ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે, અને હાલમાં બીસીસીઆઇ માત્ર છ મહિનાના ગાળામાં જ ફરી એકવાર ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાની તૈયારીમાં રત છે, ત્યારે વિશ્વના આ સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ માટે એક મોટી શરમની કહેવાય તેવી વાત સામે આવી છે કે અમ્પાયર સહિતના 400 મેચ અધિકારીઓને તેમનું મહેનતાણુ હજુ સુધી ચુકવાયું નથી. આ મેચ અધિકારીઓમાં અમ્પાયર, સ્કોરર અને વીડિયો એનાલિસ્ટ સામેલ છે અને તેમાંથી કેટલાક મેચ અધિકારીઓ તો એવા છે જેમને માર્ચ 2020થી મહેનતાણુ ચુકવવામાં આવ્યું નથી. આ સિવાય કેટલાક ડોમેસ્ટિક ક્રિકેટરને પણ તેમનું મહેનતાણુ મળ્યું નથી.
એક અમ્પાયરે કહ્યું હતું કે બીસીસીઆઇએ અમ્પાયર્સ અને ટૂર્નામેન્ટ અધિકારીઓને બિલ જમા કરવા કહ્યું હતું, જે ત્રણ દિવસથી વધુના નથી. અમ્પાયરનું કહેવું હતું કે મોટાભાગે ટુર્નામેન્ટ પુરી થયાના 15 દિવસમાં નાણાંની ચુકવણી થતી હતી પણ આ વખતે મુશ્તાકઅલી ટ્રોફી પુરી થયાને બે મહિના થવા છતાં હજુ પૈસા મળ્યા નથી.
એવું માનવામાં આવે છે કે મેચ અધિકારીઓને પૈસા ન મળવાનું મુખ્ય કારણ બીસીસીઆઇના ક્રિકેટ ઓપરેશનલ મેનેજરનુ ખાલી પદ છે. આ પદેથી સબા કરીમે ગત વર્ષે રાજીનામુ આપ્યું હતું. નાણા ન મળવાને કારણે એવા મેચ અધિકારીઓ પર વધુ અસર થઇ છે જેમની કમાણી મેચો પર આધારિત છે. ખાસ વાત એ છે કે આ મેચ અધિકારીમાંથી એવા કેટલાક છે જેમને ગત વર્ષે માર્ચ મહિનાથી પૈસા મળ્યા નથી.
આઇપીએલ 2020માં બીસીસીઆઇ રૂ. 4000 કરોડ કમાયું છતાં મેચ અધિકારીઓને ચુકવવાના પૈસા નથી
આઇપીએલની 13મી સિઝનનું આયોજન યુએઇમાં કરાયુ હતું અને એ આઇપીએલના સફળ આયોજનથી બીસીસીઆઇને કુલ મળીને રૂ. 4000 કરોડની કમાણી થઇ હતી. આ વર્ષે તેનું આયોજન ભારતમાં થઇ રહ્યું છે અને દર્શકોની ગેરહાજરી વચ્ચે પણ સ્પોન્સરશીપ, તેમજ અન્ય રાઇટ્સ મળીને તે કરોડોની કમાણી કરી જ લેશે, ત્યારે મેચ અધિકારીઓને પૈસાની ચુકવણી કરવામાં કરાતા આવા ઠાગાઠૈયા તેના માટે મોટી શરમની વાત કહી શકાય. મહત્વની વાત એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડની ટોચની કાઉન્સીલ ઇન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન પણ આ મામલે ચુપકીદી સેવીને બેસી રહ્યું છે.