નવી દિલ્હી: ગાવાસ્કર બોર્ડર ટ્રોફી માટે (Gavaskar-Border Trophy) ટેસ્ટ સિરીઝ રમવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી છે. (IndiaAustraliaTestSeries) ચાર ટેસ્ટ મેચની આ સિરીઝ આગામી 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચે એકેય પ્રેક્ટિસ મેચ રમાવાની નથી, પરંતુ બંને ટીમના ખેલાડીઓ ભરપૂર તૈયારી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતના સ્પીનર્સનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યાં છે, બીજી તરફ ભારતની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે પરંતુ ટીમ મેનેજમેન્ટ હજુ પ્લેઈંગ ઈલેવનના કોમ્બિનેશનને લઈને કન્ફ્યૂઝ છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (RavindraJadeja) ફીટ થઈને પરત ફર્યો હોય તેનું રમવું લગભગ નક્કી છે, તેથી જો ભારત બે જ સ્પીનર સાથે મેદાનમાં ઉતરે તો કુલદીપ કે અક્ષરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની શક્યતા ઓછી છે. જોકે, ભારત સામે સૌથી મોટી મુંઝવણ ઓપનિંગ જોડીને લઈને છે. છેલ્લાં બે મહિનામાં નવોદિત શુભમન ગિલનું (Subhmangill) જેવું પ્રદર્શન રહ્યું છે તે જોતાં તેને ડ્રોપ કરી શકાય તેમ નથી. ત્યારે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે મેદાનમાં કોણ ઉતરશે? તે મોટો પ્રશ્ન છે. ઉપકપ્તાન કે.એલ. રાહુલને જ ફરી એકવાર તક આપવામાં આવે કે પછી શુભમન ગિલ પાસે ઓપનિંગ કરાવવું તે હજુ નક્કી થયું નથી.
રોહિત શર્મા કોની સાથે ઓપનિંગ કરશે?
ટીમ ઈન્ડિયાને નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે, ભારતીય ટીમ સામે પડકાર એ છે કે શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવવું અને કાંગારુ ટીમને બિલકુલ તક ન આપવી. આવી સ્થિતિમાં નાગપુરમાં કઈ ઓપનિંગ જોડી જોવા મળશે, તે હજુ સ્પષ્ટ નથી. વર્તમાન ફોર્મ અને ભવિષ્ય પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા રોહિત શર્મા સાથે શુભમન ગિલને તક આપી શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેએલ રાહુલની છેલ્લી 10 મેચોમાં તેણે 12 ઇનિંગ્સમાં 28.90ની એવરેજથી 318 રન જ બનાવ્યા છે, જેમાં તેની 3 અડધી સદી સામેલ છે. પરંતુ બીજી તરફ ગીલે ઘણા રન બનાવ્યા છે. તેણે આ વર્ષે અત્યાર સુધીની 12 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 76.90ની શાનદાર એવરેજથી સૌથી વધુ 769 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી સહિત 4 સદી અને એક અડધી સદી ફટકારી છે.
કે.એલ. રાહુલને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે
ગિલે રાહુલ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. શુભમન ગિલે વર્ષ 2023ની મજબૂત શરૂઆત કરી અને રનનો વરસાદ કરી દીધો છે. આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણ કે જો શુભમન ગિલને રમાડવામાં નહીં આવે તો ટીમ મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા થઈ શકે છે. ખાસ વાત એ છે કે કેએલ રાહુલ અને શુભમન ગિલ બંનેએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. જો ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલને રોહિત શર્મા સાથે જોડી બનાવવાનું નક્કી કરે છે તો કેએલ રાહુલને મિડલ ઓર્ડરની જવાબદારી મળી શકે છે. વનડેમાં પણ કેએલ રાહુલે હવે મિડલ ઓર્ડરમાં બેટિંગ શરૂ કરી દીધી છે, આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ટેસ્ટમાં ફિટ નથી ત્યારે કેએલ રાહુલ પાસે મિડલ ઓર્ડરને મજબૂત કરવાની તક છે.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટેકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (ઉપકપ્તાન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, ડેવિડ વોર્નર
ટેસ્ટ સિરીઝનું શિડ્યુલ
- 1લી ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
- બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
- ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા
- ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