અમેરિકા ખંડ શોધાયો છે ત્યારથી વિશ્વના બધા જ દેશોના લોકો ત્યાં જવા ઈચ્છે છે. એ દેશ શોધાયો ત્યારબાદ લગભગ ૨૦૦-૩૦૦ વર્ષ પછી ત્યાં જઈને વસેલા લોકોને એવું લાગ્યું કે, હવે જો વધુ ને વધુ લોકો આ પ્રમાણે જ કોઈ પણ જાતના રોકટોક વગર અહીં ધસી આવશે તો આ નવા શોધાયેલા તક અને છતના દેશમાં જે સમૃદ્ધિ અને સંપત્તિ છે એમાં તો એ લોકો ભાગ પડાવશે જ પણ સાથે સાથે ગુનેગારો, રોગીષ્ટો, વેશ્યાઓ, ભીખારીઓ આવા લોકો પણ અહીં આવીને વસશે.
આથી સૌપ્રથમ એમણે એવું ઠરાવ્યું કે, જેમણે અમેરિકામાં પ્રવેશવું હોય એમની પાસે ઓછામાં ઓછા ૧૫ ડોલર હોવા જ જોઈએ. અમેરિકા આવતા બધા જ વહાણોના કપ્તાનોને સૂચના આપવામાં આવી કે, ઇંગ્લેન્ડ અને યુરોપથી અમેરિકા આવતા એમના વહાણમાં જે કોઈ પણ પ્રવાસી ચડે એણે એની પાસે પંદર ડોલર છે એ કપ્તાનને દેખાડી આપવું. આ કારણસર લોકોએ છેતરપિંડી આદરવાનું શરૂ કર્યું. પાંચ-પંદર મિત્રો કે સગાસંબંધી ભેગા થાય. દરેક જણ પોતાની આગળ જે એક-બે ડોલર હોય એ એક જણને આપે. એ વ્યક્તિ એ પંદર ડોલર લઈને વહાણમાં ચડે. કપ્તાનને એ દેખાડે. પછી વહાણની અંદર જાય. ત્યારબાદ એ પંદર ડોલરની પોટકી વહાણના તૂતક ઉપરથી નીચે કિનારા ઉપર ફેંકે. એ લઈને એમના મિત્રો એ દેખાડીને વહાણમાં પ્રવેશે. આમ એક જ પંદર ડોલર વારંવાર વહાણના કપ્તાનને દેખાડીને લોકો અમેરિકા જતા વહાણમાં પ્રવેશ મેળવતા.
સેંકડો વર્ષ પહેલા આ જે છેતરપિંડી શરૂ થઈ છે એ હજુ પણ ચાલુ છે. ઈમિગ્રન્ટ વિઝાના અરજદારોએ એવું દેખાડી આપવાનું રહે છે કે તેઓ અમેરિકાને માથે નહીં પડે. જે લોકો નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની અરજી કરે છે એમણે પણ અમેરિકા જવા-આવવાના ત્યાં રહેવા-ખાવાના અને પરચુરણ ખર્ચા કરવા માટે એમની આગળ પૂરતા પૈસા છે એ દેખાડવાનું રહે છે. આ દેખાડી આપવા માટે નોન-ઈમિગ્રન્ટ વિઝાના અરજદારો બનાવટી બેન્ક સ્ટેટમેન્ટ તેમ જ બનાવટી ઈન્કમટેક્સ રીટર્ન રજૂ કરે છે. અનેક એમના સગાવહાલા યા મિત્રો પાસેથી થોડા દિવસ માટે બે-પાંચ-દસ લાખ રૂપિયા ઊછીના લે છે. પોતાના બેન્ક એકાઉન્ટમાં એ જમા કરાવે છે અને પછી વિઝાના ઈન્ટરવ્યુમાં એમની આગળ એટલા પૈસા છે એવું દેખાડીને વિઝા મેળવે છે અને વિઝા મળી ગયા બાદ એ પૈસા જેમની આગળથી લીધા હોય એમને પાછા આપી દે છે.
અમેરિકામાં ભણવા જતા વિદ્યાર્થીઓ એમનો બધો ખર્ચો એમના મા-બાપ આપશે એવું જણાવે છે અને વિઝા મેળવે છે. ત્યારબાદ એમના માબાપો એમને ખર્ચાના પૈસા નથી મોકલતા. એમના અમેરિકામાં રહેતા સગાવહાલા કે આવું કામ કરનારા એજન્ટો એમને અમેરિકામાં ખર્ચાના ડોલર આપે છે અને ઈન્ડિયામાં એ રોકડા રૂપિયામાં મેળવી લે છે. આમ હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર થાય છે. અનેક વિદ્યાર્થીઓ અમેરિકાની બેન્કોમાંથી સ્ટુડન્ટ લોન મેળવે છે. અનેકો ત્યાં એમના સગાવહાલાની જોડે રહે છે, એમનું ઘરકામ કરે છે, સ્ટોર ચલાવે છે, મોટેલમાં કામ કરે છે, ગેસ સ્ટેશનમાં કામગીરી બજાવે છે. આમ અમેરિકા જવા માટે ત્યાંના ખર્ચા દેખાડવા માટે પરદેશીઓ જાતજાતની અને ભાતભાતની છેતરપિંડીઓ આચરે છે.
