BCCI ને મળ્યા નવા સેક્રેટરી, આસામના આ પૂર્વ ક્રિકેટર જય શાહના સ્થાને નવા સેક્રેટરી બન્યા – Gujaratmitra Daily Newspaper

Sports

BCCI ને મળ્યા નવા સેક્રેટરી, આસામના આ પૂર્વ ક્રિકેટર જય શાહના સ્થાને નવા સેક્રેટરી બન્યા

ભારતીય ક્રિકેટ દિગ્ગજ જય શાહે તાજેતરમાં ICC માં ચેરમેનનું પદ સંભાળ્યું છે. તેમણે BCCIના સચિવ તરીકે ઘણા મહાન કાર્યો કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જય શાહે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જય શાહે ICCમાં ચેરમેનનું પદ સંભાળ્યા પછી BCCI ને સેક્રેટરીની જરૂર હતી. હવે BCCI એ આ પદ માટે એક અનુભવી ખેલાડીની પસંદગી કરી છે. આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સૈકિયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બન્યા છે જે જય શાહના સ્થાને નિયુક્ત થયા છે.

બીસીસીઆઈએ રવિવારે એક ખાસ સામાન્ય સભા યોજી હતી. આ બેઠકમાં નવા સચિવની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન પ્રભતેજ સિંહ ભાટિયાએ પણ બેઠકમાં ખજાનચી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બંનેને સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. જય શાહ ICC ચેરમેન બન્યા પછી સૈકિયાને BCCI ના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિમણૂક વર્તમાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કરી હતી જેમણે પોતાની બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરીને સૈકિયાને કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા.

રોજર બિન્નીએ BCCI બંધારણના કલમ 7(1)(d) ને ટાંકીને સૈકિયાને સચિવપદની જવાબદારીઓ સોંપી હતી. સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર છે અને રાજ્યના એડવોકેટ જનરલ પણ છે. આ જોગવાઈ મુજબ જો કોઈ મુખ્ય અધિકારીના અધ્યક્ષ પદમાં કોઈ બીમારી હોય અથવા ખાલી જગ્યા હોય, તો આ જવાબદારી અસ્થાયી રૂપે અન્ય કોઈપણ અધિકારીને સોંપી શકાય છે. બિન્નીએ સૈકિયાને પત્ર લખીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી પદ ખાલી ન થાય અથવા સંબંધિત પ્રક્રિયા મુજબ નવી નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ સચિવની ફરજો તેમની શ્રેષ્ઠ ક્ષમતા અને વિશ્વાસ સાથે નિભાવશે.

જય શાહે ઐતિહાસિક નિર્ણયો લીધા
ઓક્ટોબર 2019 થી BCCI સેક્રેટરી રહેલા જય શાહે BCCI સેક્રેટરી તરીકે ઘણી મહત્વપૂર્ણ પહેલો પર કામ કર્યું. તેઓએ ખાસ કરીને ઘરેલુ ક્રિકેટ અને મહિલા ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મહિલા ખેલાડીઓની મેચ ફી પુરુષ ખેલાડીઓ જેટલી કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. આ ઉપરાંત શાહ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માના પક્ષમાં પણ સક્રિય હતા. તેમણે 2024 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે રોહિત શર્માને સમર્થન આપ્યું. શાહ માનતા હતા કે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારત 2024ના T20 વર્લ્ડ કપમાં સફળતા મેળવશે અને એવું જ થયું.

Most Popular

To Top