ટેકનોલોજીને કારણે આજે જુદા જુદા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી છે. World is Changing with Technology એવું કહી શકાય. ટેકનોલોજીએ આજે ઘણા કામો સરળ બનાવી દીધા છે. જેના કારણે સમયની સાથે સાથે રીસોર્સીસનો પણ બચાવ કરી એનો શ્રેષ્ઠ અને મહત્તમ ઉપયોગ કરી શકાય છે, અને ગુણવત્તામાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. સુરતની વાત કરીએ તો સુરતના ત્રણ મોટા ઉદ્યોગ છે, જેમાં હીરા, કાપડ અને જરીનો સમાવેશ થાય છે. ટેકનોલોજીના કારણે આ ઉદ્યોગોમાં પણ અકલ્પનીય ફેરફારો આવ્યા છે. ટેકનોલોજીના કારણે આ તમામ ઉદ્યોગોમાં ઉત્પાદન 100 થી 1000 ગણું વધી ગયું છે. તો ચાલો 11th મે વર્લ્ડ ટેક્નોલોજી ડે નિમિત્તે આપણે જાણીએ ટેકનોલોજીની કમાલ….
હવે સુતળી જેટલો જાડો નહીં પરંતુ રેશમ જેટલો પાતળો તાર પણ તૈયાર થઇ શકે છે: શાંતિલાલ જરીવાળા
સુરતના ત્રણ મોટા પૈકીનો એક અને મૂળ સુરતીઓનો રાણા સમાજ જેની સાથે સંકળાયેલો છે તે જરી ઉદ્યોગ છે. આ ઉદ્યોગમાં પણ ટેકનોલોજીના કારણે અનેક ફેરફાર આવ્યા છે. આ અંગે જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શાંતિલાલ જરીવાળાના જણાવ્યા અનુસાર સૌથી પહેલા જરીમાં મશીનરી હતી જ નહીં અને બધુ જ કામ મેન્યુઅલી ચાલતું હતું.
સૌથી પહેલા જરી ઉદ્યોગમાં કસબ બનાવવા માટે લોખંડના ચક્કરનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્પીન્ડલને માર સાથે બાંધવામાં આવતા હતા અને તેવી રીતે હાથથી ચક્કર ફેરવીને જરી બનાવવામાં આવતી હતી. આ સમય એવો હતો કે, એક કિલો કસબ તૈયાર કરવામાં આઠ દિવસ નીકળી જતાં હતાં. આ વાત 1958 પહેલાની છે. ત્યાર બાદ રણછોડદાસ પોપાવાળા જર્મની ગયા હતાં. ત્યાં તેમણે જરીની મશીનરીનો અભ્યાસ કર્યો હતો. તેઓ પરત આવ્યા ત્યારે ત્યાની મશીનરીના ફોટો પણ લેતા આવ્યા હતાં. ત્યાર પછી સુરતમાં જ તેની મશીનરી તૈયાર કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રિસિટીની મદદથી જરીનું ઉત્પાદન શરૂ થયું હતું. આ ટેકનોલોજીમાં આવેલા ફેરફારના કારણે 1 કલાકમાં 10 કિલો કસબ તૈયાર કરવામાં આવ્યો હતો. જે ટેકનોલોજીના કારણે શક્ય બની શક્યું હતું. ત્યારબાદ 2010થી 60 સ્પીન્ડલના લાંબા મશીનો માર્કેટમાં આવ્યાં હતાં. તેના ઉપર કસબ તૈયાર કરવામાં આવે છે. આ મશીન હાઇસ્પીડ મશીન હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને પ્રકારના હોય છે. આ મશીનરીનો બીજો ફાયદો એ પણ છે કે પહેલા કસબ ખૂબ જ જાડો બનતો હતો જે હવે ખૂબ જ ઝીણો અને પાતળા તાર જેટલો પણ તૈયાર થઇ શકે છે.
