Business

જેનો ડર હતો એવું જ થયું, એન્ટવર્પથી આવેલા આ સમાચારે સુરતના હીરા ઉદ્યોગને હચમચાવી મુક્યો

સુરત : મંગળવારે તા. 2 મે 2023ના રોજ ડીટીસીની (DTC) સાઇટ ખુલે એ પહેલા બેલ્જિયમનાં (Belgium) એન્ટવર્પથી (Antwerp) આવેલા અહેવાલને પગલે સુરત (Surat), મુંબઇ (Mumbai) સહિત દેશભરના હીરા, ઝવેરાત ઉદ્યોગમાં (Diamond Jewelery Industry) નિરાશા ફેલાઈ છે.

  • રશિયન ડાયમંડ પર પ્રતિબંધને મંજૂરી આપતી બેલ્જિયમની સંસદીય સમિતિ
  • પ્રતિબંધને લીધે યુરોપિયન રૂટથી આવતી રફ અટકશે, હવે આખો વેપાર વાયા દુબઇ થશે

બેલ્જિયમની સંસદીય સમિતિએ રશિયન ડાયમંડ પર પ્રતિબંધને મંજૂરી આપી (Belgian parliamentary committee approves ban on Russian diamonds) છે. આ ઠરાવ હવે બેલ્જિયમની સંસદમાં રજૂ થશે. જ્યાં સત્તાધારી પક્ષ સહિત બધા જ પક્ષ રશિયા પર પ્રતિબંધની તરફેણમાં છે. જો પ્રતિબંધ લાગશે તો એને લીધે યુરોપિયન રૂટથી આવતી રફ અટકશે, અને આખો વેપાર વાયા દુબઇ થઇ જશે.

ભારત-યુએઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લીધે રશિયા રફ ડાયમંડનો વેપાર દુબઈથી (Dubai) વિસ્તારશે. પણ ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા એ ઊભી થશે કે, તૈયાર હીરા અને જ્વેલરી બેલ્જિયમનાં બ્રસેલ્સ રૂટથી યુરોપના (Europe) દેશોમાં જતી હતી. એ ટ્રેડને વ્યાપક અસર થશે. અમેરિકા અને બેલ્જિયમમાં માલ હવે મોકલી શકાશે નહીં.

યુરોપિયન યુનિયનના દેશોમાં પણ રશિયન રફમાંથી તૈયાર થયેલા કટ એન્ડ પોલિશડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી મોકલવામાં મુશ્કેલીઓ ઊભી થશે. જેસીકેના હેવાલ મુજબ બેલ્જિયમની વિદેશી બાબતોની સંસદીય સમિતિએ બેલ્જિયમ સરકારને રશિયન હીરાને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા અને રશિયન માલિકીની હીરાની ખાણમાંથી નીકળતા હીરાનું વેચાણ કરનાર અલરોસા કંપની પર પણ યુરોપિયન યુનિયન (EU)ના પ્રતિબંધો આગલા રાઉન્ડમાં ઉમેરવા માટેનો આહવાન કરતો ઠરાવ મંજૂર કર્યો છે.

એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) ના પ્રવક્તા ટોમ નેઈસે કહ્યું હતું કે, ઠરાવની કોઈ તાત્કાલિક અસર થશે નહીં. એન્ટવર્પ અને AWDC હીરાની ઉત્પત્તિને ચકાસવા અને G7 બજારોમાંથી રશિયન હીરાને બાકાત રાખવા વાજબી અને વોટરટાઈટ સોલ્યુશન્સ માટે યોગદાન આપવા માંગે છે.

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ યુરોપિયન યુનિયન દ્વારા કેટલાક આકરા પગલાં લેવામાં આવ્યા છે. જોકે ઉદ્યોગકારોએ બેલ્જિયમની સરકારને ચેતવ્યા છે કે આ નિર્ણયથી રફ ડાયમંડનો મોટો વેપાર એન્ટવર્પથી દુબઇ શિફ્ટ થશે. રશિયાને બદલે એન્ટવર્પને નુકસાન પહોંચાડશે. જાપાનનાં હિરોશિમામાં 19 થી 23 મે 2023 દરમિયાન યોજાનાર G7 દેશોની બેઠકમાં રશિયન હીરાને G7 બજારોમાંથી બહાર રાખવા માટે પ્રસ્તાવ રજૂ કરે એવી શક્યતાઓ છે.

ડીટીસીની સાઇટ ખુલી, સોલિટેર રફનાં ભાવમાં 10 %નો ઘટાડો
સુરત : રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદીને લીધે અમેરિકા સહિત યુરોપમાં નેચરલ ડાયમંડ અને જ્વેલરીનાં વેપારને અસર થઈ છે. ત્યારે ડાયમંડ ટ્રેડિંગ કોર્પોરેશન (ડીટીસી)એ બજારની સ્થિતિને પારખી એપ્રિલ મહિનાની સાઈટમાં સોલિટેર ડાયમંડના ભાવમાં સીધો 10% નો ઘટાડો કરી સાઇટ હોલ્ડરોને લલચાવ્યા છે. જેથી જાડા હીરાનું માર્કેટ ઉંચકાઈ શકે.

જોકે ડીટીસીએ પાતળી રફ, એલસી અને બ્રાઉન રફનાં ભાવમાં કોઈ વધારો કર્યો નથી. એટલે કે સોલિટેર સિવાયની ક્વોલિટીઓમાં ભાવો સ્થિર રાખ્યાં છે. ડીટીસીએ ગત માર્ચ મહિનાની સાઈટમાં એલસી અને બ્રાઉનના રફનાં ભાવમાં 5 થી 10 ટકાનો ભાવ વધારો કર્યો હતો. જાડા હીરાની માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવાથી ત્યારે પણ વ્હાઇટ અને સોલિટેર રફનાં ભાવો ઘટાડ્યા હતા.

Most Popular

To Top