બીગ બેશ લીગ એટલેકે BBLમાં આજે 52મી મેચ રમાઈ રહી છે. હોબાર્ટ હરિકેન્સ અને સિડની સિક્સર્સની ટીમો આમને-સામને છે. ત્યારે આ ક્રેકિટ મેચમાં (Cricket Match) આશ્ચર્યજનક પરંતુ સાચી ઘટના બની હતી. જેણે ક્રિકેટ રસીયાઓને આશ્ચર્યમાં (Surprise) નાંખી દીધા છે. ઘટના સ્ટીવ સ્મિથની (Steve Smith) બેટિંગ (Batting) દરમ્યાન ઘટી હતી. મેચમાં તે શાનદાર ફોર્મમાં હતો. દરમિયાન એક અદ્ભુત તમાશો જોવા મળ્યો હતો. શું કોઈ વિચારી શકે છે કે એક બોલમાં 16 રન બને ખરાં? પરંતુ આવું થયું હતું. તમને જણાવીએ કે એક બોલમાં 16 રન કેવી રીતે બન્યા અને મેચમાં શું થયું હતું.
સિડની સિક્સર્સ માટે ઓપનર તરીકે સ્ટીવ સ્મિથ જોશ ફિલિપ્સ મેદાનમાં ઉતાર્યા હતા. મેચની માત્ર બીજી ઓવર ચાલી રહી હતી. આ ઓવર જોએલ પેરિસ નાંખી રહ્યા હતા. પેરિસનો સામનો કરવા માટે સ્ટીવ સ્મિથ ક્રિઝ પર હતા.પેરિસે પ્રથમ બે બોલ પર કોઈ રન આપ્યો ન હતો. પરંતુ ત્રીજો બોલ નો બોલ તરીકે ફેંકવામાં આવ્યો હતો. આના પર સ્ટીવ સ્મિથે સિક્સર ફટકારી હતી. હવે એ જાણવાનું છે કે સ્મિથે અમ્પાયરનો નો બોલનો ઇશારો સાંભળીને સિક્સર ફટકારી કે પછી તે તેના પર સિક્સર મારવા માટે પહેલેથી જ તૈયાર હતા. નો બોલ હોવાથી આ બોલની ગણતરી ન થઈ અને સિક્સ આવી.
આ પછી આગળનો બોલ ફ્રી હિટ બન્યો. પેરિસે આ બોલને લેગ સ્ટમ્પની બહાર ફેંક્યો એટલે કે તે વાઈડ થઈ ગયો. આ બોલ એટલો દૂર હતો કે વિકેટ કીપર પણ તેને પકડી શક્યો ન હતો અને બોલ સીધો બાઉન્ડ્રી પાર કરી ગયો. જેથી આ બોલથી ચાર રન મેળવ્યા હતા. ચાર રન અને વાઈડ પરંતુ ફ્રી હિટ હજુ બાકી હતી. કારણ કે નિયમ એવો છે કે ફ્રી હિટ બોલ કાયદેસર હોવો જોઈએ. આ પછી પેરિસે ફરીથી ત્રીજો બોલ નાંખ્યો. આ ફ્રી હિટ પર સ્ટીવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો અને ક્રિકેટ જગતમાં આશ્ચર્યજનક ઘટના બની ગઈ.
આમ એક બોલમાં 16 રન બની ગયા. પ્રથમ વખત નો બોલનો એક રન અને તેની ઉપર છગ્ગો આમ કુલ સાત રન. બીજા બોલ પર પાંચ રન, એક ફોર અને વાઈડનો રન. જ્યારે ત્રીજા બોલ પર બાઉન્ડ્રીને કારણે મળ્યા ચાર રન. આ રીતે સાત, પાંચ અને ચાર મળીને કુલ 16 રન થયા. સ્ટીવ સ્મિથે આ ત્રણેય બોલનો સામનો કર્યો હતો. જોકે મેચમાં સ્ટીવની બેટિંગનો કમાલ અહીં પૂરો ન થયો, ફરીથી સ્ટીવ સ્મિથે ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ પેરિસ તેની આ ઓવરમાં ધોવાઈ ગયો હતો.
જણાવી દઈએ કે એક સમયે IPL ટીમ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ બાદમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે જોડાયા હતા. પરંતુ બાદમાં દિલ્હી કેપિટલ્સે પણ તેમને છોડી દીધા હતા. તેમને આઈપીએલ 2023ની હરાજીમાં વેચાયા વિના પાછા જવું પડ્યું હતું. પરંતુ સ્મિથ જે પ્રકારનો ખેલ દેખાડી રહ્યા છે કેટલીક ટીમો વિચારતી હશે કે તેમને તેમની ટીમમાં શામેલ કરવા જોઈતા હતા.