નવી દિલ્હી: BCCIએ મહિલા IPL એટલે કે મહિલા પ્રીમિયર લીગના આયોજનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ખેલાડીઓની હરાજી થઈ ગઈ છે અને ટીમો તૈયાર છે. ભારતની સ્ટાર મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાને RCB ટીમે સૌથી વધુ 3.4 કરોડમાં ખરીદી હતી. તે જ સમયે વુમન્સ પ્રીમિયર લીગ સાથે જોડાયેલા અન્ય મોટા સમાચાર સામે આવ્યા છે.
- ટાટા જૂથે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થતી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) ના ખિતાબના અધિકારો પણ પ્રાપ્ત કર્યા
- ડીલના નાણાકીય પાસાઓ જાહેર કરવામાં આવ્યા નથી
- ભારતની સ્ટાર મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાને RCB ટીમે સૌથી વધુ 3.4 કરોડમાં ખરીદી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના અધિકારો મેળવ્યા પછી, ટાટા જૂથે મુંબઈમાં 4 માર્ચથી શરૂ થતી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) ના ખિતાબના અધિકારો પણ પ્રાપ્ત કર્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરીને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “મને આ જાહેરાત કરતાં અત્યંત આનંદ થાય છે કે ટાટા ગ્રુપ પ્રથમ WPLનું ટાઇટલ સ્પોન્સર હશે. તેમના સમર્થનથી અમને વિશ્વાસ છે કે અમે મહિલા ક્રિકેટને આગલા સ્તર પર લઈ જઈ શકીશું. તેમજ તેઓને તમામ મદદ કરી શકીશું”
જાણકારી મળી આવી છે કે ડીલના નાણાકીય પાસાઓ જાહેર કરવામાં આવ્યા નથી. બીસીસીઆઈના એક સૂત્ર પાસેથી જાણકારી મળી આવી છે કે ટાટાએ પાંચ વર્ષ માટે અધિકારો સુરક્ષિત કર્યા છે. ટાટાએ ગયા વર્ષે આઈપીએલના અધિકારો પણ મેળવી લીધા હતા. વિમેન્સ પ્રીમિયર લીગની મેચો મુંબઈના બે સ્ટેડિયમ, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ ખાતે રમાશે.
બીસીસીઆઈએ 951 કરોડ રૂપિયામાં મીડિયા અધિકારો મેળવ્યા છે, જ્યારે પાંચ ટીમોને 4700 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. આ ટુર્નામેન્ટ મુંબઈમાં બે સ્થળોએ યોજાશે – બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમ. RCB ઉપરાંત WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામેલ છે.