Sports

ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને મોટો ઝટકોઃ બેન સ્ટોક્સ નહીં રમે, પ્લેઇંગ 11માં 4 ફેરફાર, આ ખેલાડી કેપ્ટન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ૩૧ જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ઓવલ ખાતે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન બેન સ્ટોક્સ જમણા ખભાની ઇજાને કારણે આ ટેસ્ટ રમશે નહીં.

તેમની ગેરહાજરીમાં, ઓલી પોપને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે ટીમમાં કુલ ચાર ફેરફારો કરવામાં આવ્યા છે.

સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી. ઇંગ્લેન્ડે જેકબ બેથેલનો સમાવેશ કર્યો છે, જે છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. સરેના બોલર ગુસ એટકિન્સન અને જેમી ઓવરટન ઉપરાંત નોટિંગહામશાયરના ફાસ્ટ બોલર જોશ ટોંગનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટોક્સની ગેરહાજરીની ઇંગ્લેન્ડ પર શું અસર થશે?
બેન સ્ટોક્સની ગેરહાજરીથી ઇંગ્લેન્ડની ટીમની તાકાત લગભગ અડધી થઈ ગઈ છે. કારણ કે આ શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે તેનું પ્રદર્શન ઉત્તમ હતું. 4 ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં, બેન સ્ટોક્સે 43.42 ની સરેરાશથી 304 રન બનાવ્યા. આ દરમિયાન તેણે સદી ફટકારી. તેનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતો.

તેના બેટમાંથી 3 છગ્ગા અને 31 ચોગ્ગા આવ્યા. બેન સ્ટોક્સે તેની ઝડપી બોલિંગથી 17 વિકેટ લીધી. ઇનિંગ્સમાં તેની શ્રેષ્ઠ બોલિંગ 5/72 હતી. સ્ટોક્સે પહેલી વાર એક જ શ્રેણીમાં આટલી બધી વિકેટ લીધી.

ઓવલમાં સ્પીનર વગર રમશે ઈંગ્લેન્ડ
ઇંગ્લેન્ડની ટીમ ‘ધ ઓવલ’ ખાતે કોઈપણ નિષ્ણાત સ્પિનર વિના રમશે. માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં લિયામ ડોસન આ ભૂમિકામાં હતા. તેમને આખી મેચમાં ફક્ત એક જ સફળતા મળી. શ્રેણીની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને જેકબ બેથેલ સાથે કામ કરવું પડશે, જે બેટિંગ ઓલરાઉન્ડર છે. તે ડાબા હાથે સ્પિન બોલિંગ પણ કરે છે. તેણે અત્યાર સુધી 3 ટેસ્ટમાં 3 વિકેટ લીધી છે. બીજી તરફ સ્પિન માટે કાર્યકારી કેપ્ટન ઓલી પોપને જો રૂટ તરફ વળવું પડશે, જેમણે આ શ્રેણીમાં બોલિંગ કરતી વખતે 2 વિકેટ લીધી છે.

ઓવલ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન, જોશ ટંગ

Most Popular

To Top