સુરત: અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત (Surat) મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ (Parle point) ખાતે ફ્લાય ઓવર બ્રિજની નીચે બ્યુટિફિકેશન તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં દિવાળી વેકેશનમાં (Diwali Vacation) મોટાપાયે લોકો આ બ્યુટિફિકેશનને જોવા માટે ઉમટી રહ્યા છે પરંતુ જોવા જેવી વાત એ છે કે આ સ્થળની સુરક્ષા માટે મનપા દ્વારા કોઈ જ આયોજનો કરવામાં આવ્યા નથી. આ સ્થળે કોઈ સીક્યુરિટી ગાર્ડ (Security guard) દેખાતા નથી અને તેને કારણે જે બ્યુટિફિકેશન કરાયું છે તે બગડી રહ્યું છે. આ સ્થળની સફાઈ પણ કરવામાં આવતી નથી. જેને કારણે સુરતીઓ મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યાં છે.
મનપા દ્વારા બ્રિજ (Bridge) નીચેની પાર્કિંગની (Parking) સાથે સાથે મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સાઈકલિંગ માટે કુલ 40 સ્ટેન્ડ તૈયાર કરાયાં છે. સાથે જ પે એન્ડ યૂઝ ટોઇલેટ બ્લોક પણ બનાવાયા છે. ઉપરાંત અહીં નવતર પ્રયોગ કરી એલઈડી સીટિંગ બેંચ બનાવાઈ છે. આ બ્રિજ નીચે 200 મીટર લંબાઈમાં 12 વિવિધ માઈલ સ્ટોન મુકાયા છે. જેમાં શહેરના ઈતિહાસ વિશે માહિતી અપાઈ છે. જેથી લોકો વોક કરતાની સાથે સાથે માહિતી મેળવી શકે. અહીં જોગિંગ અને સ્કેટિંગ કરી શકાય તે રીતની વ્યવસ્થા પણ છે. તેમજ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના વિજેતાઓની જાણકારી આપતી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. સાથે જ બ્યુટિફિકેશનમાં વેસ્ટમાંથી બેસ્ટના કોન્સેપ્ટ પર સ્કલ્પચર તૈયાર કરી મુકાયા છે. જાહેર જનતા માટે આ પ્લેસ ખુલ્લી મુકાતા જ અહી મોટી સંખ્યામાં લોકો ફોટો પડાવવા અને ફરવા આવી રહ્યા છે પરંતુ લોકો દ્વારા વસ્તુઓની તોડફોડ કરવામાં આવી છે. મનપા દ્વારા અહી સિક્યુરિટી સ્ટાફ મુકાયા છે પરંતુ અહી કોઈ સિક્યુરિટી સ્ટાફ હાજર રહેતા જ નથી જેથી શહેરીજનો બિન્દાસ્ત અહી તોડફોડ કરી રહ્યા છે.
લોકો છત્રીઓ તોડી રહ્યા છે, ચોરી રહ્યાં છે, આઈ લવ સુરતની લાઈટો પણ બંધ થઈ ગઈ
જે લોકો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવી તેમના દ્વારા કરાયેલી ફરિયાદો પ્રમાણે, આ બ્યુટિફિકેશન જ્યારે બન્યું ત્યારે જોવાલાયક હતું પરંતુ હવે તેની દેખરેખ માટે કોઈ જ હાજર હોતું નથી. જેને કારણે જે છત્રીઓથી સુંદરતા ઊભી કરવામાં આવી છે તેમાં કેટલીક છત્રીઓને તોડી નાખવાની સાથે ચોરી જવામાં આવી છે. જે સ્થળ પર ગાર્ડનિંગ કરાયું છે તે સ્થળની અંદર ઘૂસીને લોકો ફોટા પાડી રહ્યાં છે. જેને કારણે ગાર્ડનિંગનો કચ્ચરઘાણ વળી ગયો છે. આઈ લવ સુરત લખ્યું છે તેમાં આઈ લવની લાઈટો બંધ થઈ ગઈ છે. જ્યારે સુરતમાં એક-બે અક્ષરની લાઈટો જ ચાલુ છે. મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ હવે તેની જાળવણી કરવામાં આવતી નથી. મનપાના જવાબદાર અધિકારીઓ બિન્ધાસ્ત બની ગયા છે અને તોફાનીઓને ફાયદો થઈ ગયો છે.
મેઈન્ટેનન્સ માટે સિક્યુરિટી સ્ટાફ મુકાયો છે: મહેશ ચાવડા (કાર્યપાલક ઈજનેર, અઠવા ઝોન)
બ્યુટિફિકેશનના મેઈન્ટેનન્સ માટે સુરત મનપા દ્વારા અહી સિક્યુરિટી સ્ટાફ મુકાયો છે. જેઓ શીફ્ટમાં અહી હાજર રહે છે. રાત્રે 12 વાગ્યા સુધી મનપાનો સિક્યુરિટી સ્ટાફ ફરજ પર હોય છે. જેથી કોઈ પણ લોકો બ્યુટિફિકેશનને નુકસાન કરે તો ધ્યાન રાખી શકાય.
આ અંગે યોગ્ય તપાસ કરાશે અને જાળવણી કરાશે: મેયર હેમાલી બોઘાવાલા
સુરત મનપા દ્વારા કોઈ પણ જાહેર જગ્યાએ બ્યુટિફિકેશન કરવામાં આવે તો તેની યોગ્ય જાળવણીની જવાબદારી મનપાની સાથે સાથે શહેરીજનોની પણ છે. પરંતુ જો અહી તોડફોડ અને ગંદકી થઈ રહી છે તો તેની યોગ્ય તપાસ કરવામાં આવશે અને બ્યુટિફિકેશનની જાળવણી કરવા માટે પણ ચોક્કસ કામગીરી કરવામાં આવશે. જરૂર પડ્યે તો અહી સીસીટીવી પણ મુકાશે જેથી અસામાજીક તત્વો પર પણ ધ્યાન રાખી શકાય.