શું બદલાવ આવ્યો
1958 સુધી લોખંડના ચક્કર ઉપર માર ચડાવીને હાથથી ચક્કર ફેરવાતો
1959થી મશીનરીનો ઉપયોગને કારણે ક્રાંતિ આવી
2010થી હાઇસ્પીડ હોરિઝોન્ટલ અને વર્ટિકલ મશીન્સ આવ્યા
ટેકનોલોજીની અસર
પહેલા 1 કિલો કસબ તૈયાર કરવામાં આઠ દિવસ લાગતા હતા પરંતુ મશીનરીના ઉપયોગના કારણે 1 કલાકમાં 10 કિલો કસબ તૈયાર થાય છે. પહેલા સૂતળી જેટલો જાડો કસબ તૈયાર થતો હતો તે હવે પાતળા તાર જેટલો પણ તૈયાર થઇ શકે છે.
હીરા ઘસવાની સંપૂર્ણ ટેકનોલોજી રોબોટિક થઈ ગઈ છે: પીયુષભાઈ શાહ
હીરા ઉદ્યોગ અગ્રણી પીયુષભાઈ કહે છે ભારતમાં આઝાદી પહેલા બર્લિનથી કાગળ ઉપર પર્ણો લાવી હીરા ઘસવાની કાસ્ટિંગની ઘંટીઓ અને મશીનરી બનાવી શરૂઆત કરવામાં આવી. ત્યારે ઇલેક્ટ્રિસિટી ન હતી અને આધુનિક મશીનરી નહીં હોવાથી હીરા ઘસવાની સરણ ચરખાની જેમ હાથેથી ફેરવવામાં આવતી હતી, પછી ટેકનોલોજી સમયાંતરે આધુનિક થતી ગઈ અને 60ના દાયકામાં મોટર વાળી દેશી બેઠા ઘાટની ઘંટીઓ વિકસી, જેમાં મોટર અને સરણ વચ્ચે મજબૂત ચામડાનો પટ્ટો બાંધી પાવડરનો પટ બનાવી તેની ઉપર હીરા ઘસવામાં આવતા હતાં. પરંતુ ઘણો સમય લાગતો હતો, ઘણીવાર એકનો એક હીરો વધારે લાંબો સમય ઘસી શકાય તે માટે દેશી કટોરા ઉપર સીસાનો ભાર (વજનિયું) મુકવામાં આવતું હતું. જેથી સાઈડમાં હીરો ઘસાતો રહે અને કારીગર બીજા હીરા પણ ઘસતા રહેતા હતાં. 80ના દાયકામાં સેમી ઓટોમેટિક ટેકનોલોજી આવી હતી, જેમાં મોટર સીધી સરણ સાથે જોડાતી જેથી સરણની ફરવાની ક્ષમતા વધી ગઇ અને તેની ડાયમંડ સ્ક્રેપ સરણ આયાત કરવામાં આવતી તેના આવવાથી હીરા ઘસવાનો સમય ઓછો થયો અને વધુ પ્રોડક્શન આવવા લાગ્યું જેથી હીરા ઉદ્યોગ ખૂબ વિકસ્યો અને સસ્તી મજૂરી હોવાથી ભારતમાં નાની સાઇઝના હીરા પણ ખૂબ મોટા પ્રમાણમાં તૈયાર થવા લાગ્યા. દુનિયાના હીરા ઉદ્યોગ માં ઇઝરાયેલની મોનોપોલી હતી તે તૂટી ગઇ હતી. હાલમાં આશરે પંદરેક વર્ષથી હીરા ઘસવાની સંપૂર્ણ ટેકનોલોજી રોબોટિક થઈ ગઈ છે આજે કાચો હીરો મૂકીએ તેને આકાર આપવાનો અને ઘસવાનું બધું જ કોમ્પ્યુટરાઇઝ્ડ થયું છે. પહેલા જેટલી ઘંટીમાં એક દિવસમાં 10 તૈયાર હીરા બનતા હતા, તેટલી જ ઘંટીમાં એક દિવસમાં આજે હજારથી પણ વધુ હીરા તૈયાર થાય છે હીરામાં ઘસવામાં પહેલા જે ખામી હતી તે હવે નહીંવત થઈ ગઈ છે. કાચા હીરામાંથી તૈયાર હીરો કેટલો નીકળશે અને કેવી ક્વોલિટી નો નીકળશે તે પહેલા નિષ્ણાત કારીગર કાચા હીરા ઉપર સાઇનથી પ્લાનિંગ કરતો હતો ત્યારબાદ હીરા ઘસવા માં આવતા હતા, પણ આજે એ પ્લાનિંગ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા લેસર માર્કિંગથી થાય છે.
