Entertainment

બ્યુટીફૂલ માનુષી શું ઐશ્વર્યા, પ્રિયંકા પૂરવાર થશે?

માનુષી છિલ્લર ખૂબ ખુશ તો હશે. તેણે તેની પહેલી ફિલ્મ રજૂ થાય તે માટે ઘણી રાહ જોવી પડી પણ એ ફિલ્મ યશરાજની છે અને હીરો અક્ષયકુમાર છે તો રાહ જોવી વસુલ છે. તેને ઐતિહાસિક પાત્ર પૃથ્વીરાજની પ્રેમિકા સંયુકતાની ભૂમિકા મળી છે. હમણાં કોઇ એવી નવોદિત અભિનેત્રીની એન્ટ્રી નથી થઇ, જેના વિશે લોકો રાહ જોતા હોય. સામાન્યપણે ફિલ્મી કુટુંબના સંતાનોની એન્ટ્રી ચર્ચામાં રહેતી હોય છે અને એવી છેલ્લી ચર્ચા અનન્યા પાંડેની રહી હતી. માનુષી છિલ્લર મિસ વર્લ્ડ રહી છે. જો કે મિસ વર્લ્ડ હોવા માત્રથી જ તે ફિલ્મોમાં સફળ રહે એવી કોઇ શરત નથી. અત્યાર સુધીમાં રીટા ફારિયા(1966), ઐશ્વર્યા રાય(1994), ડાયના હેડન(1997), યુકતા મુખી(1999), પ્રિયંકા ચોપરા(2000) અને છેલ્લે આ માનુષી 2017માં મિસ વર્લ્ડ બની છે.

આ બધામાં એક ઐશ્વર્યા અને બીજી પ્રિયંકા ચોપરા સિવાય હિન્દી ફિલ્મોમાં કારકિર્દી બનાવવામાં કોઇ સફળ રહી નથી. રીટાએ તો ખેર ફિલ્મોમાં આવવાનો પ્રયત્ન જ નહોતો કર્યો અને ડાયના હેડન, યુકતા મુખીએ પ્રયત્ન કર્યા પણ સફળ ન રહી. માનુષી તેરા કયા હોગા? યશરાજ ફિલ્મ સામાન્યપણે કોઇપણ નવોદિત સાથે કરાર કરે તો ત્રણ ફિલ્મનો કરે છે અને એ રીતે માનુષી પણ ત્રણ ફિલ્મો માટે સ્યોર છે. ‘પૃથ્વીરાજ’ પછી તે વિકી કૌશલ સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ માટે કરારબધ્ધ થયેલી છે. આ બે ફિલ્મમાં માનુષી સફળ રહી તો ત્રીજી ફિલ્મ મળશે. માનુષી અત્યાર પહેલાં તો મિસ વર્લ્ડ તરીકેની જ ચર્ચાને પ્રશંસા પામી છે પણ હવે તેની અભિનયક્ષમતા અને સ્ક્રિન પ્રેઝન્સની ચર્ચા થશે. એક અર્થમાં આ કોસ્ચ્યુમ ડ્રામા પણ છે અને તેથી રેખા(ઉમરાવજાન), ઐશ્વર્યા રાય(જોધા અકબર), દિપીકા પાદુકોણ(પદ્માવત, બાજીરાવ મસ્તાની) અને પ્રિયંકા ચોપરા(બાજીરાવ મસ્તાની) વગેરે સાથે સીધી તુલના થશે.

તે કહે છે કે મેં મારા પાત્ર માટે ખૂબ તૈયારી કરી છે. માનુષી જો સફળ જશે તો ઐશ્વર્યા, પ્રિયંકા પછી ફિલ્મ જગતને વધુ એક બ્યુટીફૂલ અભિનેત્રી મળી એમ કહેવાશે. જો તેણે તેની પેઢીના હીરો સાથે હવે કામ મેળવવાનું થશે. રણબીર કપૂર, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, વરુણ ધવન વગેરે સાથે તે કેવી જોડી બનાવી શકે તે જોવાનું રહેશે. અત્યારની અભિનેત્રીઓ પોતાની ઇમેજ સાથે ઘણા પ્રયોગ કરે છે તે પણ માનુષીએ કરવા પડશે. આલિયા, દિપીકા, તાપસી, કંગના સામે ઊભા રહેવું પડશે. ઐતિહાસિક ફિલ્મમાં ઇતિહાસનું પાત્ર ભજવવા માત્રથી ઐતિહાસિક નથી બની જવાતું તે માનુષી સમજતી જ હશે. •

Most Popular

To Top