આઈપીએલ 2022ના મેગા ઓક્શન પહેલા ટૂર્નામેન્ટની જે જૂની 8 ફ્રેન્ચાઇઝી ટીમો હતી તેમણે તમામે મળીને કુલ 27 ખેલાડીઓને રિટેન કર્યા હતા, જે તે ફ્રેન્ચાઇઝી દ્વારા આ રીતે રિટેન કરાયેલા ખેલાડીઓની પાછળ 7થી 8 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચી હતી. જે ખેલાડીઓને રિટેન કરાયા હતા તેમાંથી મોટા ભાગના ખેલાડીઓ મેચ રમી રહ્યા છે, પરંતુ એવા પાંચ ખેલાડીઓ છે જેમને કરોડો રૂપિયા મળ્યા છે, પણ શરૂઆતની મેચોમાં યોગ્ય પ્રદર્શન નહીં કરી શકવાના કારણે તેઓ હવે અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવી શકતા નથી, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે વેંકટેશ અય્યરનું, જેને કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાંથી બહાર કરી દીધો હતો, આઇપીએલની ગત સિઝનમાં કેકેઆર વતી સૌથી સફળ ખેલાડીઓમાંથી એક એવો વેંકટેશ અય્યર આ સિઝનમાં એક પણ મેચમાં ચાલ્યો નથી અને તે હાલ પોતાની રિધમ ગુમાવી ચુક્યો હોવાનું જણાઇ રહ્યું છે. માત્ર વેંકટેશ અય્યર જ નહીં પણ કેકેઆર માટે વરૂણ ચક્રવર્તી પણ યોગ્ય પ્રદર્શન કરી શક્યો નથી. આ મિસ્ટ્રી સ્પીનરને વિકેટો મળતી નથી અને તે મોંઘો પણ સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત સનરાઇઝર્સે જે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા તેમાંથી એક અબ્દુલ સમદ ટીમ માટે ઉપયોગી પ્રદર્શન ન કરી શકતાં અંતિમ ઇલેવનમાંથી સ્થાન ગુમાવી બેઠો છે. જ્યારે સમદની સાથે જ રિટેન કરાયેલા ઉમરાન મલિકે આઇપીએલમાં પોતાની ધારદાર ગતિવાળી બોલીંગથી જોરદાર ધાક ઊભી કરી છે. દિલ્હી કેપિટલ્સે જેને ઘાયલ હોવા છતાં રિટેન રાખ્યો હતો તે દક્ષિણ આફ્રિકન બોલર એનરિક નોર્કિયા ટીમ વતી જોઇએ તેવું પ્રદર્શન કરી શક્યો નથી, તેના બદલે દિલ્હીની ટીમ વતી નવોદિત બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સે જેને રિટેન કર્યો હતો તે યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ પણ પોતાની છાપ અનુસારની બેટીંગ કરી શક્યો નથી અને તેથી તેને પણ રાજસ્થાન રોયલ્સે બહાર મુકી
દીધો છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ ઐયર અને વરુણ ચક્રવર્તીને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા પરંતુ આ બંને ખેલાડીઓ હવે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે અબ્દુલ સમદને 4 કરોડમાં રિટેન કર્યો હતો, પરંતુ તેને પણ થોડી મેચો બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ યાદીમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલનું નામ પણ સામેલ છે, જેને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. જ્યારે દિલ્હી કેપિટલ્સે એનરિક નોર્કિયાને રૂ. 6.50 કરોડમાં રિટેન કર્યો હતો અને એક મેચ રમીને તે હાલ અંતિમ ઇલેવનમાંથી આર્ઉટ છે. ઉપર જણાવેલા તમામ ખેલાડીઓમાંથી નોર્કિયા એકમાત્ર એવો ખેલાડી છે જેને આ સિઝનમાં માત્ર એક જ મેચ રમવા મળી છે. સિઝન શરૂ થવા પહેલા તે ઘાયલ હતો અને તે પછી સાજો થઇને તે ટીમમાં સામેલ થયો અને એક મેચ રમીને પછી ફરી તે ઘાયલ થયો હતો.