કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ગઇકાલે શુક્રવારે બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારને (Sukant Majumdar) મળવા માટે સોલ્ટ લેકની એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા. સુકાંત મજુમદાર સંદેશખાલી મુદ્દે ભાજપના વિરોધ પ્રદર્શનની આગેવાની કરતી વખતે ઘાયલ (Wounded) થયા હતા. ત્યાર બાદ પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષને શુક્રવારે સવારે ICUમાંથી ડેકેર બિલ્ડિંગના રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ સૌરવ ગાંગુલીની માતાને પણ કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમને મળવા આવેલા સૌરવ સુકાંત મજમુદારને પણ મળ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથેની તેમની મુલાકાત બાદ બંગાળના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ ગાંગુલીને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. પરંતુ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ આવી અટકળોનો અંત આવ્યો હતો. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ફરી એકવાર અટકળો શરૂ થઇ છે.
અગાઉ બુધવારે સંદેશખાલીમાં પ્રવર્તમાન પરિસ્થિતિ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી વખતે સુરક્ષા દળો અને ભાજપના સમર્થકો વચ્ચેની અથડામણ દરમિયાન સુકાંત મજમુદાર ઘાયલ થઇને બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ બાલુરઘાટના બીજેપી સાંસદ સુકાંતને બસીરહાટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમને બે દિવસ સુધી ICUમાં રાખવામાં આવ્યા હતા.
સંદેશખાલીમાં TMC નેતા વિરુદ્ધ મહિલાઓ રસ્તા પર ઉતરી
સંદેશખાલીની મહિલાઓ સ્થાનિક ટીએમસી નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓ દ્વારા તેમના પર થયેલા કથિત અત્યાચાર સામે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ કરી રહી છે. આ વિસ્તારમાં હિંસા બાદ ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોની 6 સભ્યોની સમિતિની રચના કરી હતી. જેમને સંદેશખાલીની મુલાકાત લેવાની અને ત્યાં મહિલાઓ સામેની જાતીય સતામણી અને હિંસાની કથિત ઘટનઓનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
ભાજપે સંદેશખાલી મુદ્દે કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીને તેની ઉચ્ચ સ્તરીય સમિતિના કન્વીનર બનાવ્યા છે. આ સમિતિમાં ત્રિપુરાના મંત્રી પ્રતિમા ભૌમિક, બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલ, કવિતા પાટીદાર, સંગીતા યાદવ અને બ્રિજલાલનો સમાવેશ થાય છે. તેમને ઘટનાસ્થળની મુલાકાત લેવા, પરિસ્થિતિની સમીક્ષા કરવા, પીડિતો સાથે વાત કરવા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનો રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.