દરેક વ્યકિતને અંગત જીવન હોય છે. તેના વ્યવહારો અને હકીકતોમાં કેટલીક બાબતો અંગત હોય છે. બધાં લોકો ‘સત્યના પ્રયોગો’ કરનાર રાષ્ટ્રપિતા ગાંધીજી જેવું પારદર્શી વ્યકિતત્વ અને જીવન રાખતા નથી. લોકો પોતાનાં હિતોની રક્ષા, ગુપ્તતા ઇચ્છે છે. સી.સી. ટી.વી. કેમેરા, જાસૂસો અને પેગસાસ જાસૂસી જેવી હરકતો અંગતતા હણી શકે છે. સરકાર દ્વારા પણ એવા કાયદા ઘડાય છે, ફરજ પડાય છે, જેનાથી અંગતતા પર પ્રહાર થાય છે. સામાજિક અને રાષ્ટ્રીય, વ્યાવસાયિક ગતિવિધિઓમાં અંગતતા જાળવવી મુશ્કેલ બને છે. જાહેર જીવન જીવતી વ્યકિતઓની અંગત બાબતો ઘણી વાર લીક થઇ જઇ વિવાદ સર્જે છે. જનસાધારણ માટે પણ હવે તો અંગતતાના સંદર્ભમાં ભય ઊભો થવાની અંગતતા નિરાધાર થતી જાય છે, વાત છે આધારકાર્ડની. તે આધાર પ્રમાણે સંપૂર્ણ યોગ્ય આધાર રહેતો નથી, જન આધાર થવાને બદલે હાનિકારક પણ થઇ શકે છે.
આમાં નેતાઓના જનાધારની વાત નથી. જેને ‘પર્સનલ લાઇફ અને મેટર’ કહીએ છીએ તેની સુરક્ષાની ચિંતા છે. લોકોને સરકારી સેવાનો અધિકાર છે એટલે સરકારી સેવાથી વંચિત રાખી શકાય નહીં. બેન્કમાં ખાતું, રેશનકાર્ડ, ટ્રેનમાં ટિકિટ બુકીંગ જેવી અનેક સેવાઓમાં લોકોને પરેશાની થઇ શકે છે. આધારકાર્ડમાં દર્શાવેલા ડેટાનો દુરુપયોગ અન્યો કરી શકે છે. વેકસીનેશન જેવી આરોગ્ય સેવાથી પણ વંચિત ન રાખી શકાય, વળી વેકસીનેશનના બે ડોઝ વિના મતાધિકાર ઝૂંટવી શકાય નહીં. આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાથી તો ગણતંત્ર અને નાગરિક અધિકાર પર પણ પ્રહાર થાય છે. નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. આધાર કાર્ડનો ડેટા ચૂંટણી પંચને અપાય ત્યારે નાગરિકની પરવાનગી વગર બીજા કોઇ કાર્ય માટે તેનો ઉપયોગ ન થઇ શકે. માનવ અધિકારનો ખાસ ખ્યાલ જરૂરી છે. રાજસત્તા નાગરિકની અંગતતા હણે તે લોકશાહી વિરુધ્ધ ગણાય. આવ તો સરમુખત્યારશાહીનું જ લક્ષણ ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.