વર્ષ ૨૦૨૦ની શરૂઆતથી કોરોનાવાયરસના વૈશ્વિક રોગચાળાની શરૂઆત થઇ અને તેણે વિશ્વભરના દેશોના અર્થતંત્રની જેમ ભારતના અર્થતંત્રને પણ સખત ફટકાઓ માર્યા. રોગચાળાની પ્રત્યક્ષ અસરને લીધે અને તેનાથી વધુ તો રોગચાળાને કાબૂમાં રાખવા લેવાયેલા નિયંત્રક પગલાઓને કારણે દેશના અર્થતંત્રને વ્યાપક નુકસાન થયું, જે અર્થતંત્ર રોગચાળાની શરૂઆતના પહેલાથી જ મંદીની અસર હેઠળ તો આવી જ ગયું હતું. લૉકડાઉન ઉઠાવી લેવાયું, ધીમે ધીમે અન્ય નિયંત્રણો પણ હળવા કરાયા તેના પછી અર્થતંત્ર કંઇક વેગ પકડવા માંડ્યું, અર્થતંત્રમાં વિકાસને વેગ આપવા માટે સરકારની સાથે રિઝર્વ બેન્ક પણ કાર્યરત હતી અને તેમના પ્રયાસોની કંઇક અસર પણ દેખાઇ રહી હતી ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધની કટોકટી આવી પડી. આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવો ખૂબ વધવા માંડ્યા તેના કારણે દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવોને અસર થઇ રહી છે.
શરૂઆતમાં કેટલાયે સપ્તાહ સુધી તો દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવો કૃત્રિમ રીતે દબાવી રાખવામાં આવ્યા પરંતુ ચૂંટણી પછી તેમાં વધારાઓ શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક સમયમાં આ બંને ઇંધણોના ભાવ નોંધપાત્ર વધી ગયા છે. ગેસના ભાવ પણ વધ્યા છે, અન્ય ચીજવસ્તુઓના ભાવો પર પણ અસર દેખાવા માંડી છે અને હવે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો એક મોટી સમસ્યા બની રહેવાના એંધાણ વર્તાઇ રહ્યા છે તેવા સમયે રિઝર્વ બેન્ક સમક્ષ ફુગાવાને અંકુશમાં રાખવાની સાથે રોગચાળાની અસરમાંથી બેઠા થઇ રહેલા અર્થતંત્રને વેગ આપવાનો પડકાર આવી પડ્યો છે.રિઝર્વ બેન્ક આમ પણ અર્થતંત્રમાં રિકવરીની બાબતને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાયે સમયથી તેની નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષાઓ વખતે તેના મહત્વના દરો જેવા કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વગેરેમાં ફેરફાર કરતી ન હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ આ શુક્રવારે પણ તેના આ વ્યાજના દરો યથાવત રાખ્યા હતા અને આ સતત ૧૧મી વખત તેણે પોતાના આ મહત્વના દરોમાં કોઇ ફેરફાર કર્યો નથી. ફુગાવો વધી રહ્યો હોવા છતાં અર્થતંત્રના વિકાસને ટેકો આપવા માટે તેણે વ્યાજદરો યથાવત રાખ્યા છે.આરબીઆઇની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટિએ બેન્ચમાર્ક રિપરચેઝ અથવા રેપો રેટ ૪ ટકા પર યથાવત રાખ્યો છે આરબીઆઇને પેનલે ફુગાવા પર ધ્યાન રાખવાની સાથે વિકાસલક્ષી અભિગમ રાખ્યો છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ફુગાવા પછી વિકાસ’ની નીતિ રાખવામાં આવી હતી અને હવે તે ઉલટાવવામાં આવ્યું છે.
અગાઉ રિઝર્વ બેન્ક ફુગાવાને અંકુશમાં રાખવા પર વધુ ધ્યાન આપતી હતી તેના બદલે હવે આ વખતે નીતિ સમીક્ષામાં ફુગાવાને અવગણીને પણ વિકાસલક્ષી અભિગમ પર ભાર આપવામાં આવ્યો છે. હવે યુક્રેન રશિયા યુદ્ધના સંજોગોમાં ફુગાવો ઘણી ઝડપથી વધવાનો અંદાજ છે ત્યારે પણ દરો યથાવત રાખવામાં આવ્યા છે. પહેલી એપ્રિલ શરૂ થયેલા નવા નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ પ.૭ ટકા રાખવામાં આવ્યો છે, જેનો ફેબ્રુઆરીમાં અંદાજ ૪.પ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે આરબીઆઇએ આર્થિક વિકાસનો અંદાજ પણ ઘટાડ્યો છે અને તે ૭.૨ ટકા કરવામાં આવ્યો છે જેની સામે અગાઉનો અંદાજ ૭.૮ ટકા હતો. ફુગાવા અને વિકાસ વચ્ચે સમતુલા જાળવવાના સંદર્ભમાં આરબીઆઇએ એમ પણ જણાવ્યું હતું કે તે ફુગાવાને નાથવાની બાબત વિકાસને નુકસાન નહીં કરે તેનું ધ્યાન રાખશે.
હાલમાં જ શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ફુગાવો આખા વર્ષ દરમ્યાન પ્રવર્તતો રહે તેવી શક્યતાનો આરબીઆઇને ખ્યાલ છે જ. જ્યારે ભૂરાજકીય તનાવોના વાદળો કિંમતોની પરિસ્થિતિ પર ઘેરાયેલા છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો દર વધારીને પ.૭ ટકા કર્યો છે જેની અગાઉની આગાહી ૪.પ ટકાની હતી. જો કે એવી અપેક્ષા રખાય છે કે રવિ પાકમાં વિક્રમી લણણી થવાથી અનાજ અને કઠોળના ભાવ ઘટશે. પરંતુ આમ છતાં વર્ષ દરમ્યાન ફુગાવાની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી જવાની શક્યતા દેખાતી નથી. ચાલી રહેલ રશિયા-યુક્રેન યુદ્ધના સંજોગોમાં આરબીઆઇના ગવર્નરે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલ અને સાથો સાથે ખાદ્ય તેલોના ભાવો પણ ઉંચા રહેશે. આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના અંત ભાગેથી વધેલા ભૂરાજકીય તનાવને કારણે સ્થિતિ બદલાઇ છે અને વર્ષ માટે ફુગાવાના વાદળો નોંધપાત્ર રીતે ઘેરાયા છે.
ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો ફુગાવો વધવાનું જોખમ સીધી અને આડકતરી બંને રીતે વધારશે એમ રિઝર્વ બેન્કે કહ્યું હતું. આ પરિબળોને ધ્યાનમાં લઇને આરબીઆઇએ સમગ્ર નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ પ.૭ ટકા રાખ્યો છે, જ્યારે પ્રથમ ક્વાર્ટર માટે તેનો અંદાજ ૬.૩ ટકા, બીજા માટે પ.૮ ટકા, ત્રીજા માટે પ.૪ ટકા અને ચોથા માટે પ.૧ ટકા રહ્યો છે. આમ સમગ્ર નાણાકીય વર્ષ માટે ફુગાવો ઉંચો રહેવાનો આરબીઆઇનો અંદાજ છે ત્યારે હાલ તો તેણે ફુગાવાને બદલે વિકાસને વધુ મહત્વ આપ્યું છે અને આ સમગ્ર વર્ષ દરમ્યાન ફુગાવા એટલે કે મોંધવારી અને વિકાસ વચ્ચે સમતુલા જાળવવામાં આરબીઆઇની આકરી કસોટી થશે એમ લાગે છે.