Madhya Gujarat

પેટલાદ સિવિલમાં મહિલાના પેટમાંથી બેનીંગ ટ્યુમરની ગાંઠ કઢાઇ

આણંદ: પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત 50 વર્ષીય મહિલાના અંડાશયમાંથી 3.31 કિલોગ્રામની બેનીંગ ટ્યુમરની ગાંઠ કાઢીને સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ગાંઠનું વજન 3.31 કિલોગ્રામ હતી. દર્દીને અંડાશયની ગાંઠની સાથે ડાયાબિટીસ, ઉંચુ બ્લડ પ્રેશર, લીલો થાઇરોઇડ જેવી બીમારીઓ પણ હોવાથી તેને નિયંત્રણમાં લઈને ગાયનેક વિભાગના ડૉક્ટરોએ તમામ રીપોર્ટને ધ્યાનમાં રાખીને ગાંઠનુ સફળ ઓપરેશન કર્યું હતું.

પેટલાદના રહેવાસી 50 વર્ષીય ગુલશનબીબી લતીફબેગ મિર્ઝાને બે મહિનાથી પેઢુના ભાગે દુખાવો થતો હતો. આથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જોકે ત્યાં તેમને સંતોષકારક સારવાર ન મળતા તેઓ પેટલાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં ગાયનેક વિભાગના ડોક્ટરએ તેમની તપાસ કરતા અંડાશયમાં મોટી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. આ ગાંઠ દર્દીના અંડાશયથી શરૂ કરીને નાભીના ભાગ સુધી પ્રસરેલી હતી.આથી આ ગાંઠ કેન્સરની છે કે નહી તે જાણવા માટે પેપ્સમીયર અને કોલપોસ્કોપી રીપોર્ટ કરતા દર્દીની ગાંઠ કેન્સરની નહીં પરંતુ “સીરીયસ સીસ્ટ એડેનોમા ઓફ ઓવરી (સૌમ્ય ગાંઠ) છે તેમ જાણવા મળ્યું હતુ.

આથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત અંડાશયમાંથી 3.31 કિલોગ્રામની બેનીંગ ટ્યુમરની ગાંઠ કાઢીને સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ગાંઠ 5 થી 15 ટકા સ્ત્રીઓમાં જોવા મળે છે તેમજ 5થી 10 ટકા કેસમા જો સમયસર સારવાર કરવામા ન આવે તો કેન્સર જેવુ ગંભીરરૂપ પણ ધારણ કરી શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત વિનામુલ્યે સારવાર મળતા દર્દીએ સંતોષ તથા આનંદની લાગણી અનુભવી હતી. પેટલાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. નિમિત્ત કુબાવત, ગાયનેક વિભાગ તથા એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાંત તબીબોની કામગીરીને બિરદાવીને હોસ્પિટલ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હોવાનું વધુમાં જણાવાયું છે. નોંધનીય છે કે, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડૉક્ટરો ખુબ સારી આરોગ્ય સેવાઓ આપી રહ્યાં છે.

Most Popular

To Top