શું બદલાવ આવ્યો
1980 સુધી જમીન ઉપર બેસીને હીરા ઘસવાની ઘંટી
1980માં સેમી ઓટોમેટિક હીરા ઘસવાની ઘંટી
1995માં ફૂલ્લી ઓટોમેટિક હીરા ઘસવાની ઘંટી
2008થી રોબોટિક મશીનરી
ટેક્નોલોજીની અસર
પહેલા જેટલી ઘંટી ઉપર એક દિવસમાં 10 હીરા તૈયાર થતાં હતાં તેટલી જ ઘંટી ઉપર અત્યારે એક દિવસમાં એક હજાર હીરા તૈયાર થાય છે.
જે સાદા લુમ્સ ઉપર મહિને 1500 મીટર કપડું બનતું હતું તે હવે 12000 મીટર સુધી બનતું થયું: મહેન્દ્ર રામોલિયા
ટેકનોલોજીના કારણે શહેરના સૌથી મોટા ઉદ્યોગો પૈકીના એક કાપડ ઉદ્યોગમાં પણ ક્રાંતિ આવી છે. આ અંગે વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહેન્દ્રભાઇ રામોલિયાના જણાવ્યા અનુસાર સૌથી પહેલા હાથશાળ ચાલતી હતી. તે સમયે ઇલેક્ટ્રિસિટીના ઉપયોગ વગર હાથથી કપડું તૈયાર કરવામાં આવતું હતું. પરંતુ ભારતમાં 1956ના વર્ષમાં શટલ લુમ્સની શરુઆત થઇ અને તેના કારણે કપડું ખૂબ જ ઝડપથી બનવા લાગ્યું. સાદા લુમ્સમાં પહેલા એક મહિનામાં 1500 મીટર કપડું તૈયાર થઇ શકતું હતું. ત્યાર પછી 2010માં વોટર જેટ મશીન આવી ગયા જેના કારણે મહિનામાં એક મશીન 8000 થી 12000 મીટર કપડાનું ઉત્પાદન કરતું થઇ ગયું. 2013માં શટલ ચેન્જ મશીન આવ્યા અને ત્યારબાદ 2015માં રેપિયર અને એરજેટ મશીન માર્કેટમાં આવ્યાં. ઉદ્યોગમાં સૌથી છેલ્લે જે જમ્બો જેકાર્ડ મશીન આવ્યું તે 2016માં આવ્યું અને હાલમાં તેના ઉપર પણ અનેક કારખાનેદાર કામ કરી રહ્યાં છે. જો કે આ આધુનિક મશીનરી વચ્ચે પણ જૂના શટલ લુમ્સ ઉપર પણ કેટલીક જગ્યાએ ઉત્પાદન ચાલી જ રહ્યું છે. જમ્બો રેપિયરનો ફાયદો એ છે કે, તેના ઉપર ડિઝાઇનવાળું કપડું તૈયાર થાય છે. એટલું જ નહીં કુર્તી, ડ્રેસ મટિરિયલ્સ, ગારમેન્ટ અને પરદા પણ તૈયાર થઇ શકે છે.
શું બદલાવ આવ્યો
1956 સુધી હાથશાળ ઉપર કપડું તૈયાર થતું હતું.
2010માં વોટર જેટ મશીનરી માર્કેટમાં
2013માં શટલ ચેન્જ મશીનરી માર્કેટમાં
2015માં રેપિયર અને એરજેટ મશીનરી માર્કેટમાં
2016માં જમ્બો જેકાર્ડ મશીનરી
ટેક્નોલોજીની અસર
જમ્બો જેકાર્ડમાં જુદી જુદી ડિઝાઇનવાળું કપડું પણ તૈયાર કરી શકાય છે. પરંતુ તેની કિંમતમાં મોટો તફાવત છે જે સાદું લુમ 1 લાખ રૂપિયા સુધીનું મળે છે તેની સામે રેપિયર, એરજેટ અને જમ્બો રેપિયર 60 લાખથી 1 કરોડ સુધીમાં મળે છે.