છેલ્લાં થોડા સમયથી એક બીજા પ્રકારની છેતરપિંડી પરદેશીઓ આચરતા થયા છે. અમેરિકન સિટિઝનો એમના માબાપ માટે ઈમિજ્યે રીલેટીવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. એ પિટિશનો કોઈ પણ પ્રકારના વાર્ષિક કોટાના બંધનોથી સીમિત નથી હોતા. આથી પિટિશન પ્રોસેસ થઈને એપ્રુવ થાય કે તુરંત જ એની હેઠળ ગ્રીનકાર્ડ મળી શકે છે. જો માતાપિતા અમેરિકામાં વિઝા લઈને કાયદેસર ના રહેતા હોય તો એમના માટે એમના અમેરિકન સિટિઝન સંતાનો જો ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે તો ત્યારપછી એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રુવ થાય અને એ માતાપિતા પોતાનું નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ એડજસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવે, ગ્રીનકાર્ડ મેળવે ત્યાં સુધી અમેરિકામાં રહી શકે છે. મોટાભાગે સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરનારનો ઈન્ટરવ્યુ લેવામાં નથી આવતો.
આ પ્રકારની કાયદામાં છૂટ હોવાને લીધે અનેક માતાપિતા જેમના સંતાનો અમેરિકન સિટિઝન બની ચૂક્યા હોય છે તેઓ બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે અને ત્યારબાદ એમના સંતાનો એમના માટે ઈમિજ્યે રિલેટીવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરે છે. એ પ્રોસેસ થઈને એપ્રુવ થાય ત્યાંસુધી એ માતાપિતા એમના સંતાનો જોડે અમેરિકામાં રહે છે, કામ કરે છે અને પિટિશન એપ્રુવ થાય એટલે એમનું નોન-ઈમિગ્રન્ટ બી-૧/બી-૨ સ્ટેટસ એડજસ્ટ કરીને ઈમિગ્રન્ટ સ્ટેટસ મેળવવાની અરજી કરે છે એ મંજૂર થતા તેઓ ગ્રીનકાર્ડ મેળવે છે અને અમેરિકામાં કાયમ રહે છે. આમ કરતા તેઓ સ્વદેશમાં જે ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ઈન્ટરવ્યુ આપવાની જરૂરિયાત રહે એ ટાળે છે. આટલું જ નહીં પણ એમના લાભ માટે જે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરવામાં આવે એને પ્રોસેસ થઈને એપ્રુવ થતા એકાદ વર્ષનો જે સમય લાગે એટલો સમય પણ તેઓ એમના સંતાનોથી દૂર ન રહેતા એમની જોડે જ અમેરિકામાં ગાળે છે અને કામ કરે છે. સ્વદેશમાં જો ઈન્ટરવ્યુ આપવા જવું પડે તો ઘણી બધી મુશ્કેલીઓ આવે, ઘણી બધી ચીજો કદાચ તેઓ દર્શાવી ન શકે આ કારણસર તેઓ આવી ચાલબાજી કરે છે.
બી-૧/બી-૨ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ એમના લાભ માટે ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરાવવાની પહેલેથી ઈચ્છા ધરાવનારા માબાપો ‘પૂર્વનિયોજીત ઈરાદોઓ’નો ગુનો કરે છે. ઈન્ટરવ્યુ આપવાનું ટાળીને ચાલાકી કરે છે, છેતરપિંડી કરે છે.
આવી ચાલાકી, આવી છેતરપિંડી ખૂબ જ વધી જતી હવેથી સ્ટેટસ એડજસ્ટ કરવાની આ માતાપિતાઓ જે અરજી કરે છે એમને અમેરિકામાં પણ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. પછી આ તમારો પૂર્વનિયોજીત ઈરાદો હતો એવું જણાવીને એમને સ્વદેશ પાછા જઈ ત્યાં ઈન્ટરવ્યુ આપીને ઈમિગ્રન્ટ વિઝા મેળવવાનું જણાવવામાં આવે છે. તેઓ જ્યારે સ્વદેશ પાછા જાય છે અને ઈન્ટરવ્યુ આપવા જાય છે ત્યારે તમે પૂર્વનિયોજીત ઈરાદાઓ સાથે અમેરિકા ગયા હતા એટલે ખોટું કર્યું હતું, ગુનો કર્યો હતો એવું જણાવીને એમને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં નથી આવતા.
અમેરિકન સિટિઝન સંતાનો તમે તમારા માબાપને તમારી પાસે કાયમ માટે અમેરિકામાં રહેવા બોલાવવા ઈચ્છતા હોવ તો તેઓ જ્યારે સ્વદેશમાં હોય ત્યારે એમના લાભ માટે પિટિશન દાખલ કરો અને એમને સ્વદેશમાં જ ઈન્ટરવ્યુ આપી ઈમિગ્રન્ટ વિઝા મેળવી અમેરિકામાં આવવા દો. જો તમે એમને બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકામાં બોલાવી પછી એમના લાભ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરશો તો કદાચ એમની સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી નામંજૂર થશે. એટલું જ નહીં પણ ખોટું કરવા માટે એમને ઉત્તેજન આપવા માટે એમને ખોટું કરવામાં સહાય કરવા માટે કદાચ હવેથી તમારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. તમે અમેરિકન સિટિઝન ભલે બન્યા હોવ પણ જો છેતરપિંડીમાં, ખોટું કરવામાં, તમે તમારા માબાપને પણ સહાય કરશો તો ગુનેગાર ગણાશો અને એ ગુનો પુરવાર થતા તમારી અમેરિકન સિટિઝનશીપ પાછી ખેંચી લેવાની સત્તા અમેરિકાનું ઈમિગ્રેશન ખાતું ધરાવે છે. આ વાત યાદ રાખજો.