરદાર હાઇટના એપાર્ટમેન્ટ્સમાં મહત્તમ લોકો વલસાડ શહેરથી શિફ્ટ થયા છે. વલસાડના પાલિહિલ વિસ્તારમાં નગરપાલિકાના 4 નગરસભ્ય અહીં રહે છે. શહેરના મહત્તમ ડોક્ટરો પણ ભાગડાવડાની હદમાં આવેલા પાલિહીલ અને આદર્શ સોસાયટીમાં રહે છે. શહેરના 5 પત્રકાર પણ આ જ ગામમાં રહે છે. જો કે, તમામ અગ્રણીઓ મૂળ શહેરી વિસ્તારના હતા. જેઓ છેલ્લાં 30 વર્ષમાં વિકસેલા ભાગડાવડા ગામમાં સ્થળાંતર કરી રહેવા આવ્યા છે. શહેરનો એક મોટો ધનાઢ્ય વર્ગ ભાગડાવડાની હદમાં આવેલા બંગલાઓ અથવા મોટા એપાર્ટમેન્ટ્સમાં રહેવા જતા રહ્યા છે. ત્યારે વલસાડ શહેર ભાગડાવડા ગામના રહીશો જ ચલાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
શહેરની મહત્તમ જાણીતી રેસ્ટોરન્ટ અને મોલ ભાગડાવડામાં છે
વલસાડ શહેરમાં પોશ વિસ્તાર ગણાતા તિથલ રોડ પર એન્કર હાઇટ્સ બિલ્ડિંગ ભાગડાવડાની હદમાં આવે છે. ત્યારે આ એપાર્ટમેન્ટની તમામ રેસ્ટોરન્ટ તેમજ ત્યાંથી લઇ વાંકી નદીના બ્રિજ સુધીની પાલિહીલ રોડની તમામ હોટેલો, દુકાનો અને મોટો મોલ પણ ભાગડાવડા ગામની હદમાં જ છે. વલસાડનો એમ સ્ક્વેર મોલ તિથલ રોડની નહીં, પરંતુ ભાગડાવડાની શાન બની રહ્યો છે. ત્યારે આ ગામને જિલ્લાનું સૌથી સમૃદ્ધ ગામ કહી શકાય.
નજીકના ભવિષ્યમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પણ બનાવાશે
વલસાડના ભાગડાવડા ગામે એક મેદાન છે. ત્યાં ક્રિકેટનું પેવેલિયન સાથેનું ગ્રાઉન્ડ તૈયાર કરવાની નેમ સરપંચ ધર્મેશ પટેલ અને ઉપસરપંચ બકુલ જોષી રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અહીં મેદાન છે. આજુબાજુની તેની ખાલી જગ્યામાં યોગ્ય પેવેલિયન બનાવી અહીં સુવ્યવસ્થિત રીતે ગ્રાઉન્ડ તૈયાર કરાશે. તેમજ તેની પિચ પણ તૈયાર કરાશે. જેના થકી ગામના જ નહીં, પરંતુ શહેર તેમજ જિલ્લાભરના ક્રિકેટરસિકો તેનો લાભ લઇ શકશે.
ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે પંચાયત સક્રિય
ભાગડાવડા ગામમાં વરસાદી પાણીનો કેટલાંક સ્થળોએ વર્ષોથી ભરાવો થતો હતો. જેને લઇ લોકોને મોટું નુકસાન થતું હતું. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે ભાગડાવડા ગ્રામ પંચાયત હાલ સક્રિય બની છે. તેમના દ્વારા ગોયા તળાવ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે મોટાં મોટાં ભૂંગળાં નાંખી વરસાદી ગટર બનાવાઇ છે. આ સિવાય ગામના અન્ય વિસ્તારમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા થઇ રહી છે. જો કે, મહત્તમ વિસ્તારમાં આ સુવિધા થઇ જતાં આગામી ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાવાની સમસ્યા ન રહે એવી આશા સેવાઇ રહી છે.
ભાગડાવડા ગામનું ગૌધામ 184 ગાયનું આશ્રયસ્થાન બન્યું
વલસાડના ભાગડાવડા ગામના સરપંચ ધર્મેશ પટેલ અને ઉપ સરપંચ બકુલ રાજગોર જોષીના પ્રયાસો થકી ગામની એક ખાલી જમીનમાં ગૌધામ શરૂ કરાયું છે. તેમના દ્વારા અહીં ભાગડાવડા ગામની જ નહીં, વલસાડ શહેરમાં પણ રખડતા ગૌવંશને પકડી રાખવાનું ઉમદા કાર્ય થઇ રહ્યું છે. આજે અહીં 184 ગૌવંશની સેવા થઇ રહી છે અને તેમને પૂરતો ખોરાક અને રહેઠાણ પૂરું પડાઇ રહ્યું છે. તેમનું આ કાર્ય વલસાડ શહેર માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહ્યું છે. તેમના આ કાર્ય થકી તિથલ રોડ પર ગૌવંશનો જમાવડો નહીંવત થયો છે અને માર્ગના અકસ્માતો પણ આ ગૌધામના કારણે અટક્યા છે.
સરદાર હાઇટ પાછળ મોટો ગાર્ડન બનાવવાનો પણ પ્રયાસ
વલસાડની સરકાર નિર્મિત સરદાર હાઇટ્સ સોસાયટી પાછળ મોટી ખાલી જગ્યા પડી છે. ભાગડાવડા ગામની હદની આ મોટી ખાલી જગ્યા સરકાર પાસેથી મેળવી ત્યાં મોટો ગાર્ડન અને પાર્ક બનાવવાનો પ્રાયાસ થઇ રહ્યો છે. આ સંદર્ભે ઉપસરપંચ બકુલ જોષીએ જણાવ્યું કે, આ જમીન ગ્રામ પંચાયતને ફાળવાય તો અહીં મોટો પાર્ક બનાવી શકાય એમ છે. જેમાં વડીલોથી લઇ બાળકો માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરાશે. જેમ કે, ચિલ્ડ્રન પાર્ક, ઓપન જીમ, સીટિંગ એરિયા, રનિંગ ટ્રેક. અહીં પાર્ક બને તો તેનો મોટો લાભ વલસાડ શહેરની જનતાને પણ થઇ શકશે.
ભાગડાવડા ગામમાં થોડો દરિયો અને નદીનો તટ પણ છે
વલસાડ તિથલ બીચનો કેટલોક ભાગ ભાગડાવડા ગામની હદમાં આવે છે. વલસાડ તિથલ બીચ પર સ્મશાનભૂમિથી લઇ સ્વામિનારાયણ કેન્ટીન સુધીનો દરિયા કિનારો ભાગડાવડા ગામની હદમાં છે. જ્યારે ઔરંગા નદીનો કેટલોક ભાગ પણ ભાગડાવડા ગ્રામ પંચાયત અંતર્ગત આવે છે. ભવિષ્યમાં ઔરંગા નદીના કિનારે પાળા બનાવવાનું તેમજ રિવર ફ્રન્ટ બનાવવાનું પણ આયોજન ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાઇ રહ્યું છે. જો કે, આ મોટો પ્રોજેક્ટ હોય, તેમાં સમય નીકળી જાય એવું લાગી રહ્યું છે.