નવી દિલ્હી: (New Delhi) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની મેગા હરાજીનું આયોજન આગામી 7-8 ફેબ્રુઆરીના રોજ બેંગલુરૂમાં કરાશે એવી માહિતી બીસીસીઆઇના એક સીનિયર અધિકારીએ બુધવારે આપી હતી. પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે મેગા ઓક્શન (Mega Auction) યુએઇમાં કરાવાશે પણ બીસીસીઆઇની હાલના તબક્કે એવી કોઇ યોજના ન હોવાનું જાહેર કરાયું હતું.
બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે સ્થિતિ ખરાબ નહીં થાય તો એ સ્થિતિમાં આઇપીએની આગામી મેગા હરાજી ભારતમાં યોજાશે અને બે દિવસીય આ મેગા ઓક્શન આગામી 7-8 ફેબ્રુઆરીના રોજ બેંગલુરૂમાં કરાવવામાં આવશે. તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધવાના કારણે વિદેશ યાત્રા બાબતે પ્રતિબંધની સ્થિતિમાં તેને ભારતમાં યોજવી સરળ બની રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર ત્રણ વર્ષે યોજાતી હરાજી સામે મોટાભાગની ફ્રેન્ચાઇઝીએ વાંધો દર્શાવ્યો હોવાથી આ આઇપીએલની અંતિમ હરાજી બની રહેશે.
ટીમ સંયોજન બગડતું હોવાથી મોટાભાગની ફ્રેન્ચાઇઝીને દર ત્રણ વર્ષે થતી હરાજી સામે વાંધો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દર ત્રણ વર્ષે હરાજીનું આયોજન કરવામાં આવે છે. જો કે આ વર્ષે જે મેગા હરાજી થવાની છે તે સંભવ: આઇપીએલની છેલ્લી હરાજી બની રહેવાની સંભાવના છે. કારણકે મોટાભાગની ફ્રેન્ચાઇઝી ટીમોને દર ત્રણ વર્ષે થતી આ હરાજી સામે વાંધો છે. આ ફ્રેન્ચાઇઝીઓ એવું માને છે કે તેના કારણે તેમનું ટીમ સંયોજન બગડી જાય છે. દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદલે તો એવું પણ કહ્યું હતું કે ટીમ બનાવવામાં આટલી મહેનત કર્યા પછી ખેલાડીઓને ફરી છૂટા કરવાનું કામ આકરું રહે છે.
લખનઉ-અમદાવાદને 3-3 ખેલાડી રિટેન કરવા અપાયેલો સમય લંબાવાય તેવી શક્યતા
આઇપીએલમાં અત્યાર સુધી 8 ફ્રેન્ચાઇઝી ટીમ સામેલ હતી અને આ વર્ષથી તેમાં લખનઉ અને અમદાવાદની ટીમનો ઉમેરો થયો છે. બંને ટીમોને ડ્રાફટમાંથી ત્રણ-ત્રણ ખેલાડીને પસંદ કરીને તેમને રિટેન કરવા માટે ક્રિસમસ સુધીનો અર્થાત 25 ડિસેમ્બર સુધીનો સમય અપાયો હતો. જો કે અમદાવાદના માલિક સીવીસીને હજુ ક્લિયરન્સ ન મળ્યું હોવાથી બીસીસીઆઇ આ બંનેને એ સમય લંબાવી આપે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે સીવીસીને આગામી એકાદ બે અઠવાડિયામાં મંજૂરી મળી જશે.