પ્રીમિયર લીગની 14મી સિઝન દર્શકો વિના 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ કોરોનાના વધતાં કેસોને લીધે બીસીસીઆઇની ચિંતા વધી રહી છે. બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, આઇપીએલ શરૂ થવા પહેલા અમે ઇચ્છીએ છીએ કે તમામ ખેલાડીઓને વેક્સિન લગાવી દેવામાં આવે.
રાજીવ શુક્લા અનુસાર, બોર્ડ વેક્સિન માટે આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં છે. આઇપીએલની 14મી સિઝન 52 દિવસ ચાલશે. ટૂર્નામેન્ટ 9 એપ્રિલથી શરૂ થશે અને 30 મે ના રોજ સમાપ્ત થશે. આ ટુર્નામેન્ટ બાયો બબલમાં યોજાશે.
આઇપીએલની તમામ મેચો અમદાવાદ, બેંગ્લુરૂ, ચૈન્નઇ, દિલ્હી, મુંબઇ અને કોલકાત્તામાં યોજાનાર છે. મુંબઇમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ઇન્દોર અને હૈદ્રાબાદને સ્ટેન્ડ બાય રાખવાનો નિર્ણય લેવાયો છે. આઇપીએલની કેટલીક મેચો આ મેદાનો પર રમાડવામાં આવે તેવી સંભાવના છે. શિડ્યુલ પ્રમાણે પ્લેઓફ અને ફાઇનલ મેચ આ વખતે અમદાવાદમાં યોજાનાર છે.
રાજીવ શુક્લાએ કહ્યું કે કોરોના સામે એક જ ઉકેલ છે અને તે વેક્સિન છે. બીસીસીઆઇ પણ માને છે કે ખેલાડીઓને વેક્સિન લગાવવી જોઇએ. કોઇ નથી જાણતું કે કોરોના ક્યારે ખતમ થશે અને કોઇ પણ આના ખતમ થવા વિશે તારીખની જાહેરાત કરી શકે તેમ નથી. એવામાં ખેલાડીઓ માટે રમવું સરળ નહીં રહે. મારું માનવું છે કે આ વિશે વિચારવું જોઇએ કે ખેલાડીઓ માટે તે જરૂરી છે.
બીસીસીઆઇએ વેક્સિન મામલે કહ્યું કે, અમે સતત આરોગ્ય વિભાગના સંપર્કમાં છીએ અને એ દિશામાં ચૌક્કસ નિર્ણય લેવામાં આવશે એવી આશા છે.
અક્ષર બાદ દેવદત્ત પડીકલ પણ કોરોના પોઝિટિવ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) ની 14 મી સિઝન પર સતત સંકટના વાદળ છવાઇ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ બાદ હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના ઓપનર દેવદત્ત પડિકલ કોવિડ-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સમાચારો અનુસાર, કોવિડ -19 પોઝિટિવ મળ્યા બાદ પડિકલ ક્વોરેન્ટાઇન થઇ ગયો છે.
આરસીબી તેની પહેલી મેચ 9 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ સામે રમવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ સામેની મેચ પહેલા પડિકલ ફિટ રહેવાની સંભાવના છે. પડિકલ આરસીબીનો મોટો ખેલાડી છે. શનિવારે અક્ષર પટેલ કોવિડ -19 પોઝિટિવના સમાચાર આવ્યા હતા. દેવદત્ત પદિકલ આઈપીએલ પહેલા કોરોનાથી ચેપ લાગનાર ત્રીજો ખેલાડી છે.