Business

એલોન મસ્કની ભારત મુલાકાત પહેલાં ટેસ્લા અને ટાટા વચ્ચે થયો મોટો સોદો

નવી દિલ્હી: રતન ટાટાની (Ratan Tata) કંપની અને એલોન મસ્કની (Elon Musk) ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ (Semiconductor chips) ખરીદવા માટે મોટો સોદો કર્યો છે. આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કે માહિતી આપી હતી કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) મળી શકે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્ક 22 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન ભારત આવી શકે છે. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્ક ટેસ્લાની ભારત આવવાની શક્યતાઓની પુષ્ટિ કરી શકે છે અને મોટા રોકાણની જાહેરાત કરી શકે છે.

દરમિયાન અમેરિકન કંપની ટેસ્લાએ તેની કારમાં સેમિકન્ડક્ટર લગાવવા માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે. આ સોદો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ટાટા ઈલેક્ટ્રોનિક્સને ટોચના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે સ્થાપિત કરશે. આ ડીલ થોડા મહિનામાં પૂર્ણ થશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ (Tata Electronics) અને ટેસ્લા (Tesla) વચ્ચેની ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. કંપનીઓએ પણ આ ડીલ પર કંઈ કહ્યું નથી.

ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશનના પ્રમુખ અશોક ચાંડકે કહ્યું છે કે ટેસ્લાનો આ નિર્ણય ઈલેક્ટ્રોનિક્સના સ્થાનિક સપ્લાયર્સ માટે ઈકોસિસ્ટમ બનાવશે . તાજેતરમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સે 50-60 ટોચના સ્તરના નિષ્ણાતોની ભરતી કરી છે. બીજી તરફ ટેસ્લા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની ભારતમાં 2 થી 3 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે.

નોંધનીય છે કે નીતિમાં ફેરફાર સાથે ઓટો કંપનીઓને 15 ટકા ઓછી આયાત ડ્યુટી પર $35,000 કે તેથી વધુ કિંમતની ઈવી આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આનાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ વર્ષમાં $500 મિલિયનનું રોકાણ કરવું પડશે. રોકાણ કરવા માટે વાહન ઉત્પાદકોની પ્રતિબદ્ધતા પર નિર્ભર રહેશે.

Most Popular

To Top