Sports

BCCI: અજીત અગરકર બન્યા ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બન્યા, ચેતન શર્માની જગ્યા લીધી

મુંબઈ: (Mumbai) ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની (Ajit Agarkar) નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચેતન શર્માના સ્થાને આ જવાબદારી સંભાળશે. અજીત અગરકરને ચીફ સિલેક્ટર (Chief Selector) બનાવવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે. અજીત અગરકરે થોડા દિવસો પહેલા IPL ટીમ દિલ્હી કેપિટલ્સમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર બનશે તે લગભગ નિશ્ચિત હતું.

ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને મંગળવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અશોક મલ્હોત્રાની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) સાથે વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુમાં હાજર થવા માટે તે એકમાત્ર દાવેદાર હતા. જો કે અગરકરને આ પદ મળશે તે નક્કી જ હતું. એવું માનવામાં આવે છે કે BCCI માત્ર નિમણૂકની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માંગતી હતી તેથી તેમને અરજી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ચાર્જ સંભાળ્યા પછી અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે.

22 જૂને BCCIએ એક જાહેરાત દ્વારા પસંદગી સમિતિમાં ખાલી જગ્યા માટે અરજીઓ માંગી હતી. આ સમયે અજીત અગરકરે અરજી કરી હતી અને ત્યારથી તેઓ આ પદ મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. અજીતની પસંદગી થયા બાદ હવે ભારતીય પસંદગી સમિતિમાં પશ્ચિમ ઝોનમાંથી બે સભ્યો થઈ ચુક્યા છે. સલિલ અંકોલા પહેલેથી જ વેસ્ટ ઝોન સિલેક્ટર છે.

જણાવી દઈએ કે ચેતન શર્માના રાજીનામું આપ્યા બાદ અગરકર પસંદગીકાર બનવા માટે આગવી હરોળમાં હતા. હવે પસંદગી પામ્યા બાદ ચાર્જ સંભાળ્યા પછી અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ અગરકર એકમાત્ર ઉમેદવાર હતા જે ઈન્ટરવ્યુ માટે હાજર થયા હતા. તે વર્ચ્યુઅલ થયું હતું કારણ કે અગરકર હાલમાં ફેમિલી વેકેશન પર વિદેશમાં છે.

Most Popular

To Top