Charchapatra

બેસ્ટ વુમન ઓફ ગુજરાત

રાંદેર વિસ્તારમાં રહેતાં બકુલાબેન પટેલ જયારે ૫૦ વર્ષનાં હતાં ત્યારે તેમના પતિનું મૃત્યુ થયું અને તેઓ સાવ એકલાં પડી ગયાં. તેઓ તેમની દીકરી પાસે રહેવા ચાલ્યાં ગયાં. તેઓ સ્વિમિંગ, સ્કેટિંગ અને યોગ થોડું થોડું શીખેલાં હતાં. બધી નિરાશાને ખંખેરીને તેમણે તેમની દીકરીનાં બાળકોને આ બધું શીખવાડવા માંડયું. ૫૮ વર્ષની ઉંમરે તેઓ જીવનમાં વધુ સક્રિય થયાં. તેમણે ભરત નાટયમ્‌ શીખ્યું. ૧૨મી ઓકટોબર, ૨૦૧૯ ના દિવસે ૭૫ વર્ષની ઉંમરે તેમણે આરંગેત્રમ કર્યું. સૌથી મોટી ઉંમરે આરંગેત્રમ કરનાર બકુલાબેન ભારતની પહેલી મહિલા છે. આ માટે તેમણે લિમ્કા બુક ઓફ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું. મોટી ઉંમરે તેમણે વિચાર્યું કે એવી ગેઇમ રમવી છે કે જેમાં જમીન પર પગ મૂકવાની જરૂર નહિ પડે. લોકોની ટીકા વચ્ચે સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને સ્વિમિંગ શરૂ કર્યું. ત્યાર બાદ એથ્લેટિકસની પણ પ્રેકિટસ કરી. હાલમાં બકુલાબેન પાસે સ્વિમિંગ, ડાન્સીંગ, એથ્લેટિકસ, તથા યોગા વગેરેના ૪૦૫ મેડલ્સ છે. સ્પોર્ટસની વિવિધ દિશામાં પ્રવૃત્ત રહેવાને કારણે તેમણે ‘બેસ્ટ વુમન ઓફ ગુજરાત’ નો એવોર્ડ આપવામાં આવ્યો. ૭૮ વર્ષની ઉંમરે પણ તેઓ હજુ સ્પોર્ટસમાં સક્રિય જ છે! આમ બકુલાબેન એક પ્રેરણાદાયી મહિલા છે!
સુરત-ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતીઓની પ્રિય ‘ઘારી’
દેશમાં માત્ર એક તહેવાર એવો હશે,જે સુરતીઓ ઉજવે છે તે છે ‘ચાંદની પડવો’.તે દિવસે સુરતીઓ ઘરના ધાબા પર કે ખુલ્લા મેદાનમાં રાત્રે ઘારી અને ભૂસું ખાઈ ઉજાણી કરે છે.પહેલાંના સમયમાં વાહનો ખૂબ ઓછાં હતાં ત્યારે રાત્રે ડુમસની ખાસ બસ ઉપડતી.સુરતીઓ પરિવાર સાથે ડુમસના દરિયાકિનારે જઇ આખી રાત ચાંદની પડવાની ઉજવણી કરી શરદ ઋતુની મજા માણતાં હતાં.હજુ પણ સુરતીઓનાં ઘરોમાં બહેનો જાતે ઘારી બનાવે છે.વિવિધ સમાજનાં મંડળો દ્વારા મોટા પ્રમાણમાં ઘારી બનાવી ઓછા નફે વેચવામાં આવે છે.આમ તો સુરતીઓ વર્ષમાં ચાંદની પડવાના દિવસે જ ઘારી આરોગે છે.લગ્ન પ્રસંગમાં હજુ સુધી ઘારીનું જમણ થયું હોય તે ધ્યાને નથી.સુરતી ખત્રી જ્ઞાતિમાં અશુભ પ્રસંગે તેરમાના દિવસે ઘારી અને દૂધપાકનું જમણ કરવામાં આવે છે.એટલે વડીલોના કહેવા મુજબ શુભ પ્રસંગમાં ભોજનમાં ઘારીનું જમણ રાખતા નથી.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top