SURAT

બેલ્જિયમમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ફેલાવો વધતા સુરતના હીરા વેપારી હવે એન્ટવર્પ જઇ શકશે નહીં

સુરત: બેલ્જિયમ (Belgium)માં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવા સાથે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો ફેલાવો વધતા બેલ્જિયમની સરકારે 24 દેશોના ફ્લાઇટ પર પ્રતિબંધ (Flight ban) મુક્યો છે. તેમાં ભારતનો પણ સમાવેશ થતાં એન્ટવર્પ (Antwerp)માં રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર કરનારા હીરા ઉદ્યોગકારો (Diamond industrialist) કે જેઓ કોરોનાની બીજી લહેરમાં સુરત અને મુંબઇ પરત આવી ગયા હતા તેઓ હવે એન્ટવર્પ જઇ શકશે નહીં. જોકે હીરા ઉદ્યોગકારોનું કહેવુ છે કે બેલ્જિયમના આ આદેશથી ભારતના હીરા ઉદ્યોગ પર આંશિક અસર પડશે.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરત અને મુંબઇના જે હીરા ઉધોગકારો એન્ટવર્પમાં ટ્રેડિંગ ઓફિસ ધરાવે છે. તે પૈકી કેટલાક કર્મચારીઓ એન્ટવર્પમાં કાર્યરત છે. કોરોનાની બીજી લહેર પછી મોટાભાગના હીરાના ખરીદી ઓનલાઇન થઇ રહી છે. ડીટીસીની સાઇટ બોત્સવાનાથી ઓપરેટ થાય છે એવી રીતે રશિયન રફ રશિયાથી અને રીઓ ટીન્ટોની સાઇટ કેનેડાથી ચાલે છે. હવે મોટાભાગની માઇનિંગ કંપનીઓ દુબઇથી પણ ઓપરેટ કરે છે.

તેથી સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારો અને રફની ખરીદીમાં કોઇ ખાસ અસર થશે નહીં. અત્યારે બેલ્જિયમ સાથે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. તેને કોઇ સીધી અસર થઇ નથી. તેથી ભારતીય હીરા ઉદ્યોગકારોને ડરવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બેલ્જિયમ સરકાર દ્વારા ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, યુકે, આર્જેન્ટીના, બાંગ્લાદેશ, બોલિવિયા, બોત્સવાના, ચિલી, કોલંબિયા, ડેમોક્રેટિક રિપ્બલીક ઓફ કોંગો, ઈસ્વાટીની, જ્યોર્જિયા, જોર્ડન, મોઝામ્બિક, લિસોથો, નામિબીઆ, નેપાળ, પાકિસ્તાન, પેરાગ્વે, પેરૂ, કતાર, સુરીનામ, ત્રિનિદાદ અને ટોબેગો, યુગાન્ડા, ઉરૂગ્વે તથા ઝિમ્બાબ્વેના મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ તરફ ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના કેસો વધી રહ્યાં હોય મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લાદવાના સંકેત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે.

બેલ્જિયમ અને મુંબઈ હીરા ઉદ્યોગ માટે મહત્ત્વના કેન્દ્રો છે. આ બંને ઠેકાણે કોરોના ફરી માથું ઊંચકી રહ્યો હોય હીરાઉદ્યોગ ચિંતામાં મુકાયો છે. એન્ટવર્પમાં ઓનલાઈન રફના ટેન્ડરો બહાર પડી રહ્યાં છે. ફરી એકવાર વેપારીઓએ ઓનલાઈન વેપાર કરવો પડશે.

Most Popular

To Top