વડોદરા : અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવતા બરોડા ડેરી પણ ભાવ વધારો કરશે તેવી શક્યતાઓ વચ્ચે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા બરોડા ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી દૂધનો ભાવ વધારો કરવામાં આવશે તો નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તાજેતરમાં અમુલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જેના પગલે બરોડા ડેરી પણ આગામી દિવસોમાં દૂધના ભાવમાં વધારો કરે કરશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે બરોડા ડેરીના સત્તાધીશો દૂધના ભાવમાં વધારો કરે તે પહેલાં જ વડોદરા શહેર યુવા કોંગ્રેસે બરોડા ડેરી બહાર દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિહ વાઘેલા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મૌલિક પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોએ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને બરોડા ડેરી દૂધમાં ભાવ ન વધારે તેવી ઉગ્ર માંગણી સાથે ડેરીના એમડીને આવેદનપત્ર આપ્યું હતું. યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે અગાઉ બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો એટલે આ વખતે દૂધના ભાવમાં વધારો કરવામાં ન આવે તેવી માંગ કરી હતી તેમ છતાય ડેરી ભાવ વધારો ઝિકશે તો યુથ કોંગ્રેસ ના છુટકે ઉગ્ર આંદોલન કરશે ઉપરાંત અચ્છે દિનના સપના બતાવનાર ભાજપ સરકારની પણ આકરી ઝાટકણી કાઢી હતી ભાજપના રાજમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વધતા ભાવ વધારાને કારણે લોકોનું જીવન જીવવાનું મુશ્કેલ થઈ ગઈ હોવાના પણ આક્ષેપ કર્યા હતા.
બરોડા ડેરી હજુ એક-બે દિવસ ભાવ નહીં વધારે
મંદી બેરોજગારીથી પીડાતી પ્રજા માથે દૂધના ભાવનો વધારો ઝીંકવામાં આવ્યો છે અમુલ બાદ બરોડા ડેરી પણ ભાવ વધારો કરશે તેમ મનાય છે બરોડા ડેરીના એજન્ડામાં આવ્યા પછી ડેરીના નિયામક મંડળની બેઠક મળશે જે બેઠકમાં ભાવવધારા અંગે નિર્ણય લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે એટલે હજુ એકાદ બે દિવસ સુધી બરોડા ડેરીના દૂધ ન ભાવ નહિ વધે જોકે બરોડા ડેરી સત્તાધીશો લગભગ 2 રૂપિયાનો વધારો કરશે તેવું પણ નિશ્ચિત મનાઇ રહ્યું છે.