નવી દિલ્હી: (New Delhi) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં નવી ટીમ ગુજરાત ટાઈટન્સનએ પ્રવેશ કર્યો છે. તેને ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ લિમિટેડ ઓવરના બેટ્સમેન જેસન રોયે (Batsman Jason Roy) ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે પોતાના નિર્ણય વિશે ફ્રેન્ચાઈઝીને પણ જાણ કરી દીધી છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની આ ટીમે તેને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
- જેસન રોયે IPL 2022માંથી નામ પાછુ લીધુ
- બાયો બબલના થાકને કારણે જેસને આ નિર્ણય લીધો
- ગુજરાત ટાઈટન્સે તેને બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
- 2020 સીઝનના ટૂર્નામેન્ટમાં પણ રમવાનો ઇનકાર કર્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાયો બબલના થાકને કારણે જેસને આ નિર્ણય લીધો છે. તે લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવા માંગતો નથી. આ કારણે તેણે ટૂર્નામેન્ટમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. હવે હાર્દિક પંડ્યાની ટીમમાં જેસન રોયને બદલે અન્ય કોઈને સામેલ કરવા પડશે તેવી પરિસ્થતિ આવી છે. આઇપીએલ છોડવાના નિર્ણય પાછળનું બીજું કારણ એ પણ છે કે તેઓ તાજેતરમાં જ બીજા બાળકના પિતા બન્યા છે. તેઓ પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. તેમણે ઘણી મેચોમાં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે. તેમજ પાકિસ્તાન સુપર લીગમાં પણ તેમનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેમણે ક્વેટા ગ્લેડીયેટર્સ માટે માત્ર 6 મેચમાં એક સદી અને બે અડધી સદીની મદદથી 303 રન બનાવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ IPLમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડી તરીકે મોટી ભૂમિકા ભજવી શકે છે. પરંતુ તેમના આ નિર્ણય બાદ ટીમ તથા ગુજરાતના લોકોને મોટો ઝટકો લાગ્યો છે.
જોકે, જાસન રોયે પહેલીવાર આવો નિર્ણય લીધો નથી. દિલ્હી કેપિટલ્સે સીઝન 2020માં રોયને ખરીદ્યો હતો. તે પછી પણ તેમણે ટૂર્નામેન્ટમાં રમવાનો ઇનકાર કર્યો હતો. આને ટીમ માટે મોટો આંચકો પણ માનવામાં આવે છે કારણ કે રોયનું પર્ફોરમેન્સ અત્યાર સુધી ખૂબ સારું છે. આઈપીએલમાં આ સિઝનથી કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ લીગનું આયોજન 26 માર્ચથી મે મહિનાના અંત સુધી લગભગ બે મહિના માટે કરવામાં આવશે. જેમાં ગુજરાતની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે, જ્યારે ટીમમાં રાશિદ ખાન, શુભમન ગિલ, ડેવિડ મિલર જેવા ખેલાડીઓ સામેલ છે.