SURAT

મીઠી ખાડી ઉભરાતા સુરતની કાપડ માર્કેટમાં પાણી ભરાયા, સ્કૂલમાં રજા આપી દેવાઈ

સુરત(Surat): ભારે વરસાદના (Heavy Rain) લીધે સુરત શહેરમાંથી પસાર થતી તથા આસપાસની ખાડીઓ (Bay) ભયજનક સપાટી પરથી વહી રહી છે. મીઠીખાડી ઉભરાઈ છે, જેના લીધે ખાડી કિનારેના વિસ્તારો લિંબાયત, પરવટ પાટીયા, સણીયા હેમાદ અને કુંભારીયા ગામના નીચાણવાળા વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયા છે. સારોલીમાં આવેલી ડીએમડી માર્કેટ તથા આસપાસની માર્કેટ, ગોડાઉનમાં પાણી ભરાઈગયા છે. અહીં આસપાસના ઘરો, મંદીરો, સ્કૂલોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળામાં રજા આપી દેવાઈ છે. રસ્તા પર પણ પાણી ફરી વળતા સુરત કડોદરાનો વાહનવ્યવહાર ખોરવાયો છે. પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યાં હોય ભારે ટ્રાફિક જામ થયો છે.

મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડી કિનારાના વિસ્તારમાં 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. જ્યારે પર્વત પાટીયાની સ્કૂલમાં પાણી ભરાતા રજા જાહેર કરવામાં આવી છે. અહીં ખાડીની નજીક આવેલી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં ત્રણ ફૂટ કરતા વધારે પાણી ભરાતા આજે શાળા બંધ રાખવામાં આવી હતી. લિંબાયત વિસ્તારની મીઠી ખાડી સહિતની ખાડીઓમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાના કારણે કમરૂનગર રજા ચોક ફુલવાડી જેવા વિસ્તારોની અંદર 3થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. ખાડી નજીક પાણી ઉલેચવા માટે પંપ પણ મૂકવામાં આવ્યા છે. ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ફાયર વિભાગ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. મેયર હેમાલી બોઘાવાલા પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જઈ અસરગ્રસ્તોની હેલ્પ માટેની ગોઠવણ કરી હતી.  પર્વત પાટીયાથી કડોદરા તરફના રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક પોલીસ પાણીમાં ચાલુ વરસાદે સવારથી ટ્રાફિક નિયમન કર્યો હતો. ટ્રાફિક પોલીસે પાણીમાં ફસાઈ ગયેલા વાહનોને પણ બહાર કાઢવા માટે વાહન ચાલકોની મદદ કરી હતી. 

સુરતની ખાડીઓ ભયજનક સપાટી પરથી વહી રહી છે
સુરત શહેર જિલ્લામાં બે દિવસથી અવિરતપણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. આ વરસાદી પાણી સીધું સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં આવતું હોવાને કારણે ખાડીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. જેમાં કાકરાપાર ખાડી જેનું ભયજનક લેવલ 6.50 મીટર છે અને હાલ 6.15 મીટરે વહી રહી છે. ભેદવાડ ખાડી ભયજનક લેવલ 6.75 મીટર છે અને હાલમાં 6.50 મીટરે વહી રહી છે. મીઠીખાડી ભયનજક લેવલ 9.35 મીટર છે અને હાલમાં 8.65 મીટરે વહી રહી છે. ભાઠેના ખાડી ભયજનક લેવલ 7.70 મીટર છે અને હાલમાં 6.20 મીટરે વહી રહી છે. સીમાડા ખાડી ભયજનક લેવલ 4.50 મીટર છે અને હાલમાં 4.50 મીટરે ડેન્જર લેવલે વહી રહી છે.  

સુરતમાં ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા
ઉપરાંત શહેર મધ્યે વહેતી સૂર્યપુત્રી તાપી નદી ઉપર આવેલા સિંગણપોર કોઝ-વેની બપોરે 4 કલાકે સપાટી 8.83 મીટર છે. અને કોઝવે ઉપરથી 1,87,262 ક્યુસેક પાણી વહી રહ્યું છે જે અરબ સાગરમાં મળે છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થતા મોરાભાગળ હનુમાન ટેકરી ફલડ ગેટને બંધ કરવામાં આવ્યો છે. દરમિયાન સિમાડા ખાડી હાલમાં બપોરે ૧૨ કલાકે ડેન્જર લેવલે વહી રહી છે મનપાનું તંત્ર ખાડીઓ નાં લેવલ ઉપર સતત નજર રાખી રહ્યું છે.

ઉકાઈના ઉપરવાસમાં સતત ભારે વરસાદ
ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ગતરોજ ફરી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કર્યું છે જેને લઈને ઉકાઈડેમમાં પાણીની આવકમાં વધારો નોધાયો છે. વિતેલા ચોવીસ કલાકમાં 3 ગેજ સ્ટેશનમાં 77 મી.મી એટલે કે 3 ઈંચ વરસાદ નોધાયો છે. સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગત મુજબ લખપુરીમાં 0.20 મી.મી, ચીખલધરા 14.80 મી.મી, દેડતલાઈ 0.60 મી.મી, બુરહાનપુર 1.60 મી.મી, ગિરગાંવ 1.60 મીમી,ધુલીયા 2.20 મી.મી, સાવખેડા 1.80 મી.મી, ગીધાડે 14 મી.મી, સારનખેડા 5.40 મી.મી, સેલગાવ 4.4મી.મી., ખેતીયામાં 17 મી.મી, નંદુરબાર 12 મી.મી, નિજામપુરમાં 1.80 મી.મી મળી કુલ 77 મી.મી વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં ઈનફલોમાં વધઘટના લીધે તંત્ર ચિંતિત
ઉપરાંત ઉકાઈડેમના ઉપરવાસમાં આવેલ હથનુર ડેમમાંથી 89,241 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યાં છે તેમજ ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસતું આ પાણી ઉકાઈ ડેમમાં ઠલવાય રહ્યાં છે. સાંજે 4 કલાકે ઉકાઈડમની સપાટી 335.27 ફુટે પહોંચી હતી અને ડેમમાં પાણીની આવક માં વધઘટ જોવા મળી રહી છે. બપોરે 12 કલાકે ડેમમાં ઈનફલો 68, 654 ક્યુસેક હતો જે ફરી સાંજે 4 કલાકે વધીને 84,494 ક્યૂસેક નોંધાયો હતો. ડેમના તંત્ર દ્વારા સતત 84 